Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

પરા પીપળીયામાં એઇમ્સ કેન્દ્રએ કલેકટર પાસે ૬ મુદ્દા અંગે તાકીદે વિગતો મંગાવી

૪૦૦ એકર જગ્યામાં હોસ્પીટલ બની શકેઃ માનવ રહિત ફાટક ઉપર પુલ બનશે : હાઇવે-ટ્રાફીક-ટ્રાન્સપોર્ટેશન સુવિધા-હાઇવેથી અને અન્ય જીલ્લાનું અંતર અંગે વિગતો મંગાઇ

રાજકોટ, તા., ૩૦: રાજકોટને એઇમ્સ માટે માર્ગ મોકળો થઇ ગયો છે. ટુંકા સમયમાં જ મહત્વની જાહેરાત થવાની શકયતા છે.

કલેકટર કચેરીના સુત્રોના ઉમેર્યા પ્રમાણે પરા પીપળીયા અને ખીરસરા એમ બન્ને સ્થળની જમીન જોવાઇ છે. એમાં પરા પીપળીયા ઉપર હાલ કેન્દ્ર સરકારે આગળ વધવાનું નક્કી કર્યુ હોય તેમ શુક્રવારે સાંજે કલેકટર ઉપર કેન્દ્રમાંથી તાકીદનો મેઇલ આવ્યો હતો અને જામનગર રોડ ઉપર પરા પીપળીયા પાસે ૪૦૦ એકર જમીન ઉપર રાજકોટ-સૌરાષ્ટ્ર-કચ્છ માટે આશીર્વાદરૂપ એવી એઇમ્સ હોસ્પીટલનું નિર્માણ અંગે અર્ધો ડઝન મુદ્દા અંગે વિગતો મંગાવી છે.

આ વિગતોમાં હાઇવેથી હોસ્પીટલ જયાં બને તેનું અંતર, ટ્રાફીક કેવો, ટ્રાન્સપોર્ટેશન સુવિધા, હોસ્પીટલથી અન્ય જીલ્લાનું અંતર, સૌરાષ્ટ્રમાં કયા પ્રકારના રોગો વધુ અને કયા રોગમાં મેજર દર્દી, અન્ય આરોગ્ય સુવિધા સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

આ હોસ્પીટલમાં અંતરાયરૂપ એક માનવ રહીત રેલ્વેનું ફાટક છે. જેની ઉપર પુલ બનાવવા અંગે અગાઉ એસ્ટીમેટ કઢાયું ત્યારે ૭૦ કરોડ જેવો ખર્ચ ઉપસ્યો હતો. જેમાં રેલ્વે ૪પ કરોડથી વધુ આપવા તૈયાર છે. બાકીના ગુજરાતનું આર એન્ડ બી ડીપાર્ટમેન્ટ ભોગવશે.

કેન્દ્ર સરકારે વિગતો મંગાવતા, નવા એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ ૬ મુદ્દા અંગે સંબંધીત અધિકારીઓ પાસેથી સંપુર્ણ વિગતો સાથેની ફાઇલો મંગાવી છે.

(7:31 pm IST)