Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

લોકડાઉનને કારણે આર્થિક ભીંસમાં મુકાયેલા ગંજીવાડાના બારોટ યુવાન ગુલાબભાઇએ ફાંસો ખાઇ મોત મેળવ્યું

પોપટપરામાં ગઢવી યુવાન ભાવેશભાઇએ અકળ કારણોસર ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

રાજકોટ તા. ૩૦: લોકડાઉનને કારણે કામધંધામાં મંદી અને આર્થિક સંકડામણને કારણે વધુ એક યુવાને આપઘાત કરી લીધો છે. ગંજીવાડા શેરી નં. ૨૯ દલિતવાસમાં રહેતાં ગુલાબભાઇ ઉર્ફ સાર્દુલભાઇ રતિલાલ જાદવ (ઉ.૩૫) નામના બારોટ યુવાને પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

ગઇકાલે સાંજે ગુલાબભાઇ ઉર્ફ સાર્દુલભાઇ બહારથી ઘરે આવ્યો હતો અને પત્નિને 'હું સુઇ જાવ છું, ઉઠાડતી નહિ' તેમ કહી દરવાજો બંધ કરી દીધો હતો. મોડે સુધી તે નહિ જાગતાં પત્નિએ તપાસ કરતાં દરવાજો નહિ ખોલાતાં ૧૦૮ બોલાવાઇ હતી. દરવાજો તોડીને જોતાં તે લટકતો મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ૧૦૮ના ઇએમટી હિતેષભાઇ વાઘેલાએ મૃત જાહેર કરતાં પોલીસ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ બી. બી. કોડીયાતરે જાણ કરતાં થોરાળાના પીએસઆઇ એચ. બી. વડાવીયા અને કિશોરભાઇએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનારને સંતાનમાં બે પુત્ર છે. મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. લોકડાઉન પછી મજૂરી મળતી ન હોવાથી આર્થિક ભીંસ ઉભી થતાં આ પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

બીજા બનાવમાં પોપટપરા રઘુનંદન સોસાયટી-૬માં રહેતાં નિવૃત પોલીસમેનના પુત્ર ભાવેશભાઇ રામભાઇ જામ (ઉ.વ.૩૩) નામના ગઢવી યુવાને પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવની જાણ થતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ભાવેશભાઇ ઘરે આવ્યા બાદ પત્નિ હિરબાઇબેનને નીચેના માળે રમી રહેલા પુત્ર પાર્થને તેડી લાવવાનું કહી મોકલ્યા બાદ રૂમ બંધ કરી ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્નિને દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલતાં પરિવારજનોએ દરવાજો તોડતાં ભાવેશભાઇ ફાંસો ખાધેલી હાલતમાં મળતાં બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ મૃત જાહેર કરાતાં કલ્પાંત સર્જાયો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર છે. તે બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. કારણ પરિવારજનો જાણતા ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(12:46 pm IST)