Gujarati News

Gujarati News

News of Saturday, 30th September 2023

સિંચાઈ, "સૌની" યોજના, પાણી પુરવઠાના કામો વહેલાસર પૂર્ણ કરવા જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈની સૂચના

રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજતા પાણી પુરવઠા મંત્રી

રાજકોટ:રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને રાજકોટમાં બહુમાળી ભવન જીત સિંચાઇ વિભાગની કચેરી ખાતે સિંચાઈ, "સૌની" યોજના તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં પ્રગતિ હેઠળના કામોને વેગવાન બનાવવા તથા બાકી કામો વહેલાસર પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી.

 રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના સિંચાઈ (પંચાયત) અને સિંચાઈ (રાજ્ય)ના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં, મંત્રી કુંવરજીભાઈએ ચેકડેમ તથા તળાવના રિપેરિંગના કામો, "સૌની" યોજના સાથે જોડવાના તળાવો, સિંચાઈ વિભાગની મિલકતોની જાળવણી, તથા હાલ ચાલી રહેલા કામોની ગુણવત્તાની સમીક્ષા કરી આ કામોમાં ગતિ લાવવા સૂચના આપી હતી. અને વિવિધ વિસ્તારમાં સિંચાઈ ખાતાને લગતા પ્રશ્નોની વિગતો મેળવી તેના ઉકેલ માટે માર્ગદર્શન આપ્યું હતું.

  મંત્રીએ વિવિધ વિસ્તારોમાં આવેલા ચેકડેમ કે મોટા ડેમ સહિતના સિંચાઈ વિભાગના માળખાને નુકસાન કરતી વિવિધ પ્રવૃત્તિઓ સામે કડક હાથે કામ લેવા  સૂચના આપી હતી.

 "સૌની" યોજનાના  અધિકારીઓ સાથેની બેઠકમાં મંત્રીએ  લિન્ક-૪ના પેકેજ-૫ની સ્થિતિ જાણી હતી તેમજ "સૌની" યોજના અંતર્ગત હાલ થતાં પાણી વિતરણની વિગતો મેળવી હતી. અને પ્રગતિ હેઠળના કામો વેગવાન બનાવવા અને આગામી સમયમાં હાથ ધરાનાર કામોને વહેલાસર શરૂ કરવા પણ અધિકારીને જણાવ્યું હતું.

   જ્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં મંત્રી કુંવરજીભાઈએ મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગરના વિવિધ તાલુકામાં પાઈપલાઈન નાંખવાની કામગીરીનો પ્રગતિ અહેવાલ જાણ્યો હતો. તથા આગામી દિવસોમાં નવા વિસ્તારોમાં નવી પાઈપલાઈન બિછાવીને નર્મદાના પાણી પહોંચાડવા અંગે આયોજન વિચારવામાં આવ્યું હતું.

    આ બેઠકમાં રાજકોટ સિંચાઈ યોજના વર્તુળના સિંચાઈ (પંચાયત) અને સિંચાઈ (સ્ટેટ) વિભાગના રાજકોટના કાર્યપાલક ઈજનેર સર્વ ભાવિન ભીમજીયાણી, વિવેક ગોહિલ, મોરબીના ગુલાબ પટેલ, પ્રમોદગીરી ગોસાઈ, સુરેન્દ્રનગરના કે.બી. પટેલિયા, વિરલ ગજ્જર જ્યારે રાજકોટ સિંચાઈ વર્તુળના સૌની યોજનાના અધિક્ષક ઈજનેર કે. એચ. મહેતા, કાર્યપાલક ઇજનેર એન.વી. ચાઉં, નાયબ કાર્યપાલક ઇજનેરઓ તેમજ પાણી પુરવઠા વિભાગના ચીફ એન્જિનિયર રાજ મહેરિયા (સિવિલ), સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર કોમલ અડાલજા (સિવિલ),કુણબી (યાંત્રિક) ઉપરાંત રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, લીંબડીના કાર્યપાલક ઈજનેરઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(11:38 pm IST)