Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ગાંધીયુગ પૂર્વેના સોરઠના સમૃધ્ધ સાહિત્યકાર અમૃતલાલ પઢીયારનો ગુરૂવારે ૧૦૧ મો નિર્વાણદિન

રાજકોટ : ગાંધીયુગ પૂર્વેના ઇ.સ.૧૮૭૦- ૧૯૧૯ ના લેખક અમૃતલાલ પઢીયાર સોરઠમાં અલ્પ શિક્ષિતોને ધર્મ વિષયક માહિતિ પુરી પાડતા હતા. કવિ નાનાલાલે અમૃતલાલ પઢિયારને 'સૌરાષ્ટ્રના સાધુ' તરીકે ઉપમા આપી હતી. અમૃતલાલ પઢિયારનો જન્મ ૩ એપ્રિલ ૧૮૭૦ ચોરવાડ શહેરમાં થયેલો. પ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. કિશોર અવસ્થામાં થોડો સમય મુંબઇ રહી ફરી વતન આવી ગયા હતા. તેઓ અવિવાહિત હતા અને જીવનભર બ્રહ્મચર્ય પાળી સાધુ જીવન જીવ્યા.

ચોરવાડમાં અરજીઓના લેખન કાર્ય સાથે સ્વરોજગારી ચાલુ કરી. ફરી રોજગારી માટે મુંબઇ ગયા. શેઠ લક્ષ્મીદાસ ખીમજીને ત્યાં નોકરીમાં લાગી ગયા. સમયાંતરે મુંબઇમાં જાદવજી મહારાજના સંપર્કમાં આવતા નોકરી છોડી સત્સંગ અને ધાર્મિક લેખો લખવાના કાર્યોમાં પરોવાયા. નબળા વર્ગ અને બિમાર માણસો પ્રત્યે સંવેદનાને કારણે દેશી વૈદુ કરતા. આમ વૈદ્યરાજ તરીકે પણ નામના મેળવી.

તેમણે સ્વર્ગની શ્રેણી તળે નવ પુસ્તક સંગ્રહો આપ્યા. અમૃત વચનો, પ્રેમ, પ્રેમ અને પ્રેમ, દુઃખનો દિલાસો શીર્ષકો તળે પ્રેરણાત્મક લેખો આપ્યા. સમાજ સુધારણા વિષે પુસતકો લખ્યા. જેમાનું પહેલું પુસ્તક વિમાન (૧૯૦૨) અને છેલ્લુ પુસ્તક અત્યંજ સ્ત્રોત (૧૯૧૮) હતુ.

રાજારામ મોહનરાયની પરંપરાને અનુસરતા અમૃતલાલ પઢીયાર સામાજીક રૂઢીઓ સામે બળવો અને સામાજીક પરિવર્તનને પ્રેરતા લેખન કાર્યો કરતા રહ્   યા. ૪૯ અર્ધ આયુષ્યે સ્વર્ગભુતહિતરત આત્મા સ્વર્ગની કેડીએ સીધાવ્યા.

તેમના વિદ્યાપીપાસાના કારણે ઇ.સ.૧૯૧૨ ચોરવાડ ખાતે લાયબ્રેરી ઉભી કરેલ. જે આજે શહેરમાં એકમાત્ર લાયબ્રેરી આવેલ છે. પરંતુ સ્થિતિ સારી નથી. પૂનઃ નિર્માણ સાથે આધુનિકતા રાહ જોઇ રહી છે.

- ડી. જી. ધોલિયા,

નિવૃત્ત બેંક મેનેજર, સુરત. મો.૯૪૦૮૦ ૬૨૨૫૬

(3:05 pm IST)