Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

૩૯ વર્ષ શિસ્તબધ્ધ સૈનિક તરીકે બેંકમાં સેવા આપી

પંજાબ નેશનલ બેંકના ચંદ્રકાંત સૂચક આજે સેવા નિવૃત : હવે બમણા જોરથી યુનિયન પ્રવૃતિ

નિવૃતિ પ્રસંગે શુભેચ્છાઓનો વરસાદ : સાથ -સહકાર આપવા બદલ સૌનો માન્યો આભાર

રાજકોટ,તા. ૩૦: નોકરીનો નિયમ છે નિમણુંક, નિયુકતી, બઢતી, બદલી અને નિવૃતિ ... આ પાંચ શબ્દો વચ્ચે કોઇ પણ વ્યકિતની નોકરીમાં શરૂઆતથી લઇને નિવૃતિ સુધીની સફળ પૂર્ણ થતી હોય છે. કોઇ પણ વ્યકિત નોકરીમાંથી વયમર્યાદાને કારણે નિવૃતિ લેતો હોય છે. પરંતુ પ્રવૃતિમાંથી નહીં. અત્રેની પંજાબ નેશનલ બેંક-કાલાવડ રોડ શાખામાં સ્પે.આસીસ્ટન્ટની ફરજ બજાવતાં અને પંજાબ નેશનલ બેંક એમ્પ્લોઇઝ યુનિયનના જનરલ સેક્રેટરી, ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના જોઇન્ટ સેક્રેટરી અને રાજકોટ બેંક વર્કર્સ કો.ઓપ. સોસાયટીના પ્રમુખ શ્રી ચંદ્રકાંત એચ.સુચક વય મર્યાદાને કારણે આજ રોજ સેવા નિવૃત થયા છે. પરંતુ કામદાર પ્રવૃતિમાંથી નિવૃતી લેવાના નથી. કામદારોના હિતો અને કલ્યાણ માટે સતત પ્રવૃત રહેવાના છે. આજ રોજ તેઓ નિષ્ઠા, સેવા સમર્પણના ભાવથી સેવાના ૩૯ વર્ષો પૂર્ણ કરી બેંકમાંથી નિવૃત થયા છે ત્યારે ફાગણના ફૂલો સદા ખિલતાં રહે તેવી તેમના ઉપર શુભેચ્છા વરસી રહી છે. બેંકમાં આટલા વર્ષોથી નિષ્ઠાપૂર્વક, ખંત પૂર્વક અને પ્રમાણિકતાથી આપેલ સેવાને સાથી મિત્રો, ગ્રાહકો મિત્રો, બેંકના અધિકારી ગણ, શુભેચ્છકો વગેરેએ બિરદાવી હવે પછીનું તેમનું જીવન સુખમય, શાંતિમય, તંદુરસ્તીમય અને ઉતમ સંતોષપદ રહે તેવી શુભકામના પાઠવી રહ્યા છે. બેંકની સેવાના સમયગાળામાં તેઓએ ગરીમા સાથે સમર્પણ અને સૌમ્ય વ્યવહાર દાખવી દરેકના દિલમાં સરસ જગ્યા બનાવી અને બહોળો ચાહક વર્ગ ઉભો કર્યો વે. તેમણે બેંકમાં સેવાના અવસરને જીંદગીના યાદગાર પ્રસંગ તરીકે ગણ્યા છે. એક કામદાર નેતા તરીકે તેમણે ફરજની સાથે-સાથે કર્મચારીઓના હિતો માટે એક જાગૃત પ્રહરી બની અભૂતપૂર્વ સંતુલન દાખવ્યું જેને કારણે બેંકના તેમના જીવનકાળના તમામ અધિકારી ગણમાં પણ તેઓ લોકપ્રિય બન્યા છે. યુનિયનના એક લડાયક યોધ્ધાં તરીકે છાપ ધરાવતાં તેઓ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના આધાર સ્તંભ અને પાયાના પત્થરો પૈકીના એક હોઇ તેમણે પોતાના કર્તવ્ય પ્રત્યે સદાય સભાનતા દાખવી કર્મચારી વર્ગને ન્યાય અપાવવા સતત સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. હવે તેઓ બેંકના સમયના બંધન વગરની પ્રવૃતિ એટલે કે બેંક યુનિયન પ્રવૃતિ સતત કરતાં રહેશે. સ્વભાવે સરળ, સૌમ્ય, હસમુખા, અને બહોળુ મિત્ર મંડળ ધરાવતાં શ્રી ચંદ્રકાંત એચ. સુચક પોતાની નિવૃતીના પ્રસંગે તેમને સેવાના કાર્યકાળ દરમ્યાન મદદમાં આવેલા અને કપરા સમયમાં પડખે ઉભા રહેલાં લોકોને આ તકે હૃદયથી આભાર પણ માની રહ્યા છે. હરવા ફરવા અને ચલણી નોટોનું અદભુત  કલેકશનનો શોખ ધરાવતાં શ્રી ચંદ્રકાંત એચ. સુચકે બેંક ક્રેડિટ સોસાયટીના પ્રમુખ તરીકે પણ અમુલ્ય સેવાઓ આપી સોસાયટીને એક નમૂનેદાર સોસાયટી બનાવવા પ્રયાસ કર્યો છે. તેમના કાર્યકાળમાં આ સોસાયટી જામનગર અને ભાવનગર જીલ્લા સિવાયનું કાર્યક્ષેત્ર ધરાવતી સોસાયટી બની છે. તેમના મો. નં. ૯૪૨૬૯ ૧૬૨૫૫ તથા ૮૮૪૯૧ ૧૭૨૪૬  છે.

(11:34 am IST)