Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

વ્યાજખોરીમાં ફસાયેલા મવડીના પટેલ કારખાનેદાર ઘર છોડવા મજબૂર

સ્યુસાઇડ નોટમાં ઉંચા વ્યાજે નાણા આપનારા ૧૦ના નામઃ કોઇએ મકાન પડાવ્યું, કોઇએ કોરા ચેક લઇ લીધા...સતત મારી નાંખવાની ધમકી દીધાનો આક્ષેપઃ પત્નિ સરોજબેન મેઘાણીએ ચોધાર આંસુએ કથની વર્ણવીઃ પોલીસે ગૂમ થયાની નોંધ કરી તપાસ આરંભીઃ ૨૦૧૨માં કારખાનુ ચાલુ કરવા ૧૦ લોકો પાસેથી વ્યાજે લીધા'તાઃ આ રકમ વ્યાજ સહિત ચુકવી છતાં વધુને વધુ વ્યાજ માંગી હેરાન કરવામાં આવતાં ૧૭મીએ ફોન ઘરે મુકી નીકળ્યા બાદ લાપતાઃ ઠેર-ઠેર શોધખોળ

રાજકોટ તા. ૩૦: વ્યાજખોરીના અનેક કિસ્સા અત્યાર સુધીમાં પોલીસ સુધી પહોંચ્યા છે. વધુ એક કિસ્સામાં મવડીના લેઉવા પટેલ કારખાનેદાર દસેક શખ્સો પાસેથી ઉંચા વ્યાજે નાણા લીધા બાદ તેને નાણા અને વ્યાજ ચુકવ્યા પછી પણ વધુ વ્યાજ માંગી સતત હેરાનગતી કરી ધમકી આપવામાં આવતી હોઇ ઘર છોડવા મજબૂર થયાની વિગતો સામે આવી છે. મવડી સોજીત્રા પાર્ક-૧૪/૨ના ખુણે શ્રીગેલમા કૃપા ખાતે રહેતાં જયેશભાઇ ધીરૂભાઇ મેઘાણી (ઉ.૩૭) નામના કારખાનેદાર ૧૭/૯ના રોજ ઘરેથી નીકળ્યા બાદ ભેદી રીતે લાપતા થયા છે. શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પોલીસને ગૂમ થયાની જાણ કરવામાં આવી છે. દરમિયાન પરિવારજનોને ઘરમાંથી એક સ્યુસાઇડ નોટ-ચિઠ્ઠી મળી હતી જેમાં દસ લોકોના નામ છે અને તે વ્યાજ માટે સતત હેરાન કરતાં હોવાથી પોતે આત્મહત્યા કરવા મજબૂર થઇ રહ્યાનો ઉલ્લેખ છે. સ્વજનો ભેદી રીતે ગાયબ જયેશભાઇને શોધવા આકુળ-વ્યાકુળ થઇ દોડધામ કરી રહ્યા છે.

જયેશભાઇના ધર્મપત્નિ સરોજબેન મેઘાણીએ ૧૭મીએ પતિ ગૂમ થયા બાદ પરિવારજનો સાથે મળી શોધખોળ કર્યા પછી ૧૮મીએ તાલુકા પોલીસમાં પતિ ગૂમ થયાની જાણ કરી હતી. જેમાં પતિ ઘરેથી અમદાવાદ જવાનું કહીને ૧૭મીએ સવારે પાંચેક વાગ્યે નીકળ્યા બાદ પત્તો નહિ મળ્યાનું જણાવાયું છે. દરમિયાન સરોજબેનને ઘરમાંથી પતિએ લખેલી એક સ્યુસાઇડ નોટ મળતાં તેઓ ગભરાઇ ગયા હતાં. આ સ્યુસાઇડ નોટ સાથે પોલીસ કમિશનરને વિસ્તૃત લેખીત રજૂઆત કરી છે. જેમાં પતિને વ્યાજખોરો સતત ત્રાસ આપતાં હોવાનો ઉલ્લેખ છે.

