Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સુરતમાં શિક્ષક ઉપર ટોળા દ્વારા હુમલાના ઘેરા પડઘાઃ રાજકોટમાં કડક પગલા માટે આવેદન

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેકટર, પોલીસ કમિશ્નર અને ડીઈઓને રજૂઆત

રાજકોટઃ સુરતમાં શિક્ષક ઉપર હુમલાના વિરોધમાં આજે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા કલેકટર, પોલીસ કમિશ્નર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૩૦ :. સુરતની એક શાળાના શિક્ષક ઉપર ટોળાએ કરેલા હુમલાનો ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આજે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટ કલેકટર, પોલીસ કમિશ્નર અને જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી આવા કોઈ બનાવ બને તો તાત્કાલીક યોગ્ય પગલા લેવા માંગણી કરી છે.

આવેદનપત્રમાં શાળા મંડળોએ જણાવ્યુ છે કે તાજેતરમાં સુરત આશાદિપ સ્કૂલમાં બનેલ ઘટનાને અમો સખત શબ્દોમાં વખોડીએ છીએ. ગુજરાત રાજ્યમાં સ્વનિર્ભર શાળાઓ, સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકો, વિદ્યાર્થીઓને તેના ભવિષ્ય અને ઉજ્જવળ કારકિર્દી બને તે માટે માર્ગદર્શન આપતા હોય છે અને કયારેક મીઠો ઠપકો પણ આપતા હોય છે પરંતુ અમુક વાલીઓ દ્વારા તથા અમુક સંગઠનો દ્વારા તેમજ અમુક આવારા તત્વોે દ્વારા તે બાબતનો ઈશ્યુ બનાવી સમાજમાં શૈક્ષણિક સંસ્થાઓની કારકિર્દી રોળવાનો પ્રયત્ન કરતા હોય છે અને સમાજમાં શૈક્ષણિક સંસ્થાઓને બદનામ કરવાનું કૃત્ય કરતા હોય છે. ફળસ્વરૂપે તાજેતરમાં સુરત શહેરની એક સ્વનિર્ભર શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીના હિત તથા ભવિષ્યને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીને સમજાવવામાં આવેલ પરંતુ તે હકીકતનું અમુક વ્યકિતઓ દ્વારા ખોટુ અર્થઘટન કરી શાળામાં મોટું ટોળુ આવી શિક્ષકને બેફામ હાથચાલાકી કરી માર મારેલ અને વિદ્યાર્થીઓની રૂબરૂમાં ભયનું વાતાવરણ ઉભુ કરેલ જે સમગ્ર રાજ્ય માટે તથા શૈક્ષણિક જગત માટે યોગ્ય ન ગણાય. શાળા-સંસ્થા જાહેર એકમ હોય ટોળામાં ગેરકાયદેસર પ્રવેશ અને કડક ગાઈડલાઈન, કાયદાકીય જોગવાઈ કરવામાં આવે તેવી અમારી લાગણી છે.

(4:14 pm IST)