Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

પડધરી તા.પં.ના પૂર્વ કોંગી પ્રમુખ વિક્રમ રાઠોડ, રાજકોટનો રામદેવ ડાંગર સહિત પાંચ કર્ફયુમાં પીધેલા પકડાતા પોલીસને ધમકી દીધી!

કુવાડવા રોડ ડી માર્ટ પાસે સ્કોર્પિયો અટકાવતાં પાંચેયએ ખેલ કર્યા પછી પોલીસ મથકે પણ અસભ્ય વર્તન કર્યુ : વિક્રમ રાઠોડે ફોન કાઢી ધમકી દીધી-તમે મને ઓળખો છો?...તમે મને પકડી શકો નહિ, હું એક ફોન કરીને બધા પોલીસવાળાના પટ્ટા ઉતરાવી નાંખીશ, મારી એવી હેસિયત છે કહી ઝપાઝપી કરી હેડકોન્સ્ટેબલનો શર્ટ ફાડી નાંખી ધક્કો મારી પછાડી દીધા : પોલીસ સ્ટેશને લઇ જવાતાં વિક્રમે ત્યાં પણ કોન્સ. નિરવભાઇનો કાંઠલો પકડી ગાળો ભાંડી : બી-ડિવીઝન પોલીસે પાંચેય સામે ફરજમાં રૂકાવટ, રાયોટીંગ-દારૂ પીવાનો અને કર્ફયુ ભંગનો ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું

તસ્વીરમાં રામદેવ ડાંગર, અજયરાજસિંહ, નિરલ પરમાર, ગોવિંદ રાજપરા અને વિક્રમ રાઠોડ નજરે પડે છે

રાજકોટ તા. ૩૦: કુવાડવા રોડ ડી માર્ટ પાસે રાત્રીના પોણા બારેક વાગ્યે બી-ડિવીઝન પોલીસની ટીમ કર્ફયુની કડક અમલવારી માટે ચેકીંગમાં હતી ત્યારે એક સ્કોર્પિયોમાં પાંચ શખ્સો નીકળતાં તેની સામે કર્ફયુ ભંગની કાર્યવાહી હાથ ધરતાં તેમાં બેઠેલા પડધરી તાલુકા પંચાયતના પૂર્વ કોંગી પ્રમુખે હેડકોન્સ્ટેબલ સાથે અસભ્ય વર્તન કરી ગાળો દઇ 'હું એક ફોન કરીને તમારા બધા પોલીસવાળાના પટ્ટા ઉતરાવી નાંખીશ એવી મારી હેસીયત છે' તેમ કહી ધમકી દઇ ઝપાઝપી કરી શર્ટ ફાડી નાંખી પછાડી દઇ ફરજમાં રૂકાવટ કરતાં તેના સહિત પાંચ સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે. જેમાં એક બલી ડાંગરનો સાગરીત રામદેવ ડાંગર પણ સામેલ હતો. આ પાંચેય નશો કરેલા હોઇ તે અંગે અલગથી ગુનો દાખલ કરી કાયદાનું ભાન કરાવાયું હતું.

બી-ડિવીઝન પોલીસ મથકના હેડકોન્સ. અજયભાઇ બસીયાની ફરિયાદ પરથી કુવાડવા રોડ નાગબાઇ પાન સામે શ્રીરામ પાર્કમાં રહેતાં બલી ડાંગરના જુના સાગરીત રામદેવ લક્ષમણભાઇ ડાંગર (ઉ.વ.૩૪), પડધરીના આણંદપર બાઘી ગામે રહેતાં કોંગ્રેસના પુર્વ તા.પં. પ્રમુખ વિક્રમ અજીતસિંહ રાઠોડ (ઉ.વ.૩૭), તેની સાથેના આણંદપરના ગોવિંદ પોપટભાઇ રાજપરા (ઉ.વ.૪૨), નિરલ અજીતભાઇ પરમાર (ઉ.વ.૨૬) તથા રાજકોટ જામનગર રોડ પરાસર પાર્ક-૧માં રહેતાં અજયરાજસિંહ વનરાજસિંહ ચુડાસમા (ઉ.વ.૨૭) સામે આઇપીસી ૧૮૬, ૩૩૨, ૧૪૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધી પાંચેયની ધરપકડ કરી હતી.

