Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ચીની એપ પર પ્રતિબંધ લાદીને ભારતે શકિતનો પરચો બતાવ્યો : રાજુભાઈ ધ્રુવ

ચીનની બજાર તુટશે અને સામે ભારતીય ડેવલપર્સ સ્વદેશી એપ બનાવવા ઉત્સાહીત થશે

રાજકોટ તા. ૩૦ : ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે ૫૦ થી વધુ ચીની મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનાં પગલાંને ભારતની કૂટનીતિનું એક નવું પાસું ગણાવતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું કે, આ પ્રતિબંધથી ભારતને થોડું પણ નુકસાન થવાનું નથી પરંતુ ચીનના ટ્રેડર્સના હિતોને ચોકસથી નુકસાન પહોંચશે.

 આ નિર્ણય ચીની વેપારીઓ અને ચીન માટે ભારતની તરફથી એક અગત્યનો સંદેશ છે કે ભારતની સેના જેમ જ ભારતની સરકાર પણ હવે એટલી મજબૂત અને શકિતશાળી બની ગઈ છે કે દરેક મોરચે તેમના પ્રતિસ્પર્ધીઓને જડબેસલાક જવાબ આપવા સક્ષમ છે.

જયારે ઇન્ડિયન યુઝર્સ અચાનક ચીની એપ્લિકેશનોનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે તો તેમની આવકમાં ખાસ્સી એવી નુકસાની થશે. મોટાભાગની એપ્લિકેશનની કમાણી માટે યુઝર્સને વચ્ચે-વચ્ચે જાહેરાતો દેખાડે છે. જો મોટો યુઝરબેઝ જ ગાયબ થઇ જાય તો જાહેરાતમાંથી આવતી આવકને ફટકો પડશે આમ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ડિજીટલ સ્ટ્રાઈકથી ચીનને ખૂબ મોટું આર્થિક નુકસાન થશે.

બીજું આ પ્રતિબંધને કારણે ઘણા ભારતીય ડેવલપર્સ એપ્સ બનાવવા માટે ઉત્સાહિત થશે. કેટલાંયે તો પોતાની એપ્સમાં 'મેક ઇન ઇન્ડિયા' લખવાનું પણ શરૂ કરી દીધું છે. એ રીતે જોવા જઈએ તો ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાનો પ્રધાનમંત્રી મોદીજીનો નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ અને ફાયદાકારક છે. દેશ ની એકતા,અખંડિતતા અને સાર્વભૌમત્વ ના રક્ષણ માટે ઐતિહાસિક અને અભૂતપૂર્વ પગલું ભર્યું હોવાનુંં રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છેં.

(3:03 pm IST)