Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

કાલથી મગફળી ખરીદીનું રજીસ્ટ્રેશનઃ રાજકોટ જીલ્લામાં સવા લાખ મેટ્રીક ટન ખરીદદારો

કુલ ૫૮૨ ગામોઃ ૯૦ દિવસ ખરીદી ચાલશેઃ ૧લી નવેમ્બરથી ખરીદીઃ ગ્રામ્ય કક્ષાએ વીસીઆર મારફત નોંધણી :મણના ૧૦૧૮: ગયા વર્ષ કરતા ૧૮ રૂ. વધુઃ ૩૦ કિ.મી.ના એરીયામાં વેરહાઉસઃ જીલ્લામાં ૧૧ યાર્ડમાં પણ કાલથી નોંધણી

રાજકોટ, તા. ૩૦ :. આવતીકાલથી રાજકોટ સહિત રાજ્યભરમાં મગફળી ખરીદી અંગે રજીસ્ટ્રેશન શરૂ થશે. આ અંગે આજે બપોરે એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ પુરવઠા નિગમના મામલતદાર શ્રી પ્રકાશ સખીયા સાથે મીટીંગ યોજી, નોંધણીની તૈયારી અંગે સમીક્ષા કરી હતી.

અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે કાલથી તા. ૩૧ ઓકટોબર સુધી રજીસ્ટ્રેશન થશે અને આ માટે એનઆઈસીનું પોર્ટલ પણ ઉપયોગમાં લેવાશે.

૩૧ ઓકટોબર સુધી રજીસ્ટ્રેશન થયા બાદ ૧લી નવેમ્બરથી મગફળીની ખરીદી શરૂ થશે અને જે ૯૦ દિવસ ચાલશે.

રાજકોટ જીલ્લામાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ૧ લાખ ૨૦ હજારથી વધુ મેટ્રીક ટન મગફળી ખરીદાશે. હાલ કિવન્ટલનો ભાવ ૫૧૦૦ જેવો છે. મણનો ભાવ રૂ. ૧૦૧૮નો સરકારે જાહેર કર્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે ૧૮ રૂ. વધુ જાહેર કરાયા છે.

અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતુ કે રાજકોટ જીલ્લામાં ૧૧ યાર્ડ ઉપરાંત ૫૮૨ ગામો માટે ગ્રામ્ય કક્ષાએ વિલેજ કોમ્પ્યુટર સેન્ટર મારફત રજીસ્ટ્રેશન કરાશે.

દરરોજ ૨૦૬૦ કિલો મગફળી ખરીદાશે, એક ખેડૂત દીઠ ૨૫૦૦ કિલોનો લક્ષ્યાંક રખાયો છે.

મગફળી રજીસ્ટ્રેશન તથા ખરીદી અંગે કલેકટર દ્વારા મહેસુલ, પંચાયત, સહકાર, ખેતીવાડી વિગેરે ડીપાર્ટમેન્ટમાંથી સ્ટાફના ઓર્ડરો કરાયા છે.

મગફળીની ખરીદી બાદ તેને રાખવા અંગે ૩૦ કિ.મી.ના એરીયામાં જ વેરહાઉસ રાખવાનું ફાઈનલ કરાયુ છે અને વેરહાઉસ ૩૦ કિ.મી.ના એરીયામાં ઉપલબ્ધ ન બને તો કમિટીમાં નક્કી કરી જે તે ગોડાઉન ફાઈનલ કરાશે.

(3:33 pm IST)