Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

આમાં સામાન્ય નાગરિકનો કયાં ગજ વાગે !?

કોંગ્રેસના કોર્પોરેટરને ૧૮૯૯ના વર્ષથી મકાન વેરો લાગુ કરતુ બીલ ફટકારતુ તંત્ર !!

વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઇ ડાંગરને નવુ કાર્પેટ વેરાનું ગંભીર ભૂલવાળુ બીલ અપાયું : વાંધા અરજીના નિકાલમાં ઠાગા-ઠૈયા કમિશ્નરને પુરાવા સહીત રજૂઆત

રાજકોટ, તા. ૩૦ : મ્યુ. કોર્પોરેશન દ્વારા નવી કાર્પેટ વેરા પદ્ધતિના બીલોમાં ગંભીર બેદરકારી અને ક્ષતિઓ રહી જતાં દરરોજ સેંકડો વાંધા અરજીઓના ઢગલા ટેક્ષ વિભાગમાં થઇ રહ્યા છે અને તેના નિકાલમાં તંત્ર વાહકો ઠાગા-ઠૈયા કરી રહ્યાની ફરીયાદો ઉઠી રહી છે ત્યારે ખુદ કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઇ ડાંગરને તંત્રની બેદરકારીનો કડવો અનુભવ થયો છે કેમ કે તેઓને ૧૮૯૯ની સાલથી મકાન વેરો ભરવા અંગેનું બીલ ફટકારાયું છે.

આ અંગે જાગૃતિબેને એક યાદીમાં જણાવ્યું છે કે, તેઓનું નવલનગર શેરી નં.-૬માં આવેલ મકાનના કાર્પેટ વેરાના બીલમાં આકારણીના વર્ષમાં ૧૮૯૯નું વર્ષ દર્શાવાયું છે.

આમ વેરાબીલમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે આકારણીનું સાચું વર્ષ બલમાં અમલી બનાવવા અંગે વાંધા અરજી કર્યાના અનેક દિવસ થઇ ગયા છતાં આ વાંધા અરજીનો નિકાલ થયો નથી અને વેરા બીલમાં ભૂલ થયાવત છે. બીજી તરફ કાલે ૩૧ જુલાઇએ વેરા વળતર યોજનાનો છેલ્લો દિવસ છે આથી તંત્રની ઢીલી નીતિના વાંકે વેરા વળતર યોજનાનો લાભ નહીં મળે તેવી ભીતિ છે.

આમ તંત્રના વાંકે આ પ્રકારે વેરો નહીં ભરી શકનારા નિર્દોષ નાગરિકો વગર વાંકે દંડાઇ રહ્યા છે ત્યારે આ બાબતે તાત્કાલીક યોગ્ય કરવા અને વાંધા અરજીના ઝડપી નિકાલ માટે વેરા વળતર યોજનાની મુદ્દત લંબાવવા માટે મ્યુ. કમિશ્નરશ્રીને પત્ર પાઠવી રજૂઆત કરાઇ છે તેમ યાદીના અંતે જાગૃતિબેને જણાવ્યું છે. (૮.૧૭)

(3:59 pm IST)