Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સીટી એરિયામાં પણ હેલ્મેટના મેમો! ૮ દિવસમાં રદ ન થાય તો ધરણા

વોર્ડ નં. ૫ના કોંગી આગેવાનો દક્ષાબેન ભેસાણીયા, અરવિંદભાઇ, જીતેન્દ્રભાઇ રૈયાણી, ભરતભાઇ મકવાણા સહિતની પોલીસ કમિશનરને લેખિત ફરિયાદઃ શહેરી એરિયામાં જેને મેમો મળ્યો હોય એવા લોકોને સંપર્ક કરવા અનુરોધ

રાજકોટઃ હેલ્મેટનો કાયદો ફરીથી કડક રીતે અમલી બનાવવાનું જાહેરનામુ અગાઉ સોશિયલ મિડીયામાં વાયરલ થયું હતું અને શહેર પોલીસે તો હેલ્મેટના ધડાધડ કેસો કરવાનું પણ ચાલુ કરી દઇ દંડ પણ વસુલી લીધો હતો. પરંતુ બાદમાં આ જાહેરનામુ હાલ પુરતુ માત્ર હાઇવે પર જ લાગુ પાડવામાં આવશે તેવી સ્પષ્ટતા ડીજીપી શ્રી આશિષ ભાટીયા દ્વારા કરવામાં આવી હતી. એ પછી શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે પણ શહેરને લગત હાઇવે પર જ હાલ હેલ્મેટના દંડની કાર્યવાહી થશે તેવી ચોખવટ કરી હતી. જો કે આમ છતાં શહેરી એરિયામાં હેલ્મેટના મેમો ફટકારવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ સાથે આજે વોર્ડ નં. ૫ના કોંગી આગેવાનો ભાજણમાંથી કોંગ્રેસમાં ભળી ગયેલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયા, અરવિંદભાઇ ભેસાણીયા, તુષારભાઇ નંદાણી, ભરતભાઇ મકવાણા, કશ્પયભાઇ ભેંસાણીયા, પિયુષભાઇ લીંબાસીયા, રાજુભાઇ લીંબાસીયા, જીતેન્દ્રભાઇ રૈયાણી, વિક્રમભાઇ ડાંગર, ઠાકરશીભાઇ ગજેરા, અલ્પેશભાઇ ટોપીયા, હરદિપભાઇ રાઠોડ, રામભાઇ આહિર સહિતે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી ગ્રીનલેન્ડ ચોકડીનો રોડ સીટી એરિયામાં આવતો હોઇ અને કોર્પોરેશનની હદ હોવા છતાં અહિ કેમેરાથી વાહનચાલકના ફોટા પાડી મેમો ફટકારવામાં આવી રહયા છે. આવા ૨૫ મેમોની નકલો પણ રજૂઆતમાં સામેલ કરી જો આઠ દિવસમાં આ મેમો રદ કરવામાં નહિ આવે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે. રાજકોટ મ્યુ. કોર્પોરેશનની હદમાં આવતાં હોય એવા રસ્તાને પણ પોલીસ હાઇવેમાં ગણી લઇ મેમો ફટકારતી હોઇ નાના માણસો અને રોજેરોજનું કમાઇને ખાનારા વર્ગની કમર તુટી જાય છે. અમુક અમુકને તો ચાર-ચાર હજાર કે એથી વધુના મેમો ભેગા થઇ ગયા છે. શહેર પોલીસ કમિશનરશ્રી આ મામલે સત્વરે ન્યાયી ઉકેલ લાવે તેવી માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરી એરિયામાં જે લોકોને હેલ્મેટના મેમો મળ્યા હોય તેમણે મો. ૯૮૨૪૨ ૨૧૧૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. તસ્વીરમાં આગેવાનો અને ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણાને આવેદન પાઠવાયું તે જોઇ શકાય છે.

(3:46 pm IST)