Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

વોર્ડ નં.૧૮ની રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી મકાનોમાં ઘુસી જતા દેકારોઃ ઇજનેરો દોડીગયા

પાઇપલાઇન જામ થઇ ગઇઃ નવી નાંખવી પડશે પરંતુ સતત વરસાદ સામે તંત્ર લાચારઃ લોકોમાં રોષ

શહેરના વોર્ડ નં.૧૮ રિધ્ધી-સિધ્ધી સોસાયટીમાં ભૂગર્ભ ગટરના ગંદાપાણી રહેવાસીઓના મકાનોમાં ઘુસવા લાગતા-જબરો રોષ ફેલાયો હતો અને ઇજનેરોને તાબડતોબ સ્થળપર બોલાવી. કામ ચલાઉ ધોરણે જે.સી.બી.થી ગંદા પાણીના નિકાલ માટે કેનાલ બનાવડાવી હતી. તે વખતની તસ્વીર (તસ્વીરઃ અશોક બગથરિયા)

રાજકોટ તા.૩૦: શહેરના કોઠારિયા વિસ્તાર એટલેકે વોર્ડ નં.૧૮માં આવેલી રિધ્ધી-સિધ્ધી સોસાયટીમાં છેલ્લા ૧ મહીનાથી ભૂગર્ભગટર જામ થઇ ગઇ હોઇ હવે રહેવાસીઓના મકાનોમાં ગંદુ પાણી ઘુસવા લાગ્યુ છે આથી આજે સવારે લતાવાસીઓના ટોળાએ એકત્રીત થઇને ઉગ્ર રજુઆતો કરતાં ઇજનેરોને ઘટનાં સ્થળે દોડી જવુ પડ્યુ હતુ અને ગંદા પાણીના નિકાલ માટે કામ ચલાઉ વ્યવસ્થા કરવી પડી હતી.

આ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મૂજબ વોર્ડ નં.૧૮માં આવેલી રિધ્ધી-સિધ્ધી સોસાયટીની ભૂગર્ભગટર એટલી હદે જામ થઇ ગઇ છે કે લોકોના મકાનોમાં નર્કસમાન ગંદકી ફેલાઇ રહી છે.

દરમિયાન ગઇકાલે વરસાદ પડતા. અસહ્ય ગંદકી ફેલાઇ હતી આથી આજે સવારે સોસાયટીનાં રહેવાસીઓએ એકત્રીત થઇને ઇજનેરોને સ્થળપર બોલાવી ઉગ્ર રજુઆતો કરી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ઉગ્રમાંગ ઉઠાવી હતી.

રજૂઆતના અનુસંધાને ઇજનેર કુંતેશ મેતાએ સ્થળ પર તાત્કાલીક જે.સી.બીજા ગંદાપાણીના નિકાલ માટે કેનાલ બનાવડાવી અને આ સમસ્યાનો કામ ચલાઉ ઉકેલ કર્યો હતો. અને લતાવાસીઓને સમજાવ્યુ હતુ કે ''આ વિસ્તારમાં ભુગર્ભ ગટરની પાઇપ લાઇન એટલી હદે જામ છે કે તેની સફાઇ અશકય છે.

આથી નવી પાઇપલાઇન નાંખવાનો એક માત્ર વિકલ્પ છે પરંતુ હાલમાં સતત વરસાદને કારણે જમીનમાં ખોદાણ થઇ શકે નહી કેમકે જમીનમાંથી પાણી સતત ચાલુ રહે માટે ૧ થી ૨ મહીના પછીજ ખોદાણ થઇ શકે તેમ છે.

આમ હાલ તુરંત કુદરત સામે તંત્ર લાચાર છે. અને ખૂલ્લી ગટરનાં કામ ચલાઉ ઉકેલથીજ આ સમસ્યા હાલ તુરંત હળવી કરવાની ફરજ પડી રહી છે.

(3:41 pm IST)