Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

લગ્નના નામે હિન્દુ યુવતિને ફસાવી ઇમરાને ત્રણ વર્ષ શોષણ કર્યુઃ ૧૦ દિ' પહેલા બીજે 'શાદી' કરી લીધી...પોલીસે દબોચતાં શરૂ થઇ 'બરબાદી'

તમારે નોકરીની જરૂર હોય તો રૂબરૂ મળજો...અજાણ્યા શખ્સે કરેલા ફોન પર આંધળા વિશ્વાસે યુવતિને દોજખમાં ધકેલી દીધી : હોટેલોમાં લઇ જઇ બળજબરી આચરીઃ કટકે-કટકે રૂ. ૧૯,૧૨,૦૦૦ પણ ચાઉ કરી ગયોઃ છેલ્લે બીજે પરણી ગયોઃ બધુ ગુમાવી બેઠેલી યુવતિ અંતે પોલીસ કમિશનર પાસે પહોંચીઃ તાલુકા પોલીસે ગુનો નોંધી ખોડિયારનગરના શખ્સને દબોચી કાયદાનું ભાન કરાવ્યું : આંધળુકીયા કરતી બહેન દિકરીઓ ચેતજો...એક ખોટુ પગલુ કાયમ માટે બરબાદી તરફ ધકેલી દેશે : બળાત્કાર, છેતરપીંડી અને ધમકીના આરોપસર જેના વિરૂધ્ધ ગુનો નોંધાયો છે તે ઇમરાન ડેલા

રાજકોટ તા. ૩૦: 'તમને સારી નોકરી અપાવીશ, રૂબરૂ મળજો'...અજાણ્યા નંબરમાંથી ખાનગી હોસ્પિટલની રિસેપ્સનીસ્ટ હિન્દુ યુવતિને ત્રણેક વર્ષ પહેલા આવેલો ફોન તેને કઇ રીતે બરબાદ કરી ગયો તેની ગવાહી આપતી એક ઘટના સામે આવી છે. ફોન કરનાર મુસ્લિમ શખ્સ પર આંધળો વિશ્વાસ કરવાનું આ યુવતિને ભારે પડી ગયું હતું. લગ્ન કરવાના નામે આંબા આંબલી બતાવી આ હવસખોરે તેણીનું શારીરિક શોષણ તો કર્યુ જ હતું, આર્થિક રીતે પણ પાયમાલ કરી નાંખી ૧૯ લાખથી વધુની રકમ તેણી પાસેથી અલગ-અલગ બહાને પડાવી લીધી હતી. એટલુ જ નહિ હોટેલમાં ગયા તેના ફોટા વાયરલ કરી નાંખવાની અને પરિવારજનોને મારી નાંખવાની સતત ધમકીઓ પણ આપી હતી. છેલ્લે આજથી દસેક દિવસ પહેલા આ શખ્સે બીજી છોકરી સાથે લગ્ન કરી લઇ પોતાનો અસલી રંગ બતાવતાં બધુ ખોઇ બેસેલી યુવતિએ અંતે પોલીસનું શરણું લેતાં વિશ્વાસઘાત કરી રેપ કરનાર તેમજ પૈસા પડાવનારાને સકંજામાં લેવાયો છે.

આ બનાવમાં તાલુકા પોલીસે ભોગ બનનાર ૨૫ વર્ષિય યુવતિની ફરિયાદ પરથી ખોડિયારનગર ગોવર્ધન ચોક શેરી નં. ૧૫/૧૬ના ખુણે રહેતાં ઇમરાન હનીફભાઇ ડેલા (ઉ.વ.૨૪) નામના મુસ્લિમ શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૩૭૬, ૩૨૩, ૪૦૬, ૪૨૦, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ નોકરીના બહાને પરિચય કેળવી લગ્નની લાલચ આપી અલગ-અલગ હોટેલોમાં લઇ જઇ તેમજ શરીર સંબંધ બાંધ્યા હોય તેના ફોટા પાડી વાયરલ કરી બદનામ કરવાની ધમકી દઇ કટકે કટકે તેમજ ફાયનાન્સ મારફત રૂ. ૧૯,૧૨,૦૦૦ મેળવી લઇ પરત ન આપી તેમજ બીજી છોકરી સાથે લગ્ન કરી લઇ વિશ્વાસઘાત કરી તેમજ જો ફરિયાદ કરે તો પરિવારના સભ્યોને મારી નાંખશે તેવી ધમકી આપ્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

