Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

વિરાણી અઘાટમાં પટેલ કારખાનેદાર શૈલેષભાઇ શીંગાળાએ ગળાફાંસો ખાઇ દુનિયા છોડી દીધી

ભાગીદાર સાળા સંજયભાઇ સખીયા સવારે સાતેક વાગ્યે કારખાને પહોંચ્યા ત્યારે ઉપરના માળે શૈલેષભાઇ બેભાન મળ્યાઃ ગાળીયાની ચૂંદડી તૂટી જતાં નીચે પડી ગયા'તાઃ ચામડીના વર્ષો જુના દર્દથી કંટાળીને પગલું ભર્યુ

કારખાનેદાર શૈલેષભાઇ પટેલનો નિષ્પ્રાણ દેહ અને ફાઇલ ફોટો

રાજકોટ તા. ૩૦: વિરાણી અઘાટમાં કારખાનુ ધરાવતાં ૮૦ ફુટ રોડ બોલબાલા માર્ગ રાધાનગર-૧માં રહેતાં પટેલ કારખાનેદાર યુવાને વહેલી સવારે સાડા પાંચેક વાગ્યે કારખાને જઇ રહ્યાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પોતાના કારખાનામાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ભાગીદાર સાળા સવારે સાતેક વાગ્યે આવ્યા ત્યારે બનેવીનો મૃતદેહ જોતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ચામડીના વર્ષો જુના દર્દથી કંટાળીને પગલુ ભર્યાનું તપાસમાં બહાર આવ્યું છે.

વિરાણી અઘાટમાં લોખંડનું કારખાનુ ધરાવતાં શૈલેષભાઇ મગનભાઇ શીંગાળા (ઉ.વ.૪૦)એ પોતાના કારખાનાના ઉપરના માળે ઓરડીમાં લોખંડની આડીમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી દિવ્યાબેન બારડ અને જયપાલસિંહ મારફત થતાં ભકિતનગરના એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેચા (ખારવા) તથા રાઇટર યશપાલસિંહ ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ શૈલેષભાઇ સવારે સાડા પાંચેક વાગ્યે ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા હતાં. એ પછી પોતાના કારખાને પહોંચ્યા હતાં.  સવારે સાતેક વાગ્યે શૈલેષભાઇના ભાગીદાર ભાગીદાર સંજયભાઇ નારણભાઇ સખીયા કે જેના તેમના સાળા પણ થાય છે તેઓ નિત્યક્રમ મુજબ સવારે સાતેક વાગ્યે કારખાને પહોંચ્યા ત્યારે દરવાજો ખુલ્લો દેખાયો હતો. ઉપરની ઓરડીમાં જતાં દરવાજો ખુલતો ન હોઇ જોશથી ધક્કો મારતાં દરવાજો પાછળ ઠેલાયો હતો. ત્યાં શૈલેષભાઇ નીચે પડેલા દેખાયા હતાં. તેના ગળામાં ચૂંદડી વીંટાળેલી હતી, તેનો એક ટૂકડો ઉપર લોખંડના એંગલમાં હતો. વજનને કારણે ચૂંદડી તૂટી ગયાનું જણાયું હતું. સંજયભાઇએ શૈલેષભાઇના ભાઇ પ્રવિણભાઇ સહિતને જાણ કરી  હતી શૈલેષભાઇને જગાડવા પ્રયાસ કર્યો હતો. પણ તે ભાનમાં આવ્યા નહોતાં. ૧૦૮ને બોલાવતાં તેના ઇએમટીએ તેમને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનારા શૈલેષભાઇ બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પત્નિનું નામ જ્યોત્સનાબેન છે. તેમના પિતાનું પણ ૨૦૦૬માં ટ્રેનની ઠોકરે ચડી જતાં મૃત્યુ થયું હતું. મોભીના મોતથી શિંગાળા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ દસેક વર્ષથી શૈલેષભાઇને ચામડીનો રોગ હતો અને અનેક ડોકટરોની દવા લેવા છતાં ફરક પડતો ન હોઇ કંટાળી જઇ આ પગલું ભરી લીધું હતું.

(1:16 pm IST)