Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

અમે બબ્બે રૃપિયામાં ફિલ્મો જોતાં...વડિલોની વાતોનો પુરાવો આપતી ફિલ્મી ટિકીટોનો રોચક ભુતકાળ તાદ્રશ્ય

૧૯૬૦માં રિલીઝ થયેલી મુગલ-એ-આઝમની ટિકીટનો દર રૃા.૨, ૧૯૭૩માં આવેલી જુગ્નુના અને ૧૯૭૫માં રાજકોટ ગેલેકસીમાં રિલીઝ થયેલી દિવારના રૃા.૩, એ વર્ષે જ આવેલી પ્રતિજ્ઞાના રૃા. ૩.૩૦...સમય બદલાતો ગયો તેમ ભાવ વધતા ગયાઃ આજના સમયમાં પોપકોર્ન પાણીના જ રૃા. ૧૦૦ થઇ જાય...ટિકીટના દર ૩૫૦ સુધી : ઇન્ટરનેટના યુગમાં ડિજીટલ પ્લેટફોર્મનું ચલણ વધતાં સિનેમાઘરો પર થઇ છે ઘેરી અસરઃ રાજકોટમાં બંધ થઇ ગયા છે ઘણા સિનેમાઘરો

રાજકોટ તા. ૩૦: અબાલ વૃધ્ધ સોૈ કોઇ હિન્દી સહિતની ભાષાની ફિલ્મોના ચાહકો હોય છે. એક સમય હતો જ્યારે સિનેમાઘરોમાં ફિલ્મ જોવા માટે લોકો અધીરા બની જતાં હતાં. સારી ફિલ્મો હોય ત્યારે તેની ટિકીટ મેળવવા કલાકો સુધી એડવાન્સ બૂકીંગની લાઇનમાં ઉભા રહેવું પડતું હતું. ઘણીવાર તો અઠવાડીયા અગાઉ બૂકીંગ થતાં હતાં. સાઉથમાં આજે પણ અમુક સુપરસ્ટારની ફિલ્મો માટે ત્યાંના ચાહકો આ રીતે અઠવાડીયા-પખવાડીયા પહેલા ટિકીટ મેળવી લેવા કતારો લગાવતાં હોય છે. જો કે આજના દિવસોમાં સિનેમાઘરમાં ફિલ્મ જોવા જવું હોય તો એક ટિકીટના ઓછામાં ઓછા સો રૃપિયાથી માંડી સાડા ત્રણસો કે તેથીવધુ રૃપિયા ખર્ચવા પડે છે. પાણી-પોપકોર્ન કે બીજી વસ્તુઓના જ બસ્સો અઢીસો થઇ જતાં હોય છે. જુના જમાનાના ઘણા વડિલો સિનેમા ટિકીટના આવા ભાવ સાંભળી ચોંકી જતાં હોય છે. વડિલો ઘણીવાર કહેતાં હોય છે કે અમારા જમાનામાં અમે બબ્બે રૃપિયામાં ફિલ્મ જોતાં હતાં. ત્યારે આજની પેઢીને આ વાત નવી લાગતી હોય છે. પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયેલી જુના જમાનાની ફિલ્મી ટિકીટો વડિલોની આવી વાતોનો પુરાવો આપી રહી છે.

આજના યુગમાં જો કે ડિજીટલ પ્લેટફોર્મનું ચલણ જે રીતે વધ્યું છે એના કારણે સિંગલ સ્ક્રીન સિનેમાને ઘણો માર પડ્યો હોવાનું બોલીવૂડ જગત આડકતરી રીતે સ્વીકારી રહ્યું છે. રાજકોટ શહેરમાં પણ અમુક સિંગલ સ્ક્રિન સિનેમાઘરો કોઇ ને કોઇ કારણોસર બંધ કરી દેવામાં આવ્યા છે. રાજકોટમાં ગેલેકસી, એસ્ટ્રોન, ધરમ સિનેમા, રાજેશ્રી, આમ્રપાલી, ગિરનાર, શ્રીરાજ, હરિશ્ચંદ્ર, પ્રહલાદ, શ્રીકૃષ્ણ, એનેકસી, ગેસ્ફોર્ડ સહિતના સિંગલ સ્ક્રીન સિનેમાઘરો સતત લગભગ બધા શોમાં દર્શકોથી ભર્યા ભર્યા રહેતાં હતાં. પરંતુ હાલમાં આમાંથી માત્ર ગેલેકસી, ધરમ સિનેમા (હાલમાં મલ્ટી પ્લેકસમાં તબદીલ), રાજશ્રી જ ચાલુ છે. બાકીના સિનેમાઘરો ઇતિહાસ બની ગયા છે. અમુક તો પાડી નખાયા છે અને એ જગ્યાએ વિશાલ મોલ ઉભા કરી દેવાયા છે. આંગળીના ટેરવે આજે કોઇપણ ફિલ્મ મોબાઇલ સ્ક્રીન પર નિહાળી શકાય છે. રિલીઝ થતાંની સાથે જ પાયરેટેડ ફિલ્મ મોબાઇલ ફોનમાં ફરતી થઇ જાય છે. આમ છતાં એક વર્ગ એવો પણ છે જે સિનેમાઘરોમાં જ ફિલ્મો નિહાળવાનું ઇચ્છતો હોય છે. તેના માટે શહેરમાં આંગળીના વેઢે ગણાય એટલા જ સિંગલ સ્ક્રિન સિનેમા ઘરે છે. બાકીના મલ્ટીપ્લેકસ ઉપલબ્ધ છે.

