Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

૩૧ ડિસેમ્બર સુધીમાં ભૂતિયા નળ કાયદેસર કરાવી લેવા નગરજનોને તંત્રની અપીલ

'નલ સે જલ' યોજના હેઠળ નિયત ચાર્જ ઉપરાંત વધારાના રૂા. ૫૦૦ના ચાર્જથી રહેણાંકોના ગેરકાયદે નળને કાયદેસરતા અપાશે

રાજકોટ તા. ૩૦ : ભારત સરકારશ્રી દ્વારા 'નલ સે જલ' યોજના અંતર્ગત તમામ શહેરી વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પીવાના પાણીનો પુરવઠો દરેક ઘરમાં નળ દ્વારા મળે તે માટે આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ગુજરાત સરકારશ્રી દ્વારા પાણીની જરૂરીયાતએ મૂળભૂત જરૂરીયાત હોઇ, તેને પૂર્ણ કરવાના હેતુસર રાજયના શહેરી વિસ્તારોમાં રહેણાંક માટે વપરાતા એકમોમાં અડધા ઇંચની પાઇપ લાઇનના પાણીના ગેરકાયદેસર કનેકશન હોઇ તો આવા કનેકશનોને નિયમિત (રેગ્યુલરાઇઝ) કરવાની ગુજરાત સરકારનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પુખ્ત વિચારણાને અંતે મહાનગરપાલિકાની સરકારી કે ખાનગી જમીનમાં રહેણાંકના ઉપયોગમાં લેવાતા એકમોમાં રહેતી વ્યકિત દ્વારા પાણીના અડધા ઇંચની પાઇપના ઘર વપરાશનાં હેતુસર સરકારી કે ખાનગી જમીનમાં માલિકીનાં દાવાને પ્રસ્થાપિત કર્યા સિવાય નિયત દર ઉપરાંત રૂા ૫૦૦ની રકમ લઇ રેગ્યુલરાઇઝ - કાયદેસર કરી આપવા બાબતે હુકમ કરેલ છે.

જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાયી સમિતિ દ્વારા તા. ૨૫ સપ્ટેમ્બરથી હૈયાત નળ કનેકશન રેગ્યુલરાઇઝ કરવા માટે તા.૩૧ ડિસેમ્બર સુધીમાં પ્રવર્તમાન ૧/૨ ઇંચ (અડધા ઇંચ)નાં નળ કનેકશનના નિયત દર ઉપરાંત રૂા. ૫૦૦ની રકમ ભરપાઇ કરી નળ કનેકશન રેગ્યુલરાઇઝ - કાયદેસર કરાવી લેવાનું મંજુર કરવામાં આવેલ છે. આથી રાજકોટ શહેરનાં નાગરીકોને અનુરોધ કરવામાં આવે છે કે ભારત સરકારશ્રીની 'નલ સે જલ' યોજનામાં સહભાગી થવા દરેકે આ યોજનાનો લાભ લઈ અડધા ઇંચનાં રહેણાંક હેતુ માટેના પાણીના ગેરકાયદેસર કનેકશન - અનધિકૃત નળ કનેકશન નિયત મુદત તા. ૩૧ ડિસેમ્બર સુધીમાં નિયમિત કરી લેવા અન્યથા ત્યારબાદ ગેરકાયદેસર નળ કનેકશન કપાત કરવામાં આવશે. તેમ મ્યુ. કોર્પોરેશનની યાદીમાં જણાવાયું છે.

(3:44 pm IST)