Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે સિવિલની કોવિડ-૧૯માં વધુ ૫૦ બેડની વ્યવસ્થા

પાંચમા માળેથી આઇસીયુ, પ્લાસ્ટીક સર્જરી, ન્યુરો સર્જરીના વિભાગો અગાઉ જ્યાં હતાં ત્યાં બદલાવાયા

રાજકોટ તા. ૩૦: વૈશ્વીક મહામારી કોરોનાના કેસો રાજકોટમાં રોજબરોજ કુદકે ને ભુસકે વધી રહ્યા છે. એક સમય એવો આવ્યો હતો કે સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ-૧૯માં માત્ર પાંચ-છ દર્દીઓ જ વધ્યા હતાં અને બહુ ઝડપથી કોવિડ-૧૯ની ટીમોને રાહત મળી જશે તેવી આશા જન્મી હતી. પરંતુ લોકડાઉન અનલોક થતાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા વધવા માંડી હતી. ગુજરાતનો સોૈથી પહેલો કોરોના પોઝિટિવ પણ રાજકોટમાં જ આવ્યો હતો. આ દર્દીની કોવિડ-૧૯માં સારવાર થતાં તે સાજો પણ થઇ ગયો હતો. કોરોનાના દર્દીઓ માટેની ખાસ હોસ્પિટલ નવા બનેલા સુપર સ્પેશિયાલિટી વિભાગમાં શરૂ કરવામાં આવી છે. અહિ પ્રારંભે ૧૬૦ બેડની સુવિધા હતી. પરંતુ હવે આ સુવિધા વધારીને ૨૫૦ બેડ સુધી પહોંચાડવી પડી છે. તેનું કારણ સતત વધી રહેલા કોરોનાના દર્દીઓ છે.

જાણવા મળ્યા મુજબ કોવિડ-૧૯ હોસ્પિટલનો પ્રારંભ થયો ત્યારે ૧૬૦ બેડની વ્યવસ્થા આ હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. બીજા, ત્રીજા માળે દર્દીઓને દાખલ કરવામાં આવતા હતાં. પાંચમા માળ પર હૃદય રોગના દર્દીઓ માટે આઇસીસીયુ વિભાગ, ન્યુરો સર્જન વિભાગ, પ્લાસ્ટીક સર્જરી વિભાગ સહિતના દર્દીઓની સારવાર થતી હતી. એ પછી કોરોનાના દર્દીઓ વધતાં આ ચોથા માળે નવી સુવિધા ઉભી કરી ૨૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પરંતુ હવે ક્રમશઃ રોજ બરોજ કોરોનાના નવા દર્દીઓ સામે આવી રહ્યા હોઇ અને ખાનગી હોસ્પિટલમાં પણ પુરતી જગ્યા ન હોઇ અને રાજકોટ જીલ્લા, તાલુકાના કોરોનાના દર્દીઓ સિવિલની કોવિડ-૧૯માં જ આવતાં હોઇ અહિ વધારાના બેડની સુવિધા ઉભી કરવાની ફરજ પડી છે.

જાણવા મળ્યા મુજબ પાંચમા માળેથી આઇસીયુને મેડિકલ કોલેજ સામેના જુના વિભાગમાં, પ્લાસ્ટીક સર્જરી અને ન્યુરો સર્જરી વિભાગને પણ ટ્રોમા સેન્ટરમાં બદલીવામાં આવ્યા છે. હવેથી પાંચમા માળે વધારાના ૫૦ બેડની સુવિધા ઉભી કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. તબિબી અધિક્ષક ડો.મનિષ મહેતાના કહેવા મુજબ દર્દીઓની સંખ્યા વધી રહી હોઇ વ્યવસ્થાના ભાગ રૂપે પાંચમા માળે પણ કોવિડ-૧૯ના દર્દીઓ માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલના સમયાં ૭૫થી વધુ દર્દીઓ આ વિભાગમાં સારવાર લઇ રહ્યા છે.

(3:00 pm IST)