Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

પત્નિના પ્રેમીની હત્યા બાદ હુશેન બાઇક પર ભુજ પહોંચી બગીચામાં બેઠો ત્યાં જ રાજકોટ એસઓજીએ દબોચ્યો

રેસકોર્ષમાં ચકરડી ફેરવતાં હુશેનના અગાઉ પત્નિ નેન્સી સાથે તલ્લાક થયા હતાં : મદદગારી કરનાર પિત્રાઇ નુરો ઉર્ફ નુરમહમદ પણ સકંજામાં: રિમાન્ડ મેળવવા તજવીજ : હુશેને કહ્યું-અગાઉ પણ અખ્તરને સમજાવ્યો હતો છતાં મારી પત્નિનો પીછો ન છોડતો હોઇ ડખ્ખો થયો : દિગ્વીજયસિંહ ગોહિલ, ફિરોઝભાઇ રાઠોડ અને હાર્દિકસિંહ પરમારની બાતમી પરથી પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ ડી. બી. ખેર અને ટીમની કામગીરીઃ વિશેષ તપાસ માટે યુનિવર્સિટી પોલીસ રિમાન્ડની માંગણી કરશે

રાજકોટ તા. ૩૦: શહેરના ગાંધીગ્રામમાં નાણાવટી ચોક આવાસ યોજના કવાર્ટરમાં નાનીમા સાથે રહેતાં ૨૦ વર્ષના યુવાન અખ્તર હુશેનભાઇ પાયકને છરીના ૧૧ ઘા ઝીંકી ક્રુર હત્યા કરી ભાગી ગયેલા તેના જ પડોશી હુશેન ઇબ્રાહીમભાઇ દલવાણી (ઉ.૩૧)ને શહેર એસઓજીની ટીમે કચ્છના ભુજ ખાતેથી બગીચામાંથી પકડી લઇ યુનિવર્સિટી પોલીસને સોંપ્યો છે. હુશેનને મદદ કરનાર તેના  પિત્રાઇ ભાઇ નુરો ઉર્ફ નુરમહમદ કાસમભાઇ દલવાણીને પણ સકંજામાં લઇ લેવાયો છે. હુશેને રટણ કર્યુ હતું કે અગાઉ પણ અખ્તરને મારી પત્નિનો પીછો છોડી દેવા સમજાવ્યો હતો પણ તે ન સમજતો હોઇ અને ફરીવાર બંને સાથે બેઠા હોવાની ખબર પડતાં મને ગુસ્સો આવતાં ઘા ઝીંકી દીધા હતાં.

હત્યાની ઘટના બાદ આરોપી હુશેન તેના કાકાના દિકરા નુરમહમદ ઉર્ફ નુરા સાથે પલ્સર બાઇક લઇને નીકળી ગયાની બાતમી એસઓજીના પીએસઆઇ ડી. બી. ખેર તથા હેડકોન્સ. દિગ્વીજયસિંહ ગોહિલ, ફિરોઝભાઇ રાઠોડ અને હાર્દિકસિંહ પરમારને મળતાં તેનુ પગેરૃ દબાવવાનું ચાલુ કર્યુ હતું. મોબાઇલ નંબર પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા હતાં. લોકેશન મોરબી તરફનું મળતાં મોરબી સીટી એ-ડિવીઝન પોલીસની મદદ લેવામાં આવી હતી. છેલ્લે હુશેનને ભુજના બસ સ્ટેશન પાસેના બગીચામાંથી દબોચી લેવાયો હતો.

હુશેન અને નુરો હત્યા બાદ બાઇક પર ભગવતીપરામાં ગયા હતાં અને મિત્ર પાસેથી રૃા. ૨૦૦૦ ઉછીના લઇ મોરબી ગયા હતાં. ત્યાં સગાએ આશરો ન આપતાં કચ્છ ભુજ તરફ ભાગ્યા હતાં. ભુજ પહોંચતા જ તેને દબોચી લેવાયા હતાં. પ્રાથમિક પુછતાછમાં હુશેને કબુલ્યું હતું કે અખ્તરને અગાઉ મારી પત્નિ સાથે નહિ બોલવા સમજાવ્યો હતો. આમ છતાં તે માનતો ન હોઇ ઘા ઝીંકી દીધા હતાં.

હુશેનના મામા જંકશન પ્લોટ પરસાણાનગરમાં રહે છે. નેન્સી પણ ત્યાં જ રહેતી હોઇ હુશેન મામાના ઘરે આવતો જતો હોવાથી બંને વચ્ચે બાર વર્ષ પહેલા પ્રેમ થતાં લગ્ન કર્યા હતાં. એ પછી એક વખત તલ્લાક થઇ ગયા હતાં અને સમાધાન બાદ ફરીથી સાથે રહેવા માંડ્યા હતાં. હુશેન રેસકોર્ષમાં ચકરડી રાખી કામ કરે છે. પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ ડી. બી. ખેર, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. ફિરોઝભાઇ રાઠોડ, ઇન્દ્રસિંહ જાડેજા, અજયભાઇ ચોૈહાણ, દિગ્વીજયસિંહ જાડેજા અને કોન્સ. હાર્દિકસિંહ પરમારે આ કામગીરી કરી હતી. યુનિવર્સિટી પીઆઇએ. બી. જાડેજા, પીએસઆઇ એ. બી. જાડેજા, રાજેશભાઇ, ગિરીરાજસિંહ, લક્ષમણભાઇ સહિતે આરોપીઓની વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

(12:07 pm IST)