Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

રાજકોટમાં હિંદુ મહાસભાના કન્વીનરે કહ્યું-અમૂલનું ગાયનું નહીં, પણ જર્સીનું દૂધ અપાય છે, એનું સેવન કરતા નહીં

આજે જે કંઈ સમસ્યાઓ ઊભી થઈ છે એ જર્સીના દૂધને કારણે થઈ રહી છે : સ્વામી પરમાત્માનંદજી

રાજકોટમાં આજે સાધુ-સંતોની હાજરીમાં શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ-સંતોની હાજરીમાં શોભાયાત્રાનું પ્રસ્થાન થવાનું હતું. એ પ્રસંગે હિંદુ મહાસભાના કન્વીનર સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ જાહેરસભામાં મંચ પર અમૂલ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે એના દૂધમાં ગાયનું નહીં, પણ જર્સીનું દૂધ અપાય છે, એનું સેવન કરતા નહીં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હજારો વર્ષો પહેલાં ગાયને પાળવાની શરૂઆત થઈ ત્યારથી એનું દૂધ અને એમાંથી બનેલી ચીજો આપણા આહારનો હિસ્સો છે. આજે જન્માષ્ટમી છે, ત્યારે આપણે આપણી ગાય માતાના દૂધનું સેવન કરવું જોઈએ છે. જર્સી એ ગાય નહિ, પ્રાણી છે. આજે જેકંઈ સમસ્યાઓ ઊભી થઈ છે એ જર્સીના દૂધને કારણે છે, માટે બધા લોકોને દેશી ગાયનું દૂધ પીવા વિનંતી કરું છું. લોકોએ દેશી ગાયનું દૂધ પીવું જોઇએ.

રાજકોટમાં આજે ભગવાન શ્રીકૃષ્ણની 37મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું. શહેરના કિસાનપરા ચોકમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે આ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. એ પહેલાં વિશ્વ હિન્દુ પરિષદની જન્માષ્ટમી સભા મળી હતી, જેમાં હિન્દુ ધર્મ આચાર્ય મહાસભાના રાષ્ટ્રીય કન્વીનર સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, પૂર્વ સાંસદ ડો. વલ્લભ કથીરિયા સહિત સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.

(4:28 pm IST)