Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ભચાઉના દરબાર શખ્સે રાજકોટના મહિલાની બોગસ ફેસબૂક આઇડી બનાવી બદનામ કરવાની ધમકી દઇ ખંડણી પડાવી

એક ફેસબૂક ગ્રુપમાં સામેલ હરિશ્ચંદ્રસિંહે પોતાને યુપીએસસીની તૈયારી કરતી પત્નિ માટે સાડીઓ લેવી છે તેમાં મદદ કરવાની વાતો કરી મહિલા સાથે પરિચય કેળવ્યો અને ઘર સુધી પહોંચ્યોઃ લિફટમાં ધરાર સાથે સેલ્ફી લઇ લીધી ને બ્લેક મેઇલીંગ ચાલુ કર્યુ : ૬ લાખ અને નવી સ્વીફટ કાર માંગીઃ મહિલાના પતિએ પીછો છોડવા પ૦ હજાર આપ્યા છતાં ન માન્યોઃ બોગસ આઇડી માંથી અનેકને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી દીધીઃ મહિલાએ કંટાળીને ઘેનની ટીકડીઓ પી લીધી : ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી ભચાઉના હરિશ્ચંદ્રસિંહ ઉર્ફ હરદીપસિંહ બળવંતસિંહ વાઘેલા (ઉ.૩૨)ને દબોચ્યો : સોશિયલ મિડીયાનો દુરૂપયોગ તથા મહિલા સુરક્ષા બાબતે સાંજે માહિતી અપાશેઃ સોશિયલ મિડીયામાં એકટીવ રહેતાં લોકો, ખાસ કરીને મહિલાઓ અજાણ્યા લોકો સાથે સંપર્ક કરતાં ચેતેઃ ભોગ બનનાર કોઇપણ વ્યકિત ફરિયાદ કરવા આગળ આવે પોલીસ ફરિયાદીના વિશાળ હિતમાં તેમની ઓળખ ખાનગી રાખશેઃ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ

રાજકોટ તા. ૩૦: સોશિયલ મિડીયાનો દુરૂપયોગ કરીને ઘણા લોકો ન કરવાનું કરતાં હોય છે. ભચાઉના એક દરબાર શખ્સે રાજકોટના 'રાજપૂતાના' નામના ફેસબૂક મેસેન્જર ગ્રુપમાં પોતે પણ સામેલ હોઇ આ ગ્રુપના એક મહિલા સભ્યનો સંપર્ક કરી પોતાની પત્નિ માટે રાજપૂત સમાજને શોભે તેવી સાડીઓ રાજકોટથી ખરીદવી છે, તેમાં મદદ કરવા માટે વાતો કરી મહિલાને ભોળવીને તેના ઘર સુધી પહોંચી તેમજ લિફટમાં આ મહિલા સાથે ખભે હાથ રાખી ધરાર સેલ્ફી લઇ બાદમાં આ ફોટો વાયરલ કરી દઇ બદનામ કરવાની ધમકી આપી રૂ. ૬ લાખ અને નવી સ્વીફટ કારની માંગણી કરતાં મહિલા અને તેના પતિ સહિતના સ્વજનો હેબતાઇ ગયા હતાં.  આ શખ્સે મહિલાનું બોગસ ફેસબૂક આઇડી બનાવી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવાનું શરૂ કરી દીધુ હતું. તેના ત્રાસમાંથી છુટવા તેને ૫૦ હજાર પણ અપાયા હતાં. આમ છતાં પીછો ન છોડતાં અંતે મહિલાએ ઉંઘની ટીકડીઓ પી લેતાં વાત પોલીસ સુધી પહોંચતા ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી આ શખ્સને સકંજામાં લઇ લીધો છે.

બનાવ અંગે ડીસીબી પોલીસે નાના મવા રોડ પર બાવન વર્ષના નોકરીયાત પ્રોૈઢની ફરિયાદ પરથી ભચાઉ હિમતપુરા પોલીસ લાઇન પાસે હમીરપરામાં રહેતાં હરિશ્ચંદ્રસિંહ ઉર્ફ હરદિપસિંહ બળવંતસિંહ વાઘેલા (ઉ.૩૨) સામે આઇપીસી ૩૮૬, ૫૦૬(૨), ૪૬૯, આઇટી એકટ ૬૬ સી, ૬૭ મુજબ ગુનો નોંધ્યો છે.

ફરિયાદીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે મારા પત્નિ ધોરણ-૧૦ સુધી ભણેલા છે. તા. ૫/૬ના રોજ હું નોકરીએથી ઘરે આવ્યો ત્યારે સાંજના સમયે પત્નિએ જણાવેલ કે ૧૫-૧૬ જણાનું રાજપૂતાના નામે ફેસગ્રુપ મેસેન્જરનું ગ્રુપ છે તેમાં હું પણ જોડાઇ છું.  આ ગ્રુપમાં હરિશ્ચંદ્રસિંહ બી. વાઘેલા નામનો વ્યકિત પણ છે. તેણે એક મેસેન્જરમાં વોઇસ કોલ કરીને કહેલ કે તેના પત્નિ દિલ્હીમાં યુપીએસસીની પરિક્ષાની તૈયારી કરે છે. તેના માટે રાજપૂત સમાજને શોભે તેવી સાડીઓ અને બીજી વસ્તુઓ લેવી છે. પોતે રાજકોટથી અજાણ હોઇ આ વસ્તુની ખરીદી કરવામાં મદદ કરવા જણાવતાં મારા પત્નિએ મદદ કરવાની હા પાડતાં હરિશ્ચંદ્રસિંહે પોતે રાજકોટ આવે છે અને માધાપર ચોકડીએ પોતાને તેડવા આવો તેમ કહેલ. પણ મારા પત્નિએ ના પાડી રિલાયન્સ મોલ સુધી આવી જવા અને ત્યાંથી ઘર નજીક જ હોય તેમ કહેતાં હરિશ્ચંદ્રસિંહ રાજકોટ આવેલ અને ફોન કરતાં મારા પત્નિ તેની મદદ કરવા રિલાયન્સ મોલમાં સાથે ગયા હતાં. તેણે ત્યાંથી અમુક સાડી અને સાફા ખરીદ કર્યા હતાં.

એ પછી મારા પત્નિ એ શખ્સને લઇને ઘરે આવ્યા હતાં. ત્યારે મારા માતા  નીચે ભજનમાં હોઇ તેમની પાસેથી ચાવી લઇને તે ઉપર ઘરમાં ગયા હતાં. સાથે આવેલા હરિશ્ચંદ્રસિંહને પાણી આપ્યું હતું. એ દરમિયાન મારા બા  પણ આવી ગયા હતાં. તેણે પણ હરિશ્ચંદ્રસિંહને નામ, ગામ સહિતની વિગતો પુછી હતી. એ પછી તે રવાના થયેલ અને પોતાને ગેઇટ સુધી મુકવા આવવાનું કહેતાં મારા પત્નિ તેની સાથે ગયા હતાં. લિફટમાં નીચે ઉતરતી વખતે હરિશ્ચંદ્રસિંહે મારા પત્નિા ખભે હાથ રાખી દઇ સેલ્ફી ફોટો પાડી લીધો હતો. આવો ફોટો લેવાની તેને ના પાડતાં તેણે પોતે ડીલીટ કરી નાંખશે તેમ કહ્યું હતું. અચાનક આ શખ્સે ખભે હાથ મુકી ફોટો પાડી લેતાં મારા પત્નિ ડઘાઇ ગયા હતાં.

તેણે મને તમામ વાત કરતાં મેં તેને અત્યારના જમાનામાં ગમે તેના પર ભરોસો ન કરવા સમજાવી હવે પછી તેની સાથે મેસેન્જરમાં વાત નહિ કરવા કહ્યું હતું. એ પછી તા. ૬/૬/૧૮ના રોજ મારા પત્નિનો મોબાઇલ ફોન મારી પાસે હતો ત્યારે હરિશ્ચંદ્રસિંહે ચેટીંગ શરૂ કરી અસભ્ય વાતો કરતાં મેં તે ચેટીંગનો સ્ક્રીનશોટ પાડી લીધો હતો. સામે તેને કહેલ કે તું મારી પત્નિ સાથે આવી વાતો કરવાનું બંધ કરી દેજે નહિતર માર ખાઇશ. આમ કહેતાં તેણે ઉલ્ટાની ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ એવી ધમકી આપી હતી કે તમારી પત્નિનું ફેક આઇડી બનાવી તેમાં ફોટો વાયરલ કરી દઇશ. તમારી પત્નિને આપઘાત કરવો પડે એ રીતે બદનામ કરી નાંખીશ...આમ કહી રૂ. ૬ લાખ અને નવી સ્વીફટ કારની માંગણી કરી હતી. મેં તેને આવું નહિ કરવા આજીજી કરી હતી.

