Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

ભરચોમાસે પાણીના ધાંધિયાઃ વોર્ડ નં. ૪ની સોસાયટીઓમાં વિતરણ નહીં થતા ગૃહિણીઓનું કોર્પોરેશનમાં હલ્લાબોલઃ માટલા ફોડયા

પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, કોર્પોરેટર રેખાબેન ગજેરાની આગેવાની તળે ઉગ્ર રજૂઆતોઃ આંદોલનની ચિમકી

જન આક્રોશઃ સામાકાંઠાની ડઝનબંધ સોસાયટીઓમાં પાણીના ધાંધિયા સર્જાતા આજે ગૃહિણીઓએ કોર્પોરેશન કચેરીમાં હલ્લો બોલાવી, માટલા ફોડી મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરી હતી તે વખતની તસ્વીરમાં વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા વગેરે દર્શાય છે (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

રાજકોટ, તા. ૩૦ :. શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ વોર્ડ નં. ૪ની અનેક સોસાયટીઓમાં ભરચોમાસે પીવાનું પાણી નહીં મળતા આ વિસ્તારના કોંગી કોર્પોરેટર રેખાબેન ઠાકરશીભાઈ ગજેરાની આગેવાની તળે ૫૦થી વધુ ગૃહિણીઓએ કોર્પોરેશનની મુખ્ય કચેરીએ આજે સવારે ધસી જઈ મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી અને ઉગ્રરજૂઆતો કરી અને માટલા ફોડી તંત્ર સામે આક્રોશ વ્યકત કર્યો હતો.

આ અંગેની વિગતો મુજબ સામા કાંઠાના મોરબી રોડ ઉપર આવેલી એક ડઝનથી વધુ સોસાયટીઓમાં હાલમા ભરચોમાસે પાણીની રેલમછેલ હોવા છતા પીવાના પાણીના ધાંધિયા સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આમ આ સમસ્યા ઉકેલવાની માંગ સાથે આજે કોંગી કોર્પોરેટરની આગેવાનીમાં મ્યુ. કમિશ્નરને રજૂઆતો કરી આ વિસ્તારમાં પુરતા પ્રમાણમાં નિયમીત પાણી વિતરણની માંગ ઉઠાવી હતી.આ અંગે મ્યુ. કમિશ્નરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવાયુ છે કે વોર્ડ નંબર ૪ના મોરબી રોડ ઉપરની રહેણાંક વિસ્તારની સોસાયટીઓ ઈન્દ્રપ્રસ્થ-૧, ધારા એવન્યુ, રાજલ પાર્ક, શ્રીરામ પાર્ક, સતનામ, ઉત્સવ, શીવમ જેવી અનેક સોસાયટીઓમાં ભરચોમાસામાં કુદરતની પુરી મહેર અને ડેમો છલોછલ હોવા છતા સોસાયટીઓમાં પીવાનું પાણી સમયસર અને પુરતા પ્રમાણમાં મળતુ નથી. જેથી ખૂબ જ મુશ્કેલી પડે છે. તેમજ પ્રજામાં તંત્ર પ્રત્યે રોષની લાગણી પ્રવર્તે છે, ત્યારે સત્વરે પગલા લઈ અનિયમિતતા અને પુરતા પ્રમાણમાં પાણી ન મળવાના પ્રશ્નો ઉભા ન થાય તે માટે તાકીદે ઘટતુ કરવા રજૂઆત છે. ભગવતીપરા, એકતા પાર્ક તથા સતનામ સોસાયટીમાં દુષીત પાણી આવે છે તેવી પણ ફરીયાદ છે. તે માટે પણ ઘટતા પગલા લઈ વ્યવસ્થા કરી આપવા માંગ ઉઠાવાઈ હતી.

ઉપરોકત રજૂઆતમાં કોંગી કોર્પોરેટર રેખાબેન સાથે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા અને પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ મનીષાબા વાળા વગેરે કોંગી આગેવાનો જોડાયા હતા.

(3:33 pm IST)