Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

સર્વેશ્વર ચોકના શિવમ કોમ્‍પ્‍લેક્ષનો સર્વે ચાલુ : એક-બે દિ'માં રિપોર્ટ તૈયાર

મ્‍યુ. કમિશનર દ્વારા વોંકળા સહિતના દબાણો અંગે લાંબી યાદી બનાવાઇ : શહેરમાં અનેક સ્‍થળે ડીમોલેશન કરાશે

રાજકોટ, તા. ર૯ : શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોક ખાતે  તા. ર૪ ના રોજ બનેલ ઘટના અન્‍વયે ગઈકાલ ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકા દ્વારા સર્વેશ્વર ચોકમાં રસ્‍તાના ભાગે આવેલ સ્‍લેબનું સ્‍ટ્રકચરલ સ્‍ટેબિલિટી માટેનું ટેસ્‍ટીંગ આજે  હાથ ધરવામાં આવેલ તેમ મેયર નયનાબેન પેઢડીયા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર અને મ્‍યુનિ. કમિશનર આનંદ પટેલે  જણાવ્‍યું હતું.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, સ્‍ટ્રકચરલ સ્‍ટેબિલિટી માટેના ટેસ્‍ટીંગનું પરિણામ આવ્‍યે સર્વેશ્વર ચોકના વોંકળા પૈકીના ભાગનો કેવો અને કેટલો ઉપયોગ કરવો તે જાણી શકાશે તથા આસપાસના અન્‍ય કોમ્‍પ્‍લેક્ષના વેપારીઓ, રહીશો તથા રાહદારીઓની સુગમતાને ધ્‍યાનમાં લઈ સર્વેશ્વર ચોકમાં વોંકળા સિવાયના ભાગનો ઉપયોગ કરવા હાલ છૂટ આપવામાં આવે છે.

સર્વેશ્વર ચોકના વોંકળાવાળો ભાગ સ્‍ટ્રકચરલ સ્‍ટેબિલિટી માટેના ટેસ્‍ટીંગના પરિણામ આવ્‍યેથી લોકોની સલામતીને ધ્‍યાને લઈ નિર્ણય કરવામાં આવશે.આમ મનપા દ્વારા ઝડપથી કાર્યવાહી કરી લોકોના ધંધો-રોજગારને પણ નુકશાન ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

આ ઉપરાંત રાજકોટમાં વોંકળા સહિતના દબાણો અંગે મ્‍યુ. કમિશ્નર દ્વારા લાંબા યાદી તૈયાર કરાઇ હોવાનું અને અગ્રતા મુજબ ડીમોલેશન ચાલુ જ રહેશેનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્‍યું છે. આ યાદી મુજબ વોંકળા સિવાયના અન્‍ય દબાણો ઉપર પણ બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરાશે.

જુનાગઢ ખાતે ઉપરકોટના લોકાર્પણ પ્રસંગે આવેલ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ દ્વારા વોંકળાના દબાણ અંગે જુનાગઢ કોર્પોરેશન તંત્રને ખખડાવ્‍યું હોવાની વાત પણ વહેતી થઇ છે. (૯.ર૦)

લ્‍યો બોલો... વોંકળાનો સ્‍લેબ જ કોઇ બુરી ગયું !!!

રાજકોટ : બે બિલ્‍ડીંગ વચ્‍ચેનો વોકળાનો સ્‍લેબ કોઇએ બુરી દીધો છે ત્‍યારે કોણે બુર્યો ઇ તપાસ થશે. કોઇ મંજુરી નથી તેવું પણ મનપાના સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્‍યું છે. આ રિપોર્ટ પર થી કાયદેસર કાર્યવાહી કરવા તૈયારી આદરવામાં આવશે.

(3:24 pm IST)