Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

૧૦મા માળેથી પટકાતા તુષારભાઇ વાછાણીનું મોત

સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ રોડ પર શ્રી રેસિડેન્સીમાં બનાવઃ એસએનકે સ્કૂલમાં એડમિન વિભાગમાં ફરજ બજાવતા હતાં : વરસાદના પાણીના નિકાલ માટેનો પાઇપ કાપતી વખતે દૂર્ઘટનાઃ એક પુત્ર કેનેડા રહે છેઃ પટેલ પરિવારમાં ગમગીની

જ્યાં દૂર્ઘટના બની તે શ્રી રેસિડેન્સી એપાર્ટમેન્ટ અને બાજુની તસ્વીરમાં ટેબલ તથા તુષારભાઇનો નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે

રાજકોટ તા. ૩૦: સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલ રોડ પર શ્રી રેસિડેન્સીમાં રહેતાં અને એસ. એન. કણસાગરા સ્કૂલમાં એડમિન વિભાગમાં ફરજ બજાવતાં પટેલ પ્રોૈઢનું દસમા માળેથી પટકાતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ શ્રી રેસિડેન્સીમાં દસમા માળે ફલેટ નં. ૧૦૦૧માં રહેતાં તુષારભાઇ જયપ્રકાશભાઇ વાછાણી (પટેલ) (ઉ.વ.૫૦) પોતાના ફલેટના રવેશમાંથી પડી જતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાની જાણ થતાં તાલુકા પોલીસ મથકના એએસઆઇ અજીતસિંહ એમ. જાડેજા તથા રાઇટર રિતેશભાઇ પટેલે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ મૃત્યુ પામનાર તુષારભાઇ એસએનકે સ્કૂલમાં એડમિન વિભાગમાં નોકરી કરતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્ર છે. જે કેનેડા રહે છે. પોલીસે આ બનાવ કઇ રીતે બન્યો? તે જાણવા તપાસ કરતાં એવી માહિતી સામે આવી હતી કે તુષારભાઇ પોતાના ફલેટના રવેશમાં ટેબલ રાખી તેના પર ચડી વરસાદના પાણીના નિકાલ માટેનો પાઇપ કાપી રહ્યા હતાં. આ વખતે ધ્યાનભંગ થતાં અકસ્માતે નીચે પટકાયા હતાં. બનાવને પગલે રહેવાસીઓ ભેગા થઇ ગયા હતાં અને ૧૦૮ બોલાવી હતી. પરંતુ તેના ઇએમટી દિનેશભાઇએ તુષારભાઇ વાછાણીને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. તુષારભાઇ પત્નિ સાથે રહેતાં હતાં. ઘટના અકસ્માતે બન્યાનું હાલ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

(2:57 pm IST)