Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

જાગરણમાં બારનું કહીને રાત્રે બે વાગ્યે પાછી આવી, ઠપકો મળતાં જાનકીએ જિંદગી ટૂંકાવી

બહેનપણી સાથે આટો મારવા ગઇ'તીઃ મુળ ગાંધીધામની ૧૬ વર્ષની સુથાર બાળા અઢી માસથી રાજકોટ સંત કબીર રોડ આર્યનગરમાં માસા-માસીના ઘરે રહેતી'તી

રાજકોટ તા. ૩૦:  ગાંધીધામની વતની અને બે-અઢી મહિનાથી સામા કાંઠે સંત કબીર રોડ પર આર્યનગરમાં માસા-માસીના ઘરે આવેલી જાનકી રમેશભાઇ પુરાણીયા (ઉ.૧૬) વર્ષની સુથાર બાળાને રાત્રે જાગરણ નિમીતે બહેનપણી સાથે આંટો મારવા ગયા બાદ બાર વાગ્યાનું કહીને બે વાગ્યે પાછી આવતાં ઠપકો મળતાં માઠુ લાગી જતાં એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ આર્યનગરમાં માસી દમુબેન મોહનભાઇ પરમારને ત્યાં રોકાવા ગાંધીધામથી આવેલી જાનકીએ મોડી રાત્રે બે વાગ્યે એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

જાનકી ત્રણ બહેન અને બે ભાઇમાં વચેટ હતી. તેના પિતા રમેશભાઇ લવજીભાઇ પુરાણીયા સુથારી કામ કરે છે. માતાનું નામ રમીલાબેન છે. માતા-પિતા તથા અન્ય પરિવારજનો ગાંધીધામ રહે છે. જાનકી રાજકોટ માસીના ઘરે રોકાઇ હતી. તે ગત રાત્રે જાગરણ હોઇ બહેનપણી સાથે આટો મારવા ગઇ હતી. બાર વાગ્યે પાછી આવી જશે તેમ કહીને ગયા બાદ છેક બે વાગ્યે આવતાં આ બાબતે ઠપકો મળતાં માઠુ લાગી ગયું હતું અને બાથરૂમમાં જઇને એસિડ પી ગઇ હતી. તેનું સારવાર દરમિયાન સવારે મોત નિપજતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

(1:51 pm IST)