Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

રાસોત્સવના મેદાનોમાં પાણી ભરાયાઃ આજે પણ બંધ ?

ગઈકાલે અવિરત વરસાદના પગલે ગ્રાઉન્ડમાં પાણી, કિચડનું સામ્રાજય : ખોડલધામના ચારેય ઝોન આજે પણ બંધ રહેશેઃ ગરબી- અર્વાચીન રાસોત્સવના આયોજકો મુંઝવણમાં: સતત ઉઘાડ અને વાદળા

રાજકોટ,તા.૩૦: નવલા નોરતાનો ગઈકાલે પ્રારંભ થયો છે. પ્રથમ નોરતે જ સવારથી મેઘરાજાએ અવિરત બેટીંગ કરતાં પ્રાચીન ગરબીઓના આયોજકોએ મુર્હુત સાચવી લીધુ હતું. ત્યારે અર્વાચીન રાસોત્સવ સદંતરપણે બંધ રહ્યા હતા. એકમાત્ર સુરભી રાસોત્સવ ચાલુ રહ્યા હતા.

રાજકોટ શહેરમાં ગત શનિવારની મધરાતથી વરસાદ ચાલુ થયો હતો. જે ગઈકાલે આખો દિવસ હળવાથી મધ્યમ વરસાદ અવિરત ચાલુ રહ્યો હતો. બપોરના સમયે મેઘરાજાએ વિરામ લીધો હતો. ફરી સાંજથી ચાલુ થઈ ગયો હતો. હળવા- ભારે ઝાપટાનો દોર ચાલુ જ હતો. મોડીરાતથી વિરામ લીધો હતો.

દિવસભર અવિરત વરસાદી માહોલના પગલે શહેરમાં અનેક જગ્યાએ આયોજીત અર્વાચીન રાસોત્સવ પ્રથમ દિવસે બંધ રાખવામાં આવ્યા હતા. રાસોત્સવના મેદાનોમાં પાણી ભરાઈ ગયા હતા. મેદાનમાં ગારા- કિચડનું સામ્રાજય જોવા મળતું હતું. મેદાનમાં પાણી અને કીચડ ભરાવાના પગલે ગઈકાલે બંધ રાખવામાં આવ્યા હતા.

રાજકોટમાં ખોડલધામના ચારેય ઝોન ગઈકાલે અને આજે પણ બંધ રહેશે. જયારે નિલસીટી, કલબ યુવી, જૈનમ, રઘુવંશી બીટસ, રઘુવંશી પરિવાર, સહિયર, એક્રોલોન્સ સહિતના રાસોત્સવ બંધ રહ્યા હતા.

જયારે પ્રાચીન ગરબીના આયોજકોએ મુર્હુત સાચવી લીધુ હતું. આરતી કરી પ્રસાદી વિતરણ કરી પ્રથમ નોરતાનું સમાપન કર્યુ હતું.

આજે પણ વરસાદની આગાહી હોય અને મેદાનોમાં પણ પાણી ભરાયેલા હોય રાસોત્સવ ચાલુ રાખવા કે બંધ રાખવા તે અંગે મુંઝવણમાં મુકાયા છે.

(3:44 pm IST)