Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

એમપી બોર્ડરથી ચોરખાનાવાળા બોલેરોમાં દારૂ છુપાવી ત્રીજો ફેરો કર્યો ને ઝડપાયો

મેંદરડાના વિજય સગરને મોરબી રોડ નવા યાર્ડ પાસેથી ૩.૦૫ લાખના મુદ્દામાલ સાથે એસીપી ક્રાઇમ ટીમે પકડી લીધો : એસઓજીના વિજેન્દ્રસિંહ ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ, જીતુભા ઝાલા અને કૃષ્ણદેવસિંહ જાડેજા તથા ક્રાઇમ બ્રાંચના રઘુવીરસિંહ વાળા, રાજેશભાઇ બાળા તથા સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી પરથી આ બંને કામગીરી થઇ હતી

રાજકોટ તા. ૩૦: નાના મોટા બૂટલેગરો ફરીથી સક્રિય થયા છે અને એ સાથે પોલીસ પણ દરોડા પાડવા માંડી છે. શહેર એસીપી ક્રાઇમની ટીમે મોરબી રોડ નવા યાર્ડ પાસેથી રૂ.૧,૦૫,૦૦૦નો વિદેશી દારૂ ભરેલી બોલેરો પીકઅપ વેન સાથે મેંદરડાના વિજય વલ્લભભાઇ કડથીયા (ઉ.૨૮)ને પકડી લઇ કુલ રૂ. ૩,૦૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ શખ્સ ચોરખાનાવાળા બોલેરોમાં એમપી બોર્ડર છોટાઉદેપુર પાસેથી આ રીતે ત્રીજી વખત દારૂ ભરીને આવ્યો હતો. પણ આ વખતે કટીંગ કરે એ પહેલા ઝડપાઇ ગયો હતો. બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચની ટીમે મુળ જામનગર, પોરબંદરના ત્રણ શખ્સોને રૈયાધાર ડ્રીમસીટી પાછળથી સ્કોર્પિયોમાં દારૂની બોટલો સાથે પકડી લઇ રૂ. ૧૦,૨૫,૫૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

એસીપી ક્રાઇમ ટીમે બાતમી પરથી જીજે૧૩એટી-૭૨૯૮ નંબરની બોલેરો પીકઅપ વેન અટકાવી તલાશી લેતાં ઠાઠાના ભાગે ચેસીસમાં બનાવેલા ચોરખાનામાંથી રોયલ સિલેકટ બ્રાન્ડની ૨૪૦ બોટલો, ગોવા સ્પીરટ ઓફ સ્મૂથનેસ બ્રાન્ડની ૪૮ અને રોયલ નાઇટ મોલ્ટ વ્હીસ્કીની ૧૨ બોટલો શોધી કાઢી હતી. એસીપી જયદિપસિંહ એચ. સરવૈયાની ટીમના પીએસઆઇ એમ. એસ. અંસારી, હેડકોન્સ. ઝહીરખાન ખફીફ, પ્રદિપસિંહ ગોહિલ, અઝહરૂદ્દીનભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એસઓજીના વિજેન્દ્રસિંહ ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ, જીતુભા ઝાલા અને કૃષ્ણદેવસિંહ જાડેજાની બાતમી પરથી આ કામગીરી થઇ હતી.

વિજય અગાઉ જુનાગઢ જીલ્લામાં દારૂના ગુનામાં પકડાઇ ચુકયો છે. તેણે બોલેરો સુરેન્દ્રનગરથી ખરીદી ત્યારે ચોરખાનુ સાથે જ આવ્યું હોવાનું રટણ કર્યુ છે. છોટાઉદેપુર (એમ.પી. બોર્ડર)થી પોતે આ વાહનમાં આ રીતે અગાઉ પણ બે ખેપ મારી આવ્યાનું રટણ કરતો હોઇ સાચી વિગતો ઓકાવવા રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચની ટીમે રૈયાધાર ડ્રીમસીટી પાછળથી જીજે૦૩એલજી-૫૧૦૫ નંબરની સ્કોર્પિયો આંતરી તલાશી લેતાં અંદરથી બ્લેક એન્ડ વ્હાઇટની ૬ બોટલ, વેટ-૬૯ની ૪ બોટલ તથા રોયલ ચેલેન્જની ૨૪ બોટલો મળી આવતાં કુલ રૂ. ૧૦,૨૫,૫૮૦નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ શખ્સો મુળ જામનગર ગુલાબનગરના હાલ ડ્રીમસીટી પાછળ રૈયાધારમાં રહેતાં સંજય ભીખુભાઇ શિયાર (ઉ.૩૦), જામનગર ગુરૂદ્વારા રોડ ઇન્દિરા રોડના ભરત બટુકભાઇ ચંદ્રેશા (ઉ.૩૦) અને પોરબંદરના હાલ પાટીદાર ચોક ધર્મપાર્ક-૨માં રહેતાં રાજ પરબતભાઇ કેસવાલા (ઉ.૨૮)ની ધરપકડ કરી હતી.

પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, સુભાષભાઇ ઘોઘારી, પ્રદિપસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, શકિતસિંહ ગોહિલ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, રાજેશભાઇ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી પરથી આ કામગીરી થઇ હતી.

(11:59 am IST)