એ પછી મને અમારા સગા-સંબંધી મારફત જાણ થઇ હતી કે મારા પત્નિના નામનું એક ફેક આઇડી બની ગયું છે અને તેના પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલાઇ રહી છે. મેં સગાઓને આ આઇડી ફેક ખોટુ હોઇ ફ્રેન્ડ રિકવેસ્ટ રદ કરવા જણાવ્યું હતું. એ પછી હરિશ્ચંદ્રસિંહે મને વ્હોટ્સએપ પર મેસેજ મોકલી પૈસાની માંગણી કરી ધમકીઓ આપવાનું ચાલુ કર્યુ હતું અને બાદમાં તેણે મારા પત્નિ સાથે લિફટમાં જે ધરાર સેલ્ફી લીધી હતી તેમાં એડિટીંગ કરી ફોટો ઝાંખો કરીને મને મોકલ્યો હતો અને બદનામ કરવાની ધમકી આપતાં મેં કંટાળીને તેના ત્રાસમાંથી છુટવા તેના એકાઉન્ટમાં ૨૫/૭ના રોજ રૂ. ૫૦હ જાર ટ્રાન્સફર કર્યા હતાં. આમ છતાં તેણે વધુ પૈસા માંગી હેરાન કરતાં અંતે અમે સમાજના શ્રી રાજપૂત કારીણી સેનાના આગેવાન જે. પી. જાડેજાને જાણ કરતાં તેમણે કહેલ કે આ વ્યકિતએ સમાજના અનેક બહેનોનને હેરાન કર્યા છે. તેની સામે અરજી કરવાનું કહેતાં ક્રાઇમ બ્રાંચમાં અરજી કરી હતી.

બીજી તરફ આ શખ્સના અસહ્ય ત્રાસથી કંટાળીને મારા પત્નિએ ઉંઘની વધુ પડતી ગોળીઓ પી લેતાં સારવાર માટે દાખલ કરવા પડ્યા હતાં. એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ ડી. પી. ઉનડકટ, વિજયસિંહ ઝાલા, ભરતભાઇ વનાણી, પી. ડી. ઝાલા સહિતની ટીમે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો છે અને વિશેષ પુછતાછ હાથ ધરી છે.

ઝડપાયેલો શખ્સ રીઢો ગુનેગારઃ અગાઉ પાંચ જીલ્લામાં વોન્ટેડ હતોઃ હાલમાં તડીપાર

ચોરી, લૂંટ, મારામારી સહિત ૧૪ જેટલા ગુનામાં સંડોવણી

.ભચાઉના હરિશ્ચંદ્રસિંહ ઉર્ફ હરદીપસિંહ બળવંતસિંહ વાઘેલા (ઉ.૩૨)ને શહેર ક્રાઇમ બ્રાંચે એક મહિલાને બ્લેક મેઇલ કરવાના અને ખંડણી પડાવવાના ગુનામાં પકડી લીધો છે અને તેની વિશીષ્ટ ઢબે પુછતાછ શરૂ કરી છે. આ શખ્સ રીઢો ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે. અગાઉ પાંચ જીલ્લામાં વોન્ટેડ હતો અને હાલમાં તડીપાર છે. ચોરી, લૂંટ, મારામારી સહિતના ૧૪ ગુનામાં સંડોવાઇ ચુકયો છે. તેણે ગોંડલ નજીક એક સ્વીફટ કાર ભાડે કરી બાદમાં ડ્રાઇવરને માર મારી ઉતારી મુકી કારની લૂંટ પણ કરી હતી. પોલીસને પણ હંફાવતો આ શખ્સ હવે ગંભીર ગુનામાં રાજકોટ ક્રાઇમ બ્રાંચના સકંજામાં આવ્યો છે.

આ છે નિર્દોષ મહિલાને ફસાવી બ્લેક મેઇલ કરનાર હરિશ્ચંદ્રસિંહ ઉર્ફ હરદીપસિંહ વાઘેલા

ફેસબૂક સ્ટેટ્સમાં ડાહી-ડાહી વાત લખી છે...

. ભચાઉના હરિશ્ચંદ્રસિંહ ઉર્ફ હરદીપસિંહ વાઘેલાને ક્રાઇમ બ્રાંચે બ્લેકમેઇલીંગ અને ધમકીના ગુનામાં પકડી આકરી પુછતાછ શરૂ કરી છે. તેણે પોતાના ફેસબૂક સ્ટેટસમાં ડાહી-ડાહી વાતો લખી છે. જેમાં તેણે લખ્યું છે કે, 'જ્યાં મીઠો આવકારો ન હોય ત્યાં ન જવું પછી ભલેને ત્યાં ચાંદીના ચમચા અને સોનાની થાળીમાં પીરસાતું હોય'. અનેક ગુનામાં આ શખ્સની સંડોવણી હોઇ તેની વિશેષ પુછતાછ થઇ રહી છે.

(4:22 pm IST)