આ પાંચેય સામે કર્ફયુ ભંગનો અને નશો કર્યો હોઇ તે અંગે અલગથી ગુના દાખલ કરવામાં આવ્યા હતાં. હેડકોન્સ. અજયભાઇ બસીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે રાત્રીનાદસ વાગ્યે હું, તથા એએસઆઇ વિરમભાઇ જે. ધગલ, સલિમભાઇ માડમ, કોન્સ. જયદિપસિંહ એ. બોરાણા, ચાંપરાજભાઇ ખવડ, નિરવભાઇ વઘાસીયા, પરેશભાઇ સોઢીયા, સંજયભાઇ મિયાત્રા, વિશ્વજીતસિંહ ઝાલા, હેમેન્દ્રભાઇ વાધીયા, મિતેશભાઇ આડેસરા એમ તમામ કુવાડવા રોડ પર કર્ફયુ અંગેની ફરજ પર હતાં.

એ વખતે રાતે અગિયારેક વાગ્યે કાળા રંગની સ્કોર્પિયો જીજે૦૩એમબી-૫૪૨૭ નીકળતાં તેમાં પાંચ વ્યકિત બેઠા હોઇ પુછતાછ કરતાં તેમના મોઢામાંથી તિવ્ર વાસ આવતી હોઇ જેથી પીએસઆઇ બી. બી. કોડીયાતરે પંચને બોલાવી નામઠામ પુછતાં આ તમામે પોતાના નામ-સરનામા જણાવ્યા હતાં.

દારૂ પીધેલો હોઇ પરમીટ રજૂ કરવા કહેતાં કોઇ પાસે પરમીટ ન હોઇ તેમજ રામદેવ ડાંગર દારૂપી સર્પાકાર કાર હંકારતો હોઇ તેની સામે ૧૮૫ મુજબ કાર્યવાહી હાથ ધરી ૧૦ લાખનગી ગાડી કબ્જે કરી હતી. આ વખતે સાથેના અન્ય આરોપી વિક્રમ રાઠોડે 'તમે મને પકડી શકો નહિ, તમે મને કેમ પકડી શકો?' કહી પીએસઆઇ કોડીયાતર સાથે અસભ્ય વર્તન ચાલુ કર્યુ હતું અને ગાળો બોલી ફોન કાઢી ધમકી આપી હતી કે હું એક ફોન કરીને અત્યારે જ બધા પોલીસાવાળના પટ્ટા ઉતરાવી દઇશ તેવી મારી હેસીયત છે, તમે મને ઓળખો છો? કહી અસભ્ય વર્તન કર્યુ હતું. જેથી હું (અજયભાઇ બસીયા) તેને સમજાવવા વચ્ચે પડતાં મારી સાથે ઝપાઝપી કરી શર્ટ ફાડી નાંખ્યો હતો અને ધક્કો મારી મને પછાડી દીધો હતો.

સાથેના પીએઅસાઇ કોડીયાતર, નિરવભાઇ, જયદિપસિંહે વચ્ચે પડી છોડાવતાં તેની સાથે પણ ઝપાઝપી ચાલુ કરીહ તી અને પોલીસને જેમ તેમ ગાળો દેવા માંડ્યા હતાં. વિક્રમ પોલીસનીસ ગાડીમાં બેસતો ન હોઇ બળપુર્વક મોબાઇલ વેનમાં બેસાડી પોલીસ સ્ટેશને લાવતાં અહિ પણ પોલીસ સાથે માથાકુટ કરી ધક્કામુક્કી કરી હતી. આ પછી કોન્સ. નિરવભાઇ વઘાસીયાનો કોલર પકડી લઇ ફરીથી પોલીસના પટ્ટા ઉતારી દેવાની ધમકી આપી હતી. આ પાંચેય શખ્સો સામે ફરજમાંરૂકાવટ અને પીધલાનો તથા કર્ફયુ ભંગનો ગુનો નોંધી પીઆઇ બી. એમ. ઓૈસુરા, પીએસઆઇ કોડીયાતર, એએસઆઇ વિરમભાઇ ધગલ, સલિમભાઇ, અજયભાઇ, જયદિપભાઇ સહિતની ટીમે કડક કાર્યવાહી કરી તમામનો નશો ઉતારી નાંખ્યો હતો.

ઝડપાયેલામાં વિક્રમ રાઠોડ પડધરી તા.પં.નો પુર્વ પ્રમુખ હોવાનું અને રામદેવ અગાઉ બલીનો સાગ્રીત રહી ચુકયાનું પોલીસે કહ્યું હતું. આ તમામ ગ્રીનલેન્ડ ચોકડી તરફથી સ્કોર્પિયોમાં કર્ફયુ ભંગ કરીને નીકળ્યા હોઇ પકડવામાં આવતાં પોલીસ સાથે માથાકુટ કરી હતી. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલની રાહબરીમાં કર્ફયુની કામગીરી વખતે આ કાર્યવાહી થઇ હતી.

(3:08 pm IST)