સરોજબેને રાજકોટના સલિમભાઇ, રમેશભાઇ, કેતનભાઇ, ભાવનાબેન, રાજુભાઇ, ગોૈરવભાઇ, મહાવીરસિંહ, ધીરૂભાઇ, લક્ષમણભાઇ અને જીતેન્દ્રભાઇ વિરૂધ્ધ લેખિત ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું છે કે મારા પતિનું મકાન સલિમભાઇએ ખોટા દસ્તાવેજ કરી પતાવી પાડ્યું છે. બીજા લોકોએ પણ વ્યાજ માટે મારી નાંખવાની ધમકીઓ આપી છે. મારા પતિએ આ બધા પાસેથી ઉંચા વ્યાજે રકમ લીધી હતી. અમોએ અમારી મિલ્કતો વેંચીને મુદ્દલ રકમ ચુકવી છે અને વ્યાજ પણ ચુકવ્યું છે. આમ છતાં વ્યાજનું વ્યાજ લેવા કોરા ચેકોનો ઉપયોગ કરે છે. હાલમાં આર્થિક પરિસ્થિતી સારી ન હોઇ મારા પતિને વ્યાજ માટે સતત મારી નાંખવાની ધમકીઓ અપાતી હોઇ તેઓ ૧૭મીએ પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી તેમજ સ્યુસાઇડ નોટ લખી બેડરૂમમાં ગાદલા નીચે મુકીને નીકળી ગયા છે. પતિની સતત શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં તાલુકા પોલીસમાં જાણ કરી હતી. પોલીસે ગૂમ થયાની નોંધ કરી હતી અને પતિ આવ્યે ફરિયાદ દાખલ થશે તેમ કહ્યું હતું.

સરોજબેને રજૂઆતમાં આગળ જણાવ્યું છે કે મારા પતિએ જે ચિઠ્ઠી લખી છે તેમાં કોની પાસેથી કેટલા નાણા વ્યાજે લીધા તેનો ઉલ્લેખ છે. તેમજ આ બધા વધુને વધુ વ્યાજ વસુલવા ધમકાવતાં હોવાથી પોતે આપઘાત કરવા મજબૂર થઇ રહ્યાનું લખ્યું છે. મારા પતિનો કોઇ પત્તો ન હોઇ અમે સતત આકુળ વ્યાકુળ થઇ તેની શોધખોળ કરી રહ્યા છે.

ચિઠ્ઠીમાં જયેશભાઇએ લખ્યું છે કે રમેશભાઇ પાસેથી ૪૦ લાખ ૫ ટકે લીધા હતાં. કેતનભાઇ પાસેથી ૫ લાખ ૫ ટકે, ભાવનાબેન પાસેથી ૧૩ લાખ ૫ ટકે (તેને ૫૦૦ ગ્રામ સોનુ આપ્યું હતું), રાજુભાઇ પાસેથી ૫ થી ૬ લાખ ૧૦ ટકે, ગોૈરવભાઇ પાસેથી ૯ લાખ ૧૨ ટકે, મહાવીરસિંહ પાસેથી ૧૦ લાખ ૧૫ ટકે, ધીરૂભાઇ પાસેથી ૫ લાખ ૧૦ ટકે, લક્ષમણભાઇ પાસેથી ૩૫ લાખ ૫ ટકે, જીતેન્દ્રભાઇ પાસેથી ૭ લાખ ૧૦ ટકે લીધા હતા. આ બધાથી હું ત્રાસી ગયો છું.

પતિ ભેદી રીતે ગાયબ હોઇ તાકીદે તપાસ કરાવવા સરોજબેને સજળ નયને રજૂઆત કરી હતી. જયેશભાઇનું કારખાનુ પણ વ્યાજખોરીમાં ફસાઇ જવાથી બેંક દ્વારા સિલ કરી દેવામાં આવ્યું છે. તેને સંતાનમાં એક પુત્ર છે. વૃધ્ધ માતા-પિતા સહિતના પરિવારજનોની તેના પર જવાબદારી છે. 

તસ્વીરમાં દેખાતા જયેશભાઇ મેઘાણી કોઇને જોવા મળે કે તેના વિશેષ માહિતી હોય તો તાલુકા પોલીસને ફોન ૦૨૮૧ ૨૫૬૩૩૪૦ અથવા સરોજબેનને મોબાઇલ નં. ૯૮૭૯૨ ૫૦૩૨૧ ઉપર જાણ કરવા જણાવાયું છે.

(1:15 pm IST)