Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

દિલમાં પ્રેમ અને દયાભાવ રાખો એજ પૈગમ્બર સાહેબનો સંદેશ : હાજી હાફીઝ અકરમબાપુ

સદર જુમ્મા મસ્જિદના પેશ ઇમામ સાહેબ હજયાત્રાએ નિકળતા શુભેચ્છાઓ વર્ષી

રાજકોટ તા. ૩૦ : સદર જુમ્મા મસ્જિદ ખાતે છેલ્લા ૧૫ વર્ષથી સેવા આપી રહેલ હાજી હાફીઝ અકરમબાપુ પેશ ઇમામ સાહેબ હજયાત્રાએ નિકળી રહ્યા હોય તેઓને ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

દરમિયાન આજે 'અકિલા' ખાતે મુલાકાત લઇ દુવા ફરમાવી હતી. ફુલહાર કરી તેઓનું સ્વાગત કરાયુ હતુ.

આ સમયે તેઓએ જણાવ્યુ હતુ કે હું દેશપ્રેમ અને માનવતામાં વિશ્વાસ કરૃ છુ. પૈગમ્બર સાહેબ દયા અને રહેમતના સાગર બનીને દુનિયામાં આવ્યા હતા અને તેમણે પણ આજ સંદેશો આપ્યો છે. દેશમાં અમન-એકતા-શાંતિ બની રહે તે માટે હું હજના સ્થળે પણ દુવાઓ કરીશ.

તેઓએ જણાવ્યુ હતુ કે આજે કેટલાક લોકો ગેરમાર્ગે છે. અન્યાય થયો હોય તો વિરોધ કરવાનો સૌને હકક છે. પરંતુ વિરોધનો પ્રકાર પણ ન્યાયી હોવો જોઇએ. દેશને નુકશાન કરીને કે કોઇને દીલ દુભાવીને તમે તમારો ન્યાય માંગવા નિકળો તે અયોગ્ય છે. બાકી પ્રશાસન તેનું કામ કરે જ છે. સાચી પધ્ધતિથી રજુઆત કરો તો તમારો અવાજ જરૃર સાંભળવામાં આવે અને ન્યાય પણ મળે.

અહીં ઉલ્લેખનીય છે કે હાજી હાફીઝ અકરમબાપુ કોમી એકતાની મીશાલ બની રહ્યા છે. હિન્દુ મુસ્લિમોના તહેવારોમાં શાંતિ સમિતિની બેઠકમાં તેઓને અચુક આમંત્રણ હોય છે. ત્યાં પણ તેઓ આજ  સંદેશો આપે છે. ઉપરાંત દર શુક્રવારે જુમ્માના દિવસે તેમજ બન્ને ઇદના દિવસે પણ ઇદગાહના મેદાનમાંથી દેશપ્રેમ, ભાઇચારો, માનવતાનો સંદેશો પ્રસરાવે છે.

તસ્વીરમાં હજ પઢવા જઇ રહેલ સદર જુમ્મા મસ્જીદના પેશ ઇમામ હાજી હાફીઝ અકરમબાપુને ફુલહાર કરી શુભેચ્છા પાઠવતા અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને બાજુમાં સદર જુમ્મા મસ્જિદના ઉપપ્રમુખ હબીબભાઇ ગનીબાપુ કટારીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:01 pm IST)