Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

અમિનમાર્ગ ફૂડ કોર્નર વાર્ષિક ૨૦ લાખમાં ભાડે આપવા કોર્પોરેશનનું વધુ એક ટેન્‍ડર

પહેલી વખતના ટેન્‍ડરમાં કોઇ ન આવ્‍યુ, શરતો હળવી કરતા બીજી વખત માત્ર એક પાર્ટીને રસ પડયોઃ હવે ત્રીજી વખત ટેન્‍ડર બહાર પડયાઃ મુદ્દતમાં તા.૨૨ જુલાઇ સુધીનો વધારો

રાજકોટ , તા .૩૦:  મ્‍યુનિ . કોર્પોરેશન દ્વારા ૧૫૦ ફુટ રીંગ રોડ ટચ અને અમીન માર્ગના ખૂણે બનાવવામાં આવેલા ફૂડ કોર્ટ માટે કોઇ લેવાલ થતું ન હોય વધુ ફરી એક વખત તંત્રએ ટેન્‍ડરની મુદતમાં ૨૨ જુલાઇ સુધીનો વધારો કરવો પડયો છે.
શહેરીજનોને હાઇજેનિક અને ગુણવત્તાયુકત ફૂડ મળી રહે તે માટે અમદાવાદ પ્રકારના ફૂડ કોર્ટનું નિર્માણ અમીન માર્ગ જંકશન ખાતે કરવામાં આવ્‍યું છે. અગાઉ આ માટે ટેન્‍ડર બહાર પાડવામાં આવ્‍યા હતા પરંતુ ભારે અને મોંઘી શરતોના કારણે પૂરી ઓફર આવતી ન હતી. વેપારીઓએ ઘણા સૂચનો પણ કર્યા હતા. આથી છેલ્લે રી - ટેન્‍ડર કરાયા હતા . સીટીંગ વ્‍યવસ્‍થા સહિતના સૂચનો વચ્‍ચે પણ હજુ ફૂડના ધંધાર્થીઓને બહુ રસ પડતો ન હોય તેવું લાગતા છેલ્લી તા.૩૦ મે ને બદલે હવે તા.૧૩ જુન કરવામાં આવી હતી. જેમાં એક જ પેઢીનું ટેન્‍ડર આવતા મનપા તંત્ર દ્વારા નીયમ મુજબ ફરી ત્રીજી વખત રી-ટેન્‍ડર કરવામાં આવ્‍યુ છે.જેની છેલ્લી તા.૨૨ જુલાઇ છે.
અત્રે નોંધનીય છે કે, અગાઉ ૭ વર્ષનું ટર્નઓવર ૯૧.૫૮ લાખ રાખવામાં આવ્‍યું હતું જે હવે રૂા.૫૦ લાખ નકકી કરાયું છે . ભાવ ભરનાર ધંધાર્થીને અનુભવ પાંચ વર્ષનો કરવામાં આવ્‍યો છે. દર વર્ષે ૧૦ ટકાનો ભાવ વધારો આપવાની શરત હતી પરંતુ હવે બીજા વર્ષે ૫ ટકા અને ત્રીજા વર્ષથી ૧૦ ટકાનો વધારો નકકી કરાયો છે. ૯૦ દિવસનો ઈરકેશન પીરીયડ અપાયો છે. આ ઉપરાંત શેડ બનાવવાની કોઇ મંજૂરી ન હતી. હવે ધંધાર્થી આ જગ્‍યાએ સ્‍વખર્ચે શાખાની મંજૂરી મેળવી જરૂરી બાંધકામ કરી શકશે તેવું જણાવાયું છે.

 

(3:52 pm IST)