Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ફાટક ખોલ નહિતર છરી મારી દઇશ...રેલ્વેના ગેટમેનને ધમકી દેનાર શખ્સ ભગવતીપરાનો હોવાનું ખુલતાં શોધ

મોરબી રોડ રાજનગર સોસાયટી પાસેના બનાવમાં આરોપી અંગે માહિતી મળી

રાજકોટ તા. ૩૦: મોરબી રોડ રાજનગર સોસાયટી પાસે માલગાડી પસાર કરાવવા ફાટક બંધ કરનાર ગેટમેનને એક શખ્સે ફાટક ખોલ નહિતર છરી ભોંકી દઇશ તેવી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે રેલ્વેના ગેટમેન મુળ બિહારના હાલ રાજકોટ કોઠી કમ્પાઉન્ડ મકાન નં. ૧૨૬-બી/૧માં રહેતાં બીનોદકુમાર કન્હૈયાપ્રસાદ ગુપ્તા (ઉ.૩૬)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ  સામે આઇપીસી ૩૨૩, ૧૮૬, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

બીનોદકુમારે ફરિયાદમાં જણાવ્યું છે કે પરમ દિવસે સાંજે રાજકોટ બિલેશ્વર રેલ્વે સ્ટેશન વચ્ચે માનવરહિત સમપાર ફાટક પર મારી નોકરી હતી. રાતે પોણા અગિયાર આસપાસ માલગાડી પસાર કરાવવાની હોઇ સ્ટેશન માસ્ટરે મને ફાટક બંધ કરવાનો ઓર્ડર આપ્યો હતો. જેથી મેં ફાટક બંધ કરતાં ત્રણ અજાણ્યા છોકરા આવ્યા હતાં. જેમાંથી એકે મને છાતીમાં લાત મારી દીધી હતી અને ફાટક ખોલવાનું કહ્યું હતું. એ પછી ચાકુ કાઢી 'ફાટક ખોલ નહિતર ચાકુ મારી દઇશ' તેમ કહી ધમકી દીધી હતી. ત્યાં માલગાડી આવી ગઇ હતી. ત્યારબાદ એક છોકરાને બીજા બે છોકરા પકડીને સફેદ એકટીવામાં બેસાડીને જતા રહ્યા હતાં. છોકરા અવાર-નવાર અહિથી નીકળતાં હોઇ તે ભગવતીપરા વિસ્તારના હોવાની મને ખબર પડી છે. તેને જોયે હું ઓળખી શકુ છું.

એએસઆઇ કે. યુ.વાળાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(12:47 pm IST)