Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

જુની લોટરી બજારમાં ફ્રુટના ધંધાર્થી સોયેબ પર તલવાર-પાઇપથી હુમલોઃ હાથમાં ફ્રેકચર

અગાઉ સામુ જોવા બાબતે થયેલી માથાકુટનો ખાર રાખી મોહસીન, સમીર, મુનાફ અને અકબરબાપુ તૂટી પડ્યાઃ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપ્યાની એ-ડિવીઝનમાં ફરિયાદ

રાજકોટ તા. ૩૦: રૂખડીયાપરાના ફકીર યુવાન પર જુની લોટરી બજારમાં ચાર મુસ્લિમ શખ્સોએ જુના મનદુઃખનો ખાર રાખી તલવાર, પાઇપથી હુમલો કરતાં હાથ ભાંગી જતાં સારવાર માટે દાખલ કરાયો છે. ચારેયે મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ રૂખડીયાપરામાં હાજીપીરની દરગાહ પાસે કેજીએન પાન પાસે રહેતાં અને જ્યુબીલી શાક માર્કેટમાં ફ્રુટની લારી રાખી ધંધો કરતાં સોયેબ સલિમભાઇ શેખ (ઉ.૨૭) નામના ફકીર યુવાનને પોતે ગઇકાલે લોટરી બજાર ચેતક ઝેરોક્ષ નામની દૂકાન પાસે ઠાકર હોટેલની સામેની સાઇડમાં પોતાની લારીએ હતો ત્યારે મોહસીન મુનાફભાઇ સંધી, સમીર મુનાફભાઇ, મુનાફભાઇ અને અકબરબાપુ કાદરીએ આવી ગાળો દઇ તલવાર-પાઇપથી હુમલો કરી જમણો હાથ ભાંગી નાંખતા તેમજ મારી નાંખવાની ધમકી આપતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

એ-ડિવીઝનના પીએસઆઇ વી.એમ. ડોડીયાએ સોયેબની ફરિયાદ પરથી ચારેય વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. સોયેબએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારી રેકડીએ હતો તયારે અગાઉના ઝઘડાનો ખાર રાખીને મોહસીન સહિતના ચારેય આવ્યા હતાં અને ગાળો દેવા માંડ્યા હતાં. મોહસીને પાઇપથી ઘા મારા જમણા હાથમાં મારી દીધો હતો તેમજ પગમાં પણ ઘા ફટકાર્યા હતાં. અકબરબાપુએ તલવાર હતી તે ઉંધી મારી હતી. મુનાફે ગાળો દીધી હતી. દેકારો થતાં બીજા લોકો ભેગા થઇ ગયા હતાં અને મને છોડાવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ડોકટરે હાથમાં ફ્રેકચર થઇ ગયાનું મને જણાવ્યું હતું.

સોયેબે વધુમાં કહ્યું હતું કે અગાઉ સામુ જોવા બાબતે બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખીને હુમલો કરાયો છે. પોલીસે ચારેયને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(3:52 pm IST)