Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

કરાઓકેના કલાકારોની લાઇવ ઓરકેસ્ટ્રા પર અજમાયશ : સુરતાલ મ્યુઝીકલ ગ્રુપનો પ્રયોગ સફળ

રાજકોટ : તાજેતરમાં પ્રમુખસ્વામી હોલમાં સૂરતાલ મ્યુઝીકલ ગ્રુપ દ્વારા ગ્રુપ શરૂ થયાના આઠમા વર્ષે કરાઓકે ટ્રેકને બદલે લાઈવ મ્યુઝીકલ બેન્ડ સાથેનો  પ્રોગ્રામ અજમાવવામાં આવતા સફળ રહ્યો હતો. માત્ર ઇન્વાઈટી મેમ્બર્સ માટે ફ્રી ઓફ કોસ્ટ યોજાયેલ આ પ્રોગ્રામ માટે ઓર્નાસ્કીન કંપનીનો સહકાર ત્થા મેમ્બરોનો સહયોગ મળ્યો હતો. ગ્રુપ મેન્ટર પરિમલ ઘેલાણીએ જણાવેલ કે કરાઓકે સાથે ગાવા ટેવાયેલા લોકોને લાઈવ ઓરકેસ્ટ્રા સાથે ગાવામાં સિંક્રોનાઈઝ કરવામાં તકલીફ પડે તેના કેટલાક ટેકનીકલ કારણો છે જેનો અહીં ઉકેલ શોધીને બધા નોન-પ્રોફેશનલ સિંગરોને પ્રોફેશનલ સ્ટેજ સિંગરની જેમ તૈયાર કરીને રજુ કરાતા જાણે નિવળેલા સીંગરો ગાતા હોય તેવો માહોલ જામી ગયો હતો. દર્શિત કાચા મ્યુઝિક કમ્પોઝરની ટીમનાં મ્યુઝીશ્યનો પણ મોઢામાં આંગળા નાખી ગયા હતા. નોન-પ્રોફેશનલ સીંગર હોવા છતા બધા ગીતોમાં ઇન્ટ્રો, અંતરાનો ઉપાડ એટલો સરસ રહ્યો કે વારે વારે તાળીઓની દાદ મળતી રહી. પ્રોગ્રામની શરૂઆત જ સાગરના ગીત 'ચહેરા હૈ યા ચાંદ ખીલા'થી ભરત કારીયાએ કરી. તેમણે પાંચ ગીતો ગાયા, 'પ્યાર હમે કિસ મોડ પે લે આયા,  મેં હું ઝૂમ ઝૂમ ઝૂમ ઝૂમરૂ, તું છુપી હૈ કહાં, મુસાફિર હું યારો' રજુ કરેલ. સૂરતાલ ગ્રુપનાં લતા મંગેશકર શ્રીમતિ રીપલ છાપીયાએ પણ ૪ સોલો અને એક કવાડ્રો ભરત કારિયા સાથે ગાયું. મિતેશ મહેતાએ બે સોલો અને દીપક કારીયાએ બબ્બે કવાલી અને એક કવાડ્રો રજુ કર્યુ. આ દરમિયાન મ્યુઝીશ્યનોએ પણ એવું જોરદાર કટ ટુ કટ મ્યુઝિક વગાડ્યું કે સમયનો અભાવ હોવા છતાં વન્સમોર ગીત લેવા પડયા. ડો.જનકભાઈ તથા તેમની દીકરી ભૂમિ પટેલે બે કવાડ્રો અને ૩ સોલો પરફોર્મન્સ, જેમાં એક પરફોર્મન્સ ઉપર ઓર્નાસ્કીનનાં સ્ટાફને સ્વેતા કોઠારીએ કોરીઓગ્રાફી કરાવી લોકોને ડાન્સ કરવા મજબૂર કરી દીધા. ડો.હિરેન કોઠારીએ બે સોલો રફી સાહેબના ત્થા એક મન્નાડે નું ગીત 'ઝીંદગી કૈસી હે પહેલી' ગાઈને ઓડીયન્સને મજા કરાવી દીધી. રફી સાહેબનું મદ-મસ્ત ગીત 'ના જા કહી અબ નાં જા, દિલ કે સિવા' ગ્રુપનાં નિશાબેન ચૌહાણે રજુ કર્યુ હતુ. નવ વર્ષની હર્ષિ ભટ્ટએ ૪ વિવિધતાભર્યા ગીતો 'પિયા તું, દમ મારો દમ, બરસો રે મેઘા' અને 'લગ જા ગલે' જેવા ગીતો ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. દર્શિત કાચાનાં મ્યુઝીશ્યનોનું ટીમ-વર્ક એટલું સુંદર હતું કે સૂરતાલ ગ્રુપનાં જયશ્રીબેન દવેએ રૂ.૧૦૦૦૦/- મ્યુઝીશ્યનોની ટીમને ભેટ આપી ખુશી વ્યકત કરી હતી. તેમ પરિમલભાઇ ઘેલાણી (મો.૯૮૨૪૦ ૪૦૬૪૪) ની યાદીમાં જણાવાયુ છે.

(3:56 pm IST)