Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

એક રાત, છ દરોડાઃ ૬ લાખનો ૧૪૪૬ બોટલ દારૂ કબ્જે

ક્રાઇમ બ્રાંચના ૪ દરોડાઃ વોકહાર્ટ હોસ્પિટલ સામે મકાનમાંથી જુનાગઢ-બીલખાના બે શખ્સ કેયુર અને હિરેન ૫૬ બોટલો સાથે પકડાયાઃ જુના યાર્ડ પાસે ૨.૬૪ લાખનો દારૂ ભરેલી ગાડી મુકી ચાલક ભાગી ગયોઃ ગંજીવાડામાં રાહુલ ૪૨૦ બોટલ મુકી ભાગી ગયોઃ મોૈલિક પટેલ ૩૦૦ બોટલ દારૂ ભરેલી કાર સાથે પકડાયોઃ બુટલેગરો પર સતત પોલીસની તવાઇ

રાજકોટ તા.૩૦:  દારૂની બદ્દીને ડામવા પોલીસ સતત દરોડા પાડી રહી છે. એક જ રાતમાં છ દરોડા પાડી ક્રાઇમ બ્રાંચ અને શહેર પોલીસે કુલ રૂ. ૬,૦૪,૮૭૦નો ૧૪૪૬ બોટલ દારૂ ઝડપી લીધો હતો. ક્રાઇમ બ્રાંચ પી.આઇ. એચ. એમ. ગઢવી અને ટીમે બે દરોડામાં રૂ. ૨,૬૪,૦૦૦નો ૬૬૦ બોટલ દારૂ ભરેલી સ્કોર્પિયો કબ્જે કરી હતી. તો અન્ય દરોડામાં કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ સામે એક મકાનમાં દરોડો પાડી બે શખ્સને રૂ. ૪૨૬૭૦ના ૫૬ બોટલ દારૂ  સાથે ઝડપી લીધા હતાં. ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદિપસિંહ તથા એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના હેઠળ પી.આઇ. એચ. એમ. ગઢવી, હેડકોન્સ. મહિપાલસિંહ ડી. રાણા, કોન્સ. ચેતનસિંહ રઘુવીરસિંહ ગોહિલ તથા દિલપીભાઇ રત્નુ અને વિરેન્દ્રસિંહ એ. જાડેજાની ટીમ પ્રોહીબીશનની પ્રવૃતિ નાબુદ કરવા માટે પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. મહિપાલસિંહ રાણા અને ચેતનસિંહ રાણાને બાતમી મળતાં કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ સામેની શેરીમાં નાલંદા પાર્ક-૫માં રૂદ્રાક્ષ નામના મકાનમાં દરોડો પાડી કેયુર શામજીભાઇ વણપરીયા (ઉ.૨૯) તથા હિરને અશ્વિનભાઇ ભટ્ટ (ઉ.૩૭)ને રૂ. ૪૨૬૭૦ના ૫૬ બોટલ દારૂ સાથે પકડી લીધા હતાં. કેયુર મુળ જુનાગઢ ટીંબાવાડી શેરી નં. ૨માં રહે છે અને હિરેન પણ જુનાગઢ બીલખા ઉપલાપરા ગીતા માલે સામે રહે છે. કેયુર નાલંદા પાર્કમાં મકાન રાખી રહે છે. જ્યારે હિરેન ગોપાલનગરમાં રહે છે. બંને પાસેથી સિગ્નેચર, બ્લેન્ડર્સ પ્રાઇડ, વ્હાઇટ મીસચીફ વોડકાની બોટલો કબ્જે કરાઇ હતી.

અન્ય દરોડામાં ઉપરોકત ટીમે જ બાતમી પરથી માર્કેટ યાર્ડના પહેલા ગેઇટથી થોડે આગળ સર્વિસ રોડ પર વોચ રાખતાં જીજે૧૨જે-૬૬૨૬ નંબરની સ્કોર્પિયોનો ચાલક ગાડી મુકીને ભાગી ગયો હતો. તેમાં તપાસ કરતાં મેકડોવેલ્સ નંબર વન બ્રાન્ડની રૂ. ૨,૬૪,૦૦૦ની ૬૬૦ બોટલ દારૂ મળતાં તે તથા ૨ લાખની ગાડી મળી કુલ રૂ. ૪,૬૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જેક રી ગાડી નંબરને આધારે તપાસ શરૂ કરી છે. આમ એક જ રાતમાં ત્રણ લાખનો દારૂ ઝડપી લેવાયો હતો. આ ઉપરાંત એસીપી જે. એચ. સરવૈયાની ટીમના પીએસઆઇ એમ. એસ. અંસારી, એએસઆઇ જગદીશભાઇ કિહોર, ચંદ્રસિંહ જાડેજા, હેડકોન્સ. ધર્મેનદ્રસિંહ ઝાલા, કોન્સ. જીતુભા ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ, પ્રતાપસિંહ મોયા અને સુધીરસિંહ જાડેજાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ અંસારી અને કોન્સ. જીતુભા ઝાલા તથા ફિરોઝભાઇની બાતમી પરથી મોૈલિક ચંદુભાઇ પટેલ (ઉ.૨૮-રહે. નવા થોરાળા, ૧૩)ને હોન્ડા સિવિક કાર જીજે૦૫સીઆર-૯૯૮૮માં ૩૦૦ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. કોઠારીયા ચોકડી પાસે આ કાર્યવાહી થઇ હતી.

ઉપરાંત પીએસઆઇ એ.એસ. સોનારા અને ટીમના હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, હરદેવસિંહ રાણા સહિતની ટીમે પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના નિશાંતભાઇ પરમાર, મહેશભાઇ મંઢ અને અજીતસિંહ પરમારની બાતમી પરથી ગંજીવાડા શકિત ચોકમાં દરોડો પાડી રૂ. ૧,૭૦,૪૦૦નો ૪૨૦ બોટલ દારૂ કબ્જે કરાયો હતો. આ દારૂ રાહુલ ગોરધનભાઇ વાલાણીનો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. આ ઉપરાંત અન્ય દરોડામાં રાજકોટઃ બી-ડિવીઝન પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં ટીમના કે. યુ. વાળા, મિતેષ આડેસરા સહિતની ટીમે વહેલી સવારે નવાગામ શકિત સોસાયટી છપ્પનીયા કવાર્ટર પાસેથી બોલેરો જીજે૦૩બીડબલ્યુ-૦૫૭૬ અટકાવી તલાશી લેતાં અંદરથી રૂ. ૧૮૦૦નો ૬ બોટલ દારૂ મળતાં ચાલક સામત ભીખુભાઇ બરાળીયા (આહિર) (ઉ.૩૪)ને પકડી લઇ રૂ. ૫,૦૧,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ કુવાડવા પી.આઇ. પરમારની રાહબરીમાં પીએસઆઇ ઝાલા, બુટાભાઇ, અજીતભાઇ લોખીલ સહિતે સોખડા ચોકડીએથી રામજી ઉર્ફ જીજ્ઞેશ વિનોદભાઇ રોજાસરા (ઉ.૩૦-રહે. નવનીનગર બ્લોક નં. ૧૭૮, પીપળીયા) તથા પ્રવિણ કાનજીભાઇ વઘાસીયા (ઉ.૪૦-રહે. રાજલક્ષ્મી સોસાયટી, હરિ ધવા રોડ)ને રૂ. ૬૦૦૦ના ચાર બોટલ દારૂ સાથે પકડી લીધા હતાં. ચારેય બોટલમાં બબ્બે લીટર દારૂ હતો.

(1:17 pm IST)