Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

સમાજના છેવાડાના આદિવાસી શ્રમજીવીઓના બાળકો શિક્ષણ મેળવી જીવનમાં આગળ વધે તેવા પ્રયાસો છે : રાજુભાઇ ધ્રુવ

આદિવાસી શ્રમજીવી પરિવારના ૫૪ બાળકોને યુનિફોર્મ-શિક્ષણ કીટ વિતરણ કરતા રાજુભાઇ ધ્રુવ અને મગનભાઇ ટોટાવાળા

રાજકોટઃ તાજેતરમાં રાજકોટમાં એક નાનો પ્રેરણાદાયી અને દીવાદાંડી સામો  પ્રસંગ યોજાયો હતો. જેમાં   સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ નજીક વન વિભાગના વનીકરણ પ્રોજેકટમાં કામ કરતા શ્રમિકોના તેમજ મોટામવા વિસ્તારના શ્રમિક પરિવારના કુલ   ૫૪ જેટલા બાળકોને સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવ અને સામાજિક અગ્રણી શ્રી મગનભાઈ ટોટાવાળા દ્વારા શિક્ષણ કીટ, સ્કૂલ યુનિફોર્મ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અહિંના યુનિવર્સિટી રોડ પર મુંજકા ગામ પાસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસ પાછળ વન વિભાગ હસ્તકના વનીકરણ યોજનાના પ્રોજેકટમાં પંચમહાલ અને ગોધરા તથા અન્ય આદિવાસી વિસ્તારના શ્રમિકો કામ કરી રહ્યા છે. ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા આદિવાસી પરિવારના બાળકો છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણથી વંચિત રહેતા હોવાથી તેમને સારું શિક્ષણ મળી રહે તે માટે બાળકોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિ કેળવાય તે માટે મોટામવા સીઆરસી કો.ઓર્ડિનેટર શ્રી મુઝમ્મીલભાઈ સુધાગુનીયાના શ્રી રાજુભાઇ ધ્રુવ સમક્ષ  લાગણીભર્યા સૂચન-રજુઆત થી તેમના સાથી મિત્રોના સાથ સહકાર થી આ  કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આદિવાસીના શ્રમજીવીઓના બાળકોને પ્રાથમિક તથા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે ભાજપના સૌરાષ્ટ્રના પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવ અને સામાજિક અગ્રણી  શ્રી મગનભાઈ ટોટાવાળા દ્વારા આદિજાતિના શ્રમિકોના ૬ થી ૧૪ વર્ષના બાળકોને ખાસ શિક્ષણની કીટ , એક સ્કૂલ યુનિફોર્મ અને નાસ્તાનું કુલ  ૫૪ જેટલા બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું.

  આ તકે  રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે, સમાજના છેવાડાના આદિવાસી પરિવારના બાળકો શિક્ષિત બને અને શિક્ષણ પ્રત્યે અભિરુચિ કેળવાય તે માટેનો અમારો આ સામાજિક જવાબદારી-ફરજ પુરી કરવાનો નમ્ર પ્રયાસ  છે. બાળકો એ ભાવી નાગરિક છે દેશ નું ઉજ્જવળ ભવિષ્ય છે. સામાજિક સમરસતાના સ્વપ્નદ્રષ્ટા પ.દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદયના સંકલ્પ-વિચારને સાકાર કરવા તેમનું પ્રાથમિક શિક્ષણ અને સામાજિક સંસ્કાર -કેળવણી દ્વારા ઘડતર કરવામાં આવે તે માટે સર્વોત્તમ શકિત સાથે પ્રયાસ કરવો જોઈશે અને  આ આદિવાસી શ્રમિક પરિવારના બાળકોમાં પાંચ વર્ષ પુર્ણ કરનારને મૂંજકાની પ્રાથમિક શાળા તેમજ મોટામવા શાળામાં ધોરણ ૧ માં દાખલ કરવામાં આવશે અને નાના બાળકોને આંગણવાડી કેન્દ્રમાં તેમજ શાળા બહારના બાળકોને શાળામાં દાખલ કરીને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે.

 ઉલ્લેખનિય છે કે આદિવાસીના જે બાળકો ભણવામાં હોશિયાર હશે તેનો ઉચ્ચ શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવવા માટે સામાજિક અગ્રણી શ્રી મગનભાઈ ટોટાવાળા દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી.

 તેમને આ તકે વાલીઓને બાળકોના શિક્ષણ અને આરોગ્ય પરત્વે જાગૃત બનવા અનુરોધ કર્યો હતો. સી.આર. સી.કો.ઓડીનેટર શ્રી મુઝમ્મીલભાઈ સુધાગુનીયા દ્વારા એ બાળકોને શાળામાં દાખલ કર્યા પછી બાળકોને સરકાર દ્વારા અપાવવામાં આવનાર શિષ્યવૃત્તિ અને  પુસ્તકોની વિગતો આપવામાં આવી હતી. આ પ્રસંગે કણકોટ શાળાના આચાર્ય શ્રી રાજુભાઇ દવે, મુંજકા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી જીતેન્દ્રભાઈ કથીરિયા, શ્રી ચેતનભાઈ, ડો.શ્રી આશિષભાઈ અગ્રાવત, ભાવિકભાઈ અગ્રાવત, રૈયા માધ્યમિક શાળાના આચાર્ય છગનભાઇ ચીકાણી, માહિતીખાતા પૂર્વ અધિકારી શ્રી અરવિંદભાઇ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

(3:59 pm IST)