Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

સમાધાનનો અંતિમ વિકલ્પ : ખાટરિયા જુથ પ્રમુખ પદ છોડવા તૈયાર, શરત એટલી જ નવા પ્રમુખ પોતાની પસંદગીના જોઇએ

જિલ્લા પંચાયતમાં 'ફજર'ની જેમ બદલાતા રાજકીય સમીકરણો

રાજકોટ, તા. ૩૦ :  જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયા ભાજપમાં જોડાયા પછી જિલ્લા પંચાયતમાં રાજકીય સમીકરણો સતત ફરતા રહ્યા છે. ભાજપના અસીમ સહકારથી કોંગ્રેસના બાગીઓએ સમિતિઓમાં કબજો જમાવ્યા બાદ ભાજપ હવે પ્રમુખ, ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્તને અગ્રતા આપવા માંગે છે. બીજી તરફ પંચાયતમાં કોઇપણ ભોગે ભાજપનો વાવટો લહેરાતો રોકવા અર્જુન ખાટરિયાએ સમાધાનના અંતિમ વિકલ્પ રૂપે પંચાયતનું પ્રમુખ પદ છોડવા સુધીની તૈયારી રાખ્યાનું જાણવા મળે છે.

 

જિલ્લા પંચાયતમાં શ્રીમતી અલ્પાબેન ખાટરિયા  પ્રમુખ બન્યા ત્યારથી સખળડખળ શરૂ થયું છે. વીસેક બાગીઓ પૈકી કેટલાકે પાર્ટી સામે નહિ પરંતુ અર્જુન ખાટરિયાની કાર્યપધ્ધતી સામે વ્યકિતગત વાંધો હોવાનું નેતાગીરીને જણાવ્યું છે.  પુર્વ પ્રમુખ નિલેશ વિરાણીએ તો સામાન્ય વર્ગના વારા વખતે બક્ષીપંચ સમાજના શ્રીમતી ખાટરિયાને પ્રમુખ બનાવાયા હોવાથી પોતાનો વિરોધ હોવાનું બેધડક જણાવેલ. જો પોતાના કારણે જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસની સત્તા જતી હોય તો તેમ થતુ રોકવા ખાટરિયાએ પ્રમુખ પદ છોડવા સુધીની તૈયારી બતાવી છે. પ્રદેશ નેતાગીરીને ધ્યાને આ ફોર્મ્યુલા મુકી દીધી છે. બીજી કોઇ રીતે સમાધાન શકય ન હોય તો પંચાયતમાં કોંગ્રેસનું શાસન ટકાવવા અલ્પાબેન પ્રમુખપદ છોડવા તૈયાર છે. શરત માત્ર એટલી જ છે કે નવા પ્રમુખ ખાટરિયા જુથની પસંદગી મુજબના હોવા જોઇએ. જિલ્લા પંચાયતનું રાજકારણ આવતા દિવસોમાં કેવો વણાંક લ્યે છે તેના તરફ સૌની નજર છે. (૪.૧૬)

(4:00 pm IST)