Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

રાજકોટમાં છેલ્લા બે દિ'માં છ ઇંચ વરસાદઃ મોસમનો ૬૬ ઇંચઃ સવારથી ઉઘાડ થતા રાહત

ગઇકાલે પ્રથમ નોરતે પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબાનાં આયોજકોને મુશ્કેલી-મેદાનમાં પાણી ભરાયાઃ શહેરમાં સતત વરસાદથી અનેક સ્થળે પાણી ભરાયાપડી ગ્યો

રાજકોટ તા. ૩૦ :.. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ મુકામ કર્યો છે. ત્યારે રાજકોટમાં પણ ગત શનીવારે બપોર બાદ શરૂ થયેલો વરસાદ આજે સવારે ૯ વાગ્યા સુધી સતત હળવા-ભારે ઝાપટાનાં સ્વરૂપે વરસી રહ્યો હતો. શહેરમાં આ છેલ્લા બે દિવસમાં કુલ છ ઇંચ જેટલો વરસાદ પડી ગયાનું ફાયર બ્રીગેડ કન્ટ્રોલ રૂમમાં નોંધાયુ હતું અને મોસમનો આજ દિન સુધીનો ૬૬ ઇંચ વરસાદ નોંધાયો હતો. જો કે સવારે ૧૧ વાગ્યા બાદ તડકો નિકળતાં લોકોમાં રાહત ફેલાઇ હતી અને જનજીવન ધબકયુ હતું.

શનિવારે એટલે કે તા. ર૮ નાં બપોરથી સતત હળવા - ભારે વરસાદનાં ઝાપટા ચલુ રહ્ય હતા અને શનિવરે આખી રાત સતત વરસાદ ચાલુ રહેલ. જે સવારે ૯ વાગ્યે સુધીમાં બે ઇંચ જેટલો નોંધાયો હતો.

જયારે ગઇકાલે રવિવારે પણ સવારે જોરદાર ઝાપટુ પડી ગયા બાદ એક કલાકનો વિરામ વરસાદે લીધો અને ફરી બપોરથી જોરદાર પવન સાથે વરસાદ ચાલુ થયેલ. જે ગઇકાલે આખી રાત વરસ્યો હતો. અને આજે સવારે ૯ વાગ્યા સુધી હળવા-ભારે ઝાપટાનાં સ્વરૂપે વરસ્યો હતો. જો કે ત્યારબાદ વાદળો વિખેરાતા  તડકો નિકળ્યો હતો પરંતુ ફરી વાદળોએ જમાવડો કરતાં ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો.

દરમિયાન ફાયર બ્રીગેડ કન્ટ્રોલ રૂમમાં ગઇકાલે સવારથી આજે સવાર સુધીનાં ર૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ પડી ગયાનું નોંધ્યું હતું.

આમ રાજકોટમાં છેલ્લા બે દિવસમાં કુલ છ ઇંચ વરસાદ પડી ગયો હતો.

સતત વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતાં. રેલનગર અંડરબ્રીજ, પોપટપરા નાલુ, લક્ષ્મીનગર નાલુ, વગેરેમાં રાબેતા મુજબ પાણી ભરાઇ જતા વાહન ચાલકો રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતાં.

જયારે ગઇકાલે પ્રથમ નોરતાએ સતત વરસાદ ચાલુ રહેતાં પ્રાચીન-અર્વાચીન ગરબાના આયોજકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.  કેટલીક પ્રાચીન ગરબીનાં આયોજકોએ વરસાદને કારણે હોલમાં ગરબી યોજી હતી તો અર્વાચીન રાસોત્સવનાં મેદાનમાં પાણી ભરાઇ જતાં કેટલાક અર્વાચીન રાસોત્સવને ગઇકાલે રદ કરવા પડયા હતાં.

(3:34 pm IST)