Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

હવે વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓને ફકત 'પુસ્તકીયુ' જ્ઞાન મેળવી સંતોષ માનવો નહિ પડે, પોલીસ સાથે રહીને પ્રેકટીકલ જ્ઞાન મેળવશે

પોલીસ-એકેડમી ઇન્સ્ટ્રકશન ફોરમ રચાયું: ગુજરાતના ઇતિહાસમાં અભિનવ પ્રયોગ

રાજકોટ, તા., ૩૦: જાન્યુઆરી ર૦૧૮માં ટેકનપુર મધ્ય પ્રદેશ ખાતે યોજાયેલ કોન્ફરન્સમાં જુદા જુદા રાજયોમાં કાર્યરત રાષ્ટ્રીય કાયદા વિશ્વ વિદ્યાલયોના સ્નાતક-અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે કાયદા, ન્યાય વિજ્ઞાન અને અન્ય પોલીસ વિષયો બાબતે સંકલન કરી અપરાધીક બનાવો અનુસંધાને કરવામાં આવતી પોલીસ તપાસ અને ફોજદારી કાર્યવાહીની ગુણવતા સુધારવા માટે પોલીસ શિક્ષણવિદ્યા વચ્ચે સંકલન માટેનો મંચ ઉભો કરવાના નિર્ણયના અનુસંધાનમાં ડીજીપી શિવાનંદ ઝા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર, રક્ષાશકિત યુનિવર્સિટી, અમદાવાદ અને ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર સાથે સંકલન કરવા પોલીસ-શિક્ષણવિદ્યા વચ્ચે સંકલન માટેનો મંચની રચના કરવા માટે પહેલ કરી છે.

પોલીસ-શિક્ષણવિદ્યા વચ્ચે સંકલન માટેનો મંચ કાયદો, ન્યાય વિજ્ઞાન, પોલીસ વિજ્ઞાન, અપરાધીક બનાવોની તપાસ કોમ્યુનીટી પોલીસીંગ વગેરે મુદાઓ પર પોલીસ વિભાગ અને સભ્ય વિશ્વ વિદ્યાલયો એક મંચ પર કામ કરશે. સભ્ય વિશ્વ વિદ્યાલયોના વિદ્યાર્થીઓને તેમના વર્ગખંડમાં મેળવેલ શિક્ષણને વધારવા માટે પોલીસના વિવિધ પાંખો સાથે કામ કરવાની તક આપવામાં આવશે અને વિશ્વ વિદ્યાલયોના અધ્યાપકો કાયદાનો અમલ સાથે સંકળાયેલા વિવિધ મુદાઓ પર સંશોધન સંબંધીત કામગીરી હાથ ધરી શકે છે તે ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પુરી પાડવામાં આવતી સુરક્ષા સબંધી સેવાઓ અને કાયદાનો અમલીકરણ સંબંધી કામગીરીમાં સુધારવા માટે વૈશ્વીક શ્રેષ્ઠ પ્રયાસો તકનીકી સાધનો અને મેનેજમેન્ટ પ્રેકટીસ આવરી લઇ શકે છે.

તાજેતરમાં નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર ખાતે શ્રી શિવાનંદ ઝા, પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજયનાઓની અધ્યક્ષતામાં પોલીસ-શિક્ષણવિદ્યા વચ્ચે સંકલન માટેનો મંચની બેઠક યોજાયેલ. જેમાં પોલીસ શિક્ષણવિદ્યા વચ્ચે સંકલન માટેનો મંચ દ્વારા હાથ ધરી શકાય તેવા વિવિધ પ્રવૃતિઓ, પોલીસ વિભાગ તથા વિશ્વ વિદ્યાલયોને લાભ થાય તેવા સામાન્ય હિતના મુદાઓ નક્કી કરવા અને તેના અમલીકરણ અંગેનો કાર્ય તંત્ર બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ. શ્રી બિમલ પટેલ, વાઇસ ચાન્સેલર, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી શ્રી જે.એમ.વ્યાસ ડાયરેકટર જનરલ, ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને શ્રી વિકાસ સહાય, ડાયરેકટર જનરલ રક્ષા શકિત યુનિવર્સિટી શ્રી નરસિમ્હા કોમાર, પોલીસ મહાનિરીક્ષક (આયોજન અને આધુનીકરણ) શ્રીમતી નિપુણા તોરવણે. સંયુકત નિયામક ગુજરાત પોલીસ અકાદમી, શ્રી કલ્પેશકુમાર ગુપ્તા, આસીસ્ટન્ટ પ્રોફેસર ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી અને સભ્ય વિશ્વ વિદ્યાલયોના પ્રતિનિધિઓએ ભાગ લીધેલ આ માટે અભ્યાસક્રમ તૈયાર પણ થશે.

મહિલાઓ-બાળકો પરના અત્યાચારના મામલે ન્યાયી વિજ્ઞાનનો ઉપયોગ થશે

આઇજીપી નરસિંહમ્મા કોમાર સાથે અકિલાની વાતચીત

રાજકોટઃ મહિલાઓ બાળકો પરના અત્યાચારના મામલે ન્યાયી વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવનાર હોવાનું રાજયના ઁઆયોજનને આધુનિકરણના આઇજીપી નરસિંહમ્મા કોમાર કે જેઓ પોલીસ એકેડેમી ઇન્સ્ટ્રકશન ફોરમના એક મહત્વના સભ્ય છે. તેઓએ આ ફોરમના હેતુ અંગે અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવેલ કે, ગુજરાતના ઇતિહાસમાં અનેરો પ્રયોગ છે. જેનું અધ્યક્ષસ્થાન રાજયના કાર્યદક્ષ પોલીસ વડા શિવાનંદ ઝા સંભાળે છે. તેઓએ જણાવેલ કે વિશ્વ વિદ્યાલયના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોલીસ સાથે રહી પ્રેકટીકલ તાલીમ મેળવવાની તક આપવામાં આવશે. તેઓએ જણાવેલ કેઆ ફોરમમાં ગુજરાત લો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિમલ પટેલ,  ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિ.ના નિયામક જે.એમ.વ્યાસ, રક્ષાશકિત યુનિ.ના નિયામક વિકાસ સહાય તