Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ફીઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ યથાવત રાખવા પ્રચંડ માંગ

સમયનો બગાડ, વેચાણ પદ્ધતિ, કમિશન, સ્ટેમ્પના જથ્થા, અરજદારોને હાલાકી સહિતના પ્રશ્નો * ફીઝીકલ સ્ટેમ્પ વેન્ડરોના પરીવારના ગુજરાન ચલાવવા કઠીન * રાજકોટ સ્ટેમ્પ વેન્ડર એસો.ની રજૂઆત

રાજકોટ : અકિલા કાર્યાલય ખાતે રાજકોટ સ્ટેમ્પ વેન્ડર એસોસીએશનના પરેશભાઈ પાદરીયા, વિનયભાઈ શાહ, સચિનભાઈ અનડકટ, વિમલભાઈ પાઠક, સતીષભાઈ માટલીયા, જીતેન્દ્રભાઈ વેગડા, મહેશભાઈ વ્યાસ, કમલેશભાઈ જોષી અને શીલાબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ, તા. ૩૦ : ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ફીજીકલ સ્ટેમ્પની જગ્યાએ ઈ-સ્ટેમ્પીંગ સિસ્ટમ અમલ બનાવતા સ્ટેમ્પ વેન્ડરોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને નવી ઈ સ્ટેમ્પીંગ સાથે ફીઝીકલ સ્ટેમ્પનું વેચાણ યથાવત રાખવા પ્રચંડ માંગ રાજકોટ સ્ટેમ્પ વેન્ડર એસોસીએશને કરી છે.

આજે અકિલા કાર્યાલય ખાતે રાજકોટ સ્ટેમ્પ વેન્ડર એસોસીએશનના પરેશભાઈ પાદરીયા, વિનયભાઈ શાહ, સચિનભાઈ અનડકટ, વિમલભાઈ પાઠક, સતીષભાઈ માટલીયા, જીતેન્દ્રભાઈ વેગડા, મહેશભાઈ વ્યાસ, કમલેશભાઈ જોષી અને શીલાબેન ચૌહાણ સહિતના ઉપસ્થિત રહી ઈસ્ટેમ્પીંગ પેપર સામે વ્યાપક વિરોધ નોંધાવ્યો હતો અને અરજદારોને પડતી હાલાકી વર્ણવી હતી.

રાજકોટ સ્ટેમ્પ વેન્ડર એસોસીએશન દ્વારા તાજેતરમાં કલેકટરશ્રીને આવેદન આપી રજૂઆત કરી હતી કે શહેરમાં અલગ અલગ જગ્યાએ ઘણા વર્ષોથી સ્ટેમ્પ પેપરનું વેચાણ લાયસન્સદારો, વેન્ડરો કરી રહ્યા છે. સરકારશ્રીના નિયમ મુજબ સ્ટેમ્પ પેપરનું વેચાણ કરીએ છીએ. હાલ સરકાર દ્વારા ફીઝીકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ તા.૧-૧૦-૨૦૧૯થી બંધ કરી ફરજીયાત ઈ-સ્ટેમ્પીંગ પદ્ધતિ અમલમાં લાવેલ છે. ફીઝીકલ સ્ટેમ્પ અરજદારને માત્ર એક થી બે મિનિટમાં મળી જાય છે ત્યારે ઈ-સ્ટેમ્પીંગ પદ્ધતિમાં ૧૫ થી ૨૦ મિનિટ અથવા તો કયારેક ૫ થી ૬ કલાકનો સમય લાગે છે.

રાજકોટ સ્ટેમ્પ વેન્ડર એસોસીએશને વધુમાં જણાવેલ કે, સ્ટેમ્પના વેચાણ માટે વેચાણ રજીસ્ટર, સ્ટોક રજીસ્ટર નિભાવવામાં આવે છે. જેમાં ઘણો સમયનો બચાવ થાય છે અને નિભાવવુ સહેલુ બને છે. જે માત્ર એક વર્ષના નિભાવ માટે હોય છે ત્યારબાદ દર વર્ષના અંતે તમામ રેકોર્ડ સરકારશ્રીમાં જમા કરાવવામાં આવે છે. જયારે ઈ-સ્ટેમ્પીંગમાં સર્ટીફીકેટ લેવા આવનાર અરજદાર દ્વારા ભરવામાં આવતા ફોર્મ તેમજ રજીસ્ટર ૫ વર્ષ સુધી નિભાવવાના રહે છે.

સ્ટેમ્પ વેન્ડર એસોસીએશનના હોદ્દેદારોએ વધુમાં જણાવેલ કે સરકારશ્રી દ્વારા સ્ટેમ્પ વેન્ડરોને ૧ થી ૩ ટકા સુધીનું કમિશન ચૂકવવામાં આવે છે. જેમાં અમારૂ અને અમારા પરિવારનું ભરણ પોષણ કરીએ છીએ. જયારે સરકારશ્રીના નવી ઈ-સ્ટેમ્પીંગની પદ્ધતિના સ્ટેમ્પ વેન્ડરોને માત્ર ૧૫ પૈસાનું કમિશન ચૂકવવામાં આવશે તેવી જાણકારી મળેલ છે. જેમાં કોમ્પ્યુટર સિસ્ટમ, પ્રિન્ટર, પ્રિન્ટીંગ ચાર્જીસ, ઈન્ટરનેટ કનેકશન, ઈલે.ચાર્જીસ, બેંક ચાર્જીસ જેવી આર્થિક નુકશાની તથા સમયનો વ્યય વધુ થાય તેમ લાગે છે. તે સંજોગોમાં આ સિસ્ટમ જો અમલમાં આવે તો અમે સ્ટેમ્પ વેન્ડરોને તથા સિસ્ટમને પારાવાર નુકશાન થાય તેમ છે. અમારા પરિવારનું ભરણ પોષણ કરી શકીએ તેમ નથી. તેથી આર્થિક બેરોજગારીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. નાના દરના ઈ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં સ્ટેમ્પ વેન્ડરોને જે કમિશન ચૂકવવામાં આવશે તેના કરતા ઈ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટનો ખર્ચ ઘણો જ વધારે થતો હોય તેવુ પ્રથમ દૃષ્ટિએ જણાય આવે છે. ઈ-સ્ટેમ્પીંગ દ્વારા મળતુ કમિશન ખૂબ જ ઓછુ હોય જેથી અમોને હાલ સ્ટેમ્પ પેપરના વેચાણ દ્વારા જે કમિશન મળે છે તે યથાવત રાખવામાં આવે તો અમારા પરિવારનું ભરણ પોષણ કરી શકીએ તેમ છે.

રાજકોટ સ્ટેમ્પ વેન્ડર એસો.ના સભ્યોએ વધુમાં જણાવેલ કે સરકાર સામે અમોને કોઈ વાંધો નથી. સરકારશ્રી દ્વારા હાલ ઈસ્ટેમ્પીંગની નવી પદ્ધતિ અમલમાં આવનાર હોય વર્ષો જૂની ફીઝીકલ સ્ટેમ્પ પેપરની પ્રથાનો અંત આવનાર હોય આ તબક્કે અમો સરકારને રજૂઆત કરીએ છીએ કે નવી સિસ્ટમની સાથે જૂની સિસ્ટમ ચાલુ રાખવામાં આવે તો સરકારને મહેસુલી આવક મળતી રહેશે તેમજ રાજયભરના સ્ટેમ્પ વેન્ડરોના કુટુંબો ચાલશે. નાના દરના સ્ટેમ્પ આમ જનતાને સહેલાઈથી મળી શકશે તેવુ અમારૂ માનવુ છે.

રાજકોટ સ્ટેમ્પ વેન્ડર એસોસીએશન દ્વારા વધુમાં જણાવવામાં આવે છે કે હાલ અમો સ્ટેમ્પ વેન્ડરો પાસે નાના દરના તથા મોટા દરના એમ મોટા જથ્થામાં સ્ટેમ્પનો સ્ટોક ભરેલ હોય જેનું તા.૧-૧૦-૨૦૧૯ બાદ વેચાણ ન થઈ શકતા સરકારશ્રીમાં રીફન્ડ માટેની પ્રોસેસ કરવામાં આવે તેવી માંગ કરી સ્ટેમ્પ વેન્ડરોને યોગ્ય સમય આપવામાં આવે તો સ્ટેમ્પ વેન્ડરો પાસે રહેલા સ્ટેમ્પના જથ્થાનું વેચાણ કરીશુ તો તેના દ્વારા સરકારને મોટી મહેસુલી આવક થશે. ઉપરાંત હાલમાં સરકાર પાસે ગુજરાત રાજય લખાયેલ છે તેવા સ્ટેમ્પનો વિપુલ પ્રમાણમાં જથ્થો છે જે દરેક જીલ્લા, તાલુકાઓની તિજોરી કચેરીઓમાં તેમજ રાજયના સ્ટેમ્પ વેન્ડરો પાસે જથ્થો છે. જેનો યોગ્ય વપરાશ કરી વેચાણ કરવામાં આવે તો સરકારને મોટી મહેસુલી આવક થઈ શકે તેમ છે.

અંતમાં રાજકોટ સ્ટેમ્પ વેન્ડર એસોસીએશને વધુમાં જણાવેલ કે સ્ટેમ્પ વેન્ડરો દ્વારા અંદાજે ૨૦ થી ૨૫ વર્ષથી સ્ટેમ્પ વેચાણના ધંધા સાથે અમો સંકળાયેલા છીએ. અમો સંપૂર્ણપણે આ વ્યવસાયને સમર્પિત થયેલ હોય હવે ઉંમરના પડાવ પછી અમો બીજો વ્યવસાય કરી શકીએ તેમ ન હોય તેથી અમારા કુટુંબનું ગુજરાન કરી શકીએ તેમ ન હોય અમોને ઈસ્ટેમ્પીંગની સાથે ફીજીકલ સ્ટેમ્પનું વેચાણ ચાલુ રહે તેવુ સરકાર વલણ અપનાવે તો અમોને મળતી રોજગારી ટકી રહે.

ફીઝીકલ સ્ટેમ્પ માટે અરજદારોને માત્ર બે મિનિટનો સમય જયારે ઈ-સ્ટેમ્પીંગમાં ૪ થી ૫ કલાક?

રાજકોટ : રાજય સરકાર દ્વારા ઈ-સ્ટેમ્પીંગ પદ્ધતિ અપનાવતા હાલ અરજદારોને સમયનો વ્યય થતો હોવાનું ચિત્ર ઉપસ્યુ છે. ફિઝીકલ સ્ટેમ્પ મેળવતા સમયે અરજદારોને માત્ર એક થી બે મિનિટનો સમય લાગે છે જયારે ઈ-સ્ટેમ્પીંગમાં તો પ્રથમ નિયત મુજબનું અરજદારે ફોર્મ ભર્યા બાદ તેની ચકાસણી કરી ઈ-સ્ટેમ્પીંગ બનાવવા માટે તેમાં ડેટા ભરવાનો હોય તેનું પ્રિવ્યુ બાદ તેની પ્રિન્ટીંગ દ્વારા અસલ સર્ટીફીકેટ મળે છે. આ પ્રોસીજર કરવામાં મહત્વનો સમય બગડતો હોવાનું અરજદારો જણાવી રહ્યા છે.

ઈ-સ્ટેમ્પીંગ અમલી થતાં સ્ટેમ્પ વેન્ડરો સામે ગુજરાન ચલાવવાનો પ્રશ્ન

રાજકોટ : ઈસ્ટેમ્પીંગ પદ્ધતિ અમલી બનતા રાજયમાં વર્ષોથી સ્ટેમ્પ વેન્ડર તરીકે કાર્ય કરતા સેંકડો સ્ટેમ્પ વેન્ડરો માટે ગુજરાન ચલાવવાનો પ્રશ્ન ઉભો થયો છે. રાજય સરકાર આ અંગે કોઈ ઉદાર વલણ અપનાવે તેવી માંગ સ્ટેમ્પ વેન્ડરોએ ઉઠાવી છે.

(4:00 pm IST)