Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

રાજકોટ જિલ્લાની ૧૬ હજાર કિશોરીઓએ બનાવી પોષણયુકત વાનગી

આંગણવાડી બહેનો દ્વારા લીલા શાકભાજી, ફળો અને કઠોળમાંથી મળતા લાભ અંગે જાગૃકતા

રાજકોટ તા. ૩૦ : 'સહી પોષણ, દેશ રોશન'ના સુત્રને સાર્થક કરવાના સંકલ્પ સાથે રાજયભરમાં રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૦ની સફળતાપૂર્વક ઉજવણી થઈ રહી છે. સરકારના વિવિધ એકમો સંકલન સાધીને માહિતીપ્રદ અને સ્વાસ્થ્યપ્રદ વિષયો સાથે બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતાઓને પોષણયુકત આહાર વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા પોષણ માહ - ૨૦૨૦ અંતર્ગત અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

વિવિધ રંગો અને વિટામીન્સથી ભરેલા ફળ, શાકભાજી અને કઠોળ શરીરને તંદુરસ્ત અને ઉર્જાથી ભરેલું રાખવા માટે ખુબ મહત્વના છે. તેથી પોષણ માહની ઉજવણી અન્વયે રાજકોટ જિલ્લાની ૧૬,૦૦૦ કિશોરીઓએ વિવિધ શાકભાજી-કઠોળ-ફ્રુટનો ઉપયોગ કરીને પોષણયુકત સલાડ બનાવ્યા હતા. અવનવી ડિઝાઈન અને રંગોની વિવિધ ભાત સાથે બનાવેલ આ સલાડ કિશોરીઓને જ ખવડાવીને પોષણ વિશે સમજણ પુરી પાડવામાં આવી હતી. તેમજ કિશોરાવસ્થામાં શરીરને એનિમિયા જેવી બિમારીથી રક્ષિત કરવા શરીરમાં પોષણનું શું યોગદાન છે તેના વિશે જાગૃત કરાઈ હતી.

(2:48 pm IST)