Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

પોરબંદરથી ૧૪ તોલા સોનાની ઠગાઇ કરી ભાગતો ફરતો શખ્સ રાજકોટમાં પકડાયો

ક્રાઇમ બ્રાંચના કુલદીપસિંહ, જયદિપસિંહ અને પ્રદ્યુમનસિંહની બાતમી પરથી પકડી લેવાયો

રાજકોટ તા. ૩૦: પોરબંદરના બોખીરામાં વાછરા દાદાના મંદિર પાછળ મુરલીધર પાર્કમાં રહેતો હિતેષ ઉર્ફ લાલો પ્રવિણભાઇ રાણીંગા (સોની) (ઉ.૩૪) પોરબંદરથી એક વેપારીનું ૧૪ તોલા (૧૪૦ ગ્રામ) સોનુ લઇ ફરાર થઇ ગયો હતો. આ મામલે તેના વિરૂધ્ધ કિર્તીમંદિર પોલીસ મથકમાં ઠગાઇનો ગુનો ગત જાન્યુઆરી માસમાં નોંધાયો હતો. ત્યારથી ફરાર આ શખ્સ રાજકોટ સોની બજારમાં આવ્યાની બાતમી પરથી પકડી લેવાયો છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી એસ. એમ. ખત્રી, ડીસીપી વાઘેલા, ડીસીપી સૈની અને એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ બી. ટી. ગોહિલ, હેડકોન્સ. પ્રદિપસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ ઝાલા, જીજ્ઞેશભાઇ મારૂ, વિક્રમભાઇ લોખીલ, અમીનભાઇ ભલુર, જયદિપસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કુલદીપસિંહ, જયદિપસિંહ અને પ્રદ્યુમનસિંહને બાતમી મળતાં આ શખ્સને પકડી લેવાયો હતો. દેણું વધી જતાં તે વેપારીનું સોનુ લઇ ફરાર થઇ ગયો હતો. (૧૪.૧૧)

(1:50 pm IST)