કઇ રીતે યુવતિ જાળમાં ફસાઇ ગઇ અને તેની કેવી હાલત થઇ તે અંગે તેણે તાલુકા પોલીસને જણાવેલી વિગતો તેના જ શબ્દોમાં જોઇએ. યુવતિએ એફઆઇઆરમાં લખાવ્યું છે કે-હું પરિવાર સાથે રહુ છું. અગાઉ હું અગાઉ ખાનગી હોસ્પિટલમાં રિસેપ્સનીસ્ટ તરીકે નોકરી કરતી હતી. જે પાંચેક મહિના પહેલા છોડી દીધી છે. ત્રણ વર્ષ પહેલા અજાણ્યા નંબર પરથી મારા ફોનમાં ફોન આવ્યો હતો અને મને પુછેલ કે તમે નોકરી શોધો છો? તમારે નોકરીની જરૂર હોય તો સારી નોકરી છે, મારી ઓફિસ બીગ બાઝાર પાસે છે. તમે રૂબરૂ આવીને મળજો. તેમ કહેતાં હું બપોરના બે વાગ્યે ત્યાં ગઇ હતી. ત્યારે એક શખ્સ સ્વીફટ કાર લઇને આવેલ અને તેનો પરિચય આપી પોતાનું નામ ઇમરાન હનીફભાઇ ડેલા જણાવ્યું હતું. તેની સ્વીફટ કારમાં બેસવાનું કહેલ અને આપણે ઓફિસે જઇ વાત કરશું તેમ કહેતાં હું બેસી ગઇ હતી. એ પછી તે ઓફિસે લઇ જવાને બદલે રાજકોટમાં અલગ-અલગ રસ્તા પર કાર ફેરવતો રહ્યો હતો. ત્રણેક કલાક આ રીતે કર્યા બાદ મારી તમામ વિગતો મેળવી લીધી હતી અને તેના બે મોબાઇલ નંબર આપ્યા હતાં.

એ પછી મને ત્રિકોણબાગ પાસે ધનરાજ હોટેલમાં લઇ ગયેલ અને ત્યાં તેના નામે રૂમ બૂક કરાવી 'હું તને પ્રેમ કરુ છું, તારી સાથે લગ્ન કરીશ' કહી ધમકી આપી હોટેલમાં મરજી વિરૂધ્ધ દૂષ્કર્મ આચર્યુ હતું. તેમજ પોલીસ ફરિયાદ કરીશ કે કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. એ પછી તે ફોનથી વાતો કરતો હતો અને મેસેજ કરતો હતો. હોસ્પિટલમાં નોકરી હોઇ ત્યાં પણ આવ-જા કરતો હતો. ત્યારબાદ અમીન માર્ગ પર ભવાની ગાર્ડનમાં આજથી એકાદ વર્ષ પહેલા મને લઇ ગયેલ અને ચાલ હોટેલમાં જવું છે તેમ કહેતાં મેં તેને તું લગ્ન કયારે કરીશ? તેમ પુછતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને મારકુટ કરી ધમકી આપી હતી કે હું તને બદનામ કરી નાંખીશ. એ પછી ઢેબ રોડ પર વેલવેટ હોટેલમાં અવાર-નવાર લઇ જઇ મરજી વિરૂધ્ધ શારીરિક સંબંધ બાંધી લીધા હતાં. ત્યારબાદ આજથી એકાદ મહિના પહેલા પણ લગ્નની લાલચ આપી  માલવીયા ચોકની ક્રોસરોડ હોટેલમાં લઇ ગયેલ. ત્યાં પણ મરજી વિરૂધ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. છેલ્લે ગત તા. ૨૦/૭૨૦ના રોજ મને જાણવા મળેલ કે ઇમરાને ૧૯/૭/૨૦ના રોજ તેના મામાની દિકરી સાથે લગ્ન કરી લીધા છે.