સોશિયલ મિડીયામાં આમ તો સતત અલગ અલગ તમામ પ્રકારના મેસેજ, વિડીયો, તસ્વીરો, જોકસ, ઉપદેશાત્મક સંદેશા, કવિતાઓ, શાયરીઓનો ખજાનો ભરપુર માત્રામાં અવિરત વહેતો રહેતો હોય છે. જેમાં ઘણો ઉપયોગી હોય છે તો ઘણોખરો કચરો પણ હોય છે. હાલમાં જુના જમાનાની સિનેમા ટિકીટો આ માધ્યમમાં વહેતી થઇ છે. હનુમાન મઢી પાસે ગુરૃકૃપા પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામે વેપાર કરતાં અટીકાના રહેવાસી અશોકભાઇ જી. સરવૈયાને આવી ટિકીટો વ્હોટ્સએપથી મળી હતી.

જુના જમાનાની આ ટિકીટોમાં ૧૯૬૦માં આવેલી એ જમાનાની સુપરહિટ ફિલ્મ મુગલ-એ-આઝમની ટિકીટનો દર રૃા.૨:૦૦ છાપેલો છે અને મરાઠા મંદિરની એ ટિકીટ છે. ૧૯૭૨માં આવેલી ફિલ્મ પાકિઝાના ટિકીટ દર રૃા. ૩, ૧૯૭૩માં આવેલી જુગ્નુ અને૧૯૭૫માં આવેલી દિવારના ભાવ પણ રૃા. ૩ લખેલા છે. એ વર્ષમાં આવેલી ધર્મેન્દ્રની ફિલ્મ પ્રતિજ્ઞાનો ટિકીટ દર રૃા. ૩.૩૦ જોવા મળે છે. ૧૯૭૭માં આવેલી ધરમવીર અને ૧૯૮૦માં આવેલી કુરબાની ફિલ્મની ટિકીટના ભાવ રૃા. ૪.૪૦ પૈસા હતાં. ૭૮માં આવેલી મુકદ્દર કા સિકંદરના રૃા. ૫:૫૦ પૈસા અને ૧૯૮૦માં આવેલી ધ બર્નીંગ ટ્રેન અને ૧૯૮૨માં આવેલી શકિતના રૃા. ૭ ભાવ હતા. ૧૯૮૧માં આવેલી ક્રાંતિ અને લાવારીસ ફિલ્મના ટિકીટ દર રૃા. ૬ હતાં. ૧૯૮૩માં આવેલી મજદૂર ફિલ્મ એ વખતે લોકોએ ૬ રૃપિયાની ટિકીટ લઇ નિહાળી હતી. આવી અનેક ટિકીટો અને બીજુ સાહિત્ય આમ તો ગૂગલ પર પણ ઉપલબ્ધ હોય છે. પણ હાલમાં વ્હોટ્સએપમાં આવી ટિકીટો વહેતી થઇ છે.

સોશિયલ મિડીયાના ચલણના હાલના સમયમાંં જો આ માધ્યમનો સદ્દઉપયોગ થાય તો જુના જમાનાનું કંઇપણ નિહાળી, માણીને વડિલો તો ખુશ થતાં જ હોય છે યુવા પેઢી પણ જુના જમાનામાં શું શું હતું એ જાણી અને માણી શકતી હોય છે. ૬૦ થી૮૦ના દસકની આ ટિકીટો જોઇ શકાય છે. (૧૪.૭)                      -(આલેખન-ભાવેશ કુકડીયા)

(12:11 pm IST)