Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

પહેલી ઓકટોબરે ધોરાજી ખાતે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

સરકારની જુદી જુદી ૫૬ જેટલી સેવાઓનો લાભ એક જ સ્થળે સવારે ૯થી ૫ વાગ્યા સુધી મળશે

રાજકોટ:સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ છેવાડાના માનવીને સરળતાથી મળે તથા પ્રજાજનોના પ્રશ્નોનું નિરાકરણ તેના નજીકના જ વિસ્તારમાં મળી શકે તે માટે સરકારશ્રી દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત ૧ ઓકટોબર ના રોજ સેવાસેતુ કાર્યક્રમ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનો ગ્રામ્ય કક્ષાનો મોટી વાવડી ખાતે તથા  ધોરાજી નગરપાલિકાનો "શ્રી સરદાર પટેલ ટાઉન હોલ" ખાતે સવારે ૯ થી સાંજના ૫ કલાક સુધી યોજાશે.

 આ કાર્યક્રમ અંતર્ગત ધોરાજી તાલુકાના મોટી વાવડી, ભૂખી, નાની વાવડી, ઝાંઝમેર, સૂપેડી એમ કુલ પાંચ ગામો તથા નગરપાલિકા કક્ષાએ વોર્ડ નં. ૧ થી ૯ નો સમાવેશ થાય છે. જેમાં વહીવટીતંત્ર દ્વારા સરકારના જુદા જુદા ૧૩ જેટલા વિભાગોની જુદી જુદી ૫૬ યોજનાકીય સેવાઓનો લાભ એક જ સ્થળે ગ્રામ્યજનોને આપવામાં આવશે. અરજદારોની અરજી, આધાર પુરાવા માટેની તમામ સુવિધા સ્થળ પર  જ ઉપલબ્ધ કરવામાં આવશે. અરજદારોના વિવિધ સેવાઓનો લાભ લેવા માટેના જરૂરી આધાર પુરાવા સાથેના અરજીપત્રક બપોરે બે વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. અરજદારોની વ્યક્તિગત અરજીઓના યોગ્ય નિકાલ માટે ધોરાજીની સંબંધિત વિવિધ કચેરીનાં અધિકારીઓ તેમના પ્રતિનિધિ સાથે હાજર રહેશે.

  આ સેવાસેતુ કાર્યક્રમનો જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ લેવા વહીવટીતંત્ર વતી ધોરાજી તાલુકા વિકાસ અધિકારી જયશ્રીબેન જે. દેસાઈ અને ધોરાજી મામલતદાર એમ.જી.જાડેજાની સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

(1:03 am IST)