આ પછી તેણે મને ફોન કરી હું પોલીસ ફરિયાદ ન કરું તે માટે સમજાવવા પ્રયાસ કર્યા હતાં. છેલ્લા અઢી ત્રણ વર્ષમાં તેણે મારી પાસેથી કટકે કટકે રૂ. ૧૯,૨૦,૦૦૦ રોકડા તેમજ ફાયનાન્સમાંથી લોન સ્વરૂપે અને ચેકથી મેળવી લીધા છે. અઢી વર્ષ પહેલા તેણે ગાડી લેવી છે રૂપિયાની વ્યવસ્થા કરી દે તેમ કહેતાં મેં તેને વિશ્વાસમાં આવી બેંકમાંથી બે લાખ ઉપાડીને આપ્યા હતાં. જાન્યુઆરી-૨૦૧૮ થી ૨૦૨૦ સુધીમાં મવડી ચોકડીના મણીપુરમ ફાયનાન્સમાંથી મારા અને મમ્મીના દાગીના પર મેં તેને રૂ. ૧૪,૭૦,૦૦૦ની લોન લઇ દીધી હતી. એ પછી મારા પપ્પાના નામે મારું જોઇન્ટ એકાઉન્ટ છે તેમાંથી ૨,૪૨,૦૦૦ની પર્સનલ લોન લેવડાવી હતી. ત્રણેક મહિના પહેલા ઇમરાન પાસે કોઇ રફિક નામનો માણસ ૮ લાખ માંગતો હોઇ તેને દેવાની ઇમરાને વાત કરી મને ગુંદાવાડી ચોકમાં બોલાવી હતી. ત્યારે મેં રફિકને ઇમરાનના કહેવાથી ૮ લાખના બે ચેક આપ્યા હતાં. આમ કુલ રૂ. ૧૯,૧૨,૦૦૦ તે લઇ ગયો તો અને પાછા આપી દેશે તેમ કહ્યું હતું. પરંતુ આ રકમ પાછી આપી નહોતી અને જો પોલીસ ફરિયાદ કરીશ તો તારા આઠ લાખના બે ચેક છે તે બેંકમાં નખાવી રિટર્ન કરાવી ખોટા કેસમાં ફીટ કરાવી દઇશ તેવી ધમકી આપી હતી.

આ ઉપરાંત તેણે એવું પણ કહ્યું હતું કે હોટેલમાં ગયા ત્યારના ફોટા છે તે વાયરલ કરી સમાજમાં બદનામ કરી નાંખવાની ધમકી આપી હતી. તેમજ મારા પરિવારના સભ્યોને પણ મારી નાંખવાની ધમકી આપી હોઇ ફરિયાદ કરી નહોતી. એ પછી પરિવારજનોએ હિમ્મત આપતાં ૨૩/૭ના પોલીસ કમિશનરશ્રીને અરજી કરી હતી. જે પહેલા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં અને ત્યાંથી તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઇ હતી. તેના આધારે હવે મેં ફરિયાદ કરી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાબરીમાં પીઆઇ જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઇ એન. ડી. ડામોરે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે. આ શખ્સ કાર લે-વેંચની દલાલી સહિતના અલગ-અલગ છુટક કામ કરે છે. આ ઘટના પરથી આજના સમયમાં દરેક બહેન-દિકરીઓને ધડો લેવા જેવો છે. 

(2:58 pm IST)
  • કલર ટેલિવિઝનની આયાત ઉપર સરકારે નિયંત્રણો લાદયાનું ડીજીએફટી ના જાહેરનામામાં જણાવાયું છે. access_time 10:54 pm IST

  • કેન્દ્રની મજબૂરી: આપેલા વચન મુજબ રાજ્યોને વળતર આપી શકશે નહીં..!: નાણાં સચિવ અજય ભૂષણ પાંડેએ જાહેર કર્યું છે કે કેન્દ્ર સરકારે આપેલા વચન મુજબ રાજ્યોને ૧૪% જી.એસ.ટી. વળતર આપી શકશે નહીં access_time 11:21 pm IST

  • મુખ્યમંત્રી કેજરીવાલની દિલ્હીવાસીઓને મોટી ભેટ : ડીઝલમાં લિટરદીઠ 8 રૂપિયા 36 પૈસાનો ઘટાડો કર્યો : વેટ 30 ટકાથી ઘટાડી 16.75 ટકા કરી દેતા ડીઝલના ભાવ ઘટ્યા : કોરોના વાઇરસનો કહેર ઓછો થયા પછી હવે પ્રજાને આર્થિક રાહતો આપી બજારમાં તેજી લાવવાનો પ્રયાસ access_time 12:18 pm IST