Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

માખન ચુરાકર જીસને ખાયા, બંસી બજાકર જીસને નચાયા, ખુશી મનાઓ ઉનકે જન્મદિન કી, જીન્હોને દુનિયા કો પ્રેમ કા રાસ્તા દિખાયા

જન્માષ્ટમીની શોભાયાત્રા વિશે અનિશ્ચિતતાઃ 'પ્રતીકાત્મક' ઉજવણી થશે

અનલોક-રની જોગવાઇઓ જાહેર થતા શોભાયાત્રા યોજી શકવાની સંભાવના નહિ છતાં ઓગષ્ટમાં કોરોનાની સ્થિતિ સારી થવાની આશાથી વિહિપ મંજુરી માંગશે : પરાંપરાગત ભવ્ય ઉજવણીના બદલે ઓનલાઇન સ્પર્ધા અને સોશ્યલ ડીસ્ટન્સ જળવાઇ રહે તે રીતે કાર્યક્રમ યોજવાની વિચારણા : ઉજવણીનું સ્વરૂપ નક્કી કરવા આજે રાત્રે બેઠક : બેનર-હોર્ડીંગ્ઝ ઘરે-ઘરે ઝંડી લગાવાશે

રાજકોટ, તા. ૩૦ :. સમગ્ર શહેરને કૃષ્ણ રંગે રંગતી જન્માષ્ટમીની પરંપરાગત શોભાયાત્રા આ વખતે નિકળવા વિશે અનિશ્ચિતતા છે. તા. ૧૨ ઓગષ્ટે જન્માષ્ટમી છે. સામાન્ય રીતે દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા દોઢેક મહિનો અગાઉ જન્માષ્ટમીની ઉજવણીની તૈયારી શરૂ થઈ જતી હોય છે. આ વર્ષે કોરોનાના કારણે પરિસ્થિતિ બદલાય ગઈ હોવાથી વિહિપ દ્વારા શોભાયાત્રા નીકળી શકે તેવી સંભાવના ઓછી છે તેથી પરંપરાગત ભવ્ય ઉજવણીના બદલે સોશ્યલ ડીસ્ટન્સ જળવાઈ રહે તે રીતે પ્રતિકાત્મક ઉજવણી કરવાનું વિચારાઈ રહ્યુ છે. ઉજવણીનું સ્વરૂપ નક્કી કરવા આજે રાત્રે અથવા એક બે દિવસમાં મહોત્સવ સમિતિના અગ્રણીઓની બેઠક મળનાર છે.

કેન્દ્ર સરકારે તા. ૧ જુલાઈથી ૩૧ જુલાઈ સુધીની અનલોક-૦.૨-ની ગાઈડ લાઈન જાહેર કરી દીધી છે. જેમાં ધાર્મિક-સામાજિક વગેરે પ્રસંગોની ઉજવણીની છૂટ અપાયેલ નથી. જન્માષ્ટમીની શોભાયાત્રામાં અને તે પૂર્વેના કાર્યક્રમોમાં સેંકડો લોકો જોડાતા હોય છે. આટલા મોટા સમુહમાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવવુ અતિ કપરૂ છે. શોભાયાત્રા યોજી શકાય તેવા અત્યારના સંજોગો નથી છતા ઓગષ્ટમાં કોરોના કાબુમાં આવશે તેવી આશા રાખીને પરિષદ દ્વારા જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રા યોજવા માટે મંજુરી માંગવાનુ વિચારાઈ રહ્યુ છે. જો ભવ્ય શોભાયાત્રા યોજી ન શકાય તો કોઈપણ એક સ્થળે મર્યાદીત જગ્યામાં શોભાયાત્રાનો મુખ્ય રથ ફેરવવા માટેનો વિચાર થશે.

ઉપરાંત જન્માષ્ટમી પૂર્વે યોજાતા ઈનામ વિતરણ, તાવા પ્રસાદ, ગોપી-કિશન સ્પર્ધા વગેરેના બદલે ઓનલાઈન કાર્યક્રમો યોજવાનો વિચાર થશે. ગયા વર્ષે પ્રથમ વખત જન્માષ્ટમીની ઉજવણીના વિષય આધારીત સૂત્ર સ્પર્ધા યોજવામાં આવેલ. આ વખતે પણ પરિષદ આ પ્રકારની સ્પર્ધાઓ યોજવા માંગે છે. સમય અને પ્રસંગને અનુરૂપ વિષય વસ્તુ નક્કી કરી તેના હોર્ડીંગ્સ, બેનર, પત્રિકા વગેરે વિતરણ કરવામાં આવશે. સામુહિક ઉજવણી ન થઈ શકે તો ઘરે ઘરે જઈને કૃષ્ણ પ્રેમ વ્યકત કરવા માટેનું આયોજન વિચારાશે. લતા સુશોભન યથાવત રાખવાનો મત છે. જન્માષ્ટમીની ઉજવણી સાથે કોરોના જેવી મહામારી સામે લોકજાગૃતિ વધે તેવા પ્રયત્નો કરવામાં આવશે. ભવિષ્યમાં સરકારની નવી ગાઈડ લાઈન મુજબ છુટછાટ આપવામાં આવે તો ઉજવણીના આયોજનમાં તેને અનુરૂપ ફેરફાર કરવામાં આવશે. હાલ તૂર્ત તો જન્માષ્ટમીની શોભાયાત્રા વિશે અનિશ્ચિતતા છે.

(3:09 pm IST)