Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

રોગિયલના સંતાન નથી જોઇતા..છુટાછેડા આપી દે તેમ કહી સોનલબેન ગઢવીને કાઢી મુકવામાં આવી

રાજકોટની સોનલબેન ગઢવીને જામનગરમાં પતિ-સાસરિયાનો ત્રાસ

રાજકોટ તા. ૩૦: જામનગર સાસરૂ ધરાવતાં અને હાલ રાજકોટ માવતરે રહેતાં ગઢવી પરિણિતાને પતિ, સાસુ, જેઠ અને નણંદે એકસંપ કરી કરિયાવર સહિતની નાની નાની વાતે દુઃખ ત્રાસ આપી તેમજ આવી રોગિયલના છોકરાવા નથી જોઇતા, છુટાછેડા આપી દે...તેમ કહી કાઢી મુકતાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગે મહિલા પોલીસે હાલ કોઠારીયા રોડ યાદવનગર રવેચી કૃપા ખાતે રહેતી સોનલબેન દિવ્યેશભાઇ ગઢવી (ઉ.૩૩)ની ફરિયાદ પરથી જામનગર પટેલ કોલોની  રોડ નં. ૨ શેરી નં. ૪ અપુર્વ રેસિડેન્સીમાં રહેતાં તેના પતિ દિવ્યેશ રઘુભાઇ ગઢવી, સાસુ રસિલાબેન, જેઠ બ્રિજેશભાઇ અને નણંદ ઉર્વશીબેન મનિષભાઇ ગઢવી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું છેલ્લા વિસેક દિવસથી મારા માવતરના ઘરે રહુ છું. મારા લગ્ન ૨૪/૧/૧૫ના રોજ દિવ્યેશ સાથે થયા છે. લગ્ન બાદ અમે સંયુકત પરિવારમાં રહ્યા હતાં. છએક મહિના સારી રીતે રાખી હતી. પરંતુ બાદમાં કરિયાવર બાબતે મેણાટોણા શરૂ થયા હતાં. પતિને ખોટી ચઢામણી કરવામાં આવતી હતી. ૨૦૧૮માં મને પ્રેગનન્સી રહેતાં મેડિકલ ચેકઅપ કરાવતાં મારે વધુ સુગર આવતાં બંનેની મરજીથી ગર્ભપાત કરાવ્યો હતો. એ પછી મને સાસરિયાવાળા વધુ હેરાન કરતાં હતાં. પતિ અને સાસુ કહેતાં કે આ રોગિયલના છોકરાવ અમારે નથી જોઇતા. નણંદ કે જે મુંબઇ સાસરે છે ત્યાંથી ફોન કરીને ચઢામણી કરતાં હતાં.

મને મારા માતા-પિતા સાથે ફોનમાં વાત પણ કરવા દેવામાં આવતી નહિ. પ્રસંગોમાં પણ માવતરે જવા દેતા નહિ. છેલ્લા ત્રણ મહિનાથી નણંદ અમારે ત્યાં રોકાયા છે. તે સતત નાની-નાની વાતે ઝઘડા કરે છે. તું મારા ભાઇને છુટાછેડા આપી દે તેમ કહી હેરાન કરે છે. નણંદનું ઉપરાણુ લઇને પતિએ મને મારકુટ પણ કરી હતી. એ પછી નણંદના કહેવાથી મારા પતિએ મારા ભાઇને બોલાવી મને મોકલી દીધી હતી. ત્યારથી હું પિયરે છું. સમાધાનના પ્રયાસો કરવા છતાં પતિ-સાસરિયા તેડવા આવતાં ન હોઇ અંતે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં સોનલબેને જણાવતાં એએસઆઇ એ.કે. સાંગાણીએ તપાસ હાથ ધરી છે.

(12:47 pm IST)