Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

રાજકોટ રેલ્વે ડિવિઝનમાં 'સ્વચ્છતા પખવાડીયા'નું સમાપનઃ ૧૦૫૦૦ કિલોથી વધુ કચરો સાફ કરાયો

જેમાં ૪૨૦૮ કિલો પ્લાસ્ટીકનો કચરો હતોઃ મુસાફરોને સ્વચ્છતાની સમજ અપાઇઃ ગંદકી ફેલાવતા ૪૩૧ યાત્રિકો પાસેથી ૭૩,૫૦૦ દંડ પણ વસુલાયોઃ ૬૫૦ યાત્રીઓને વિનામુલ્યે કપડાની થેલી આપવામાં આવી

રાજકોટઃ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિના અવસર પર બાપૂની સ્વચ્છતા સંબંધી શીખામણોને અપનાવવા અને તેનો અમલ કરવા રાજકોટ રેલ્વે ડિવિઝન મંડળમાં ૧૬ થી ૩૦ સપ્ટેમ્બર સુધી સ્વચ્છતા અભિયાન 'સ્વચ્છતા હી સેવા' પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. જેના સમાપન પ્રસંગે ડીઆરએમ ઓફિસ ખાતે રેલ પ્રબંધક શ્રી એસ.એસ. યાદવની અધ્યક્ષતામાં અધિકારીઓ રવિન્દ્ર શ્રીવાસ્તવ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. શ્રી યાદવે કહ્યું હતું કે સ્વચ્છતા પખવાડીયા દરમિયાન રાજકોટના પાંચ સ્ટેશનો પર નુક્કડ નાટક યોજી સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત ૫૧ જગ્યાએ શ્રમદાન, ૪૦૦ વૃક્ષારોપણ, ૬૭૦૨ યાત્રીઓને સિંગલ યુઝ પ્લાસ્ટીકનો વપરાશ નહિ કરવા સમજાવવા ઉપરાંત ૫૧ સ્ટેશનો પર યાત્રીઓ સાથે સ્વચ્છતા બાબતે સંવાદ કરાયો હતો. તેમજ ૨૪ ટ્રેનોના ડબ્બાઓ, ટોયલેટ ચેક કરી સ્વચ્છતાની સમજ અપાઇ હતી. દ્વારકા સ્ટેશન પર ૨૦થી વધુ નવી ડસ્ટબીન મુકવામાં આવી હતી. ૪૬૯ ડસ્ટબીન પર સ્વચ્છતા હી સેવાનો લોગો ચિપકાવાયો હતો. ૬૫૦ યાત્રીઓને રિલાયન્સ જીયોના સહકારથી કપડાની થેલી વિનામુલ્યે અપાઇ હતી. રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા સ્ટેશનો પરથી કુલ ૨૭૫ કિલો પ્લાસ્ટીક કચરો એકઠો કરાયો હતો. પખવાડીયા દરમિયાન ગંદકી ફેલાવતા ૪૩૧ યાત્રીઓ પાસેથી ૭૩,૫૦૦નો દંડ પણ અલગ-અલગ સ્ટેશનો પર વસુલ કરાયો હતો. એક પખવાડીયામાં ૧૦૫૨૦ કિલો કચરો એકઠો કરાયો હતો. જેમાં ૪૨૦૮ કિલો પ્લાસ્ટીક કચરો હતો. સહાયક વાણિજ્ય પ્રબંધક અસલમ શેખ તથા અન્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સમાપનની માહિતી આપવા ઉપસ્થિત રહ્યા હતાં.

(3:37 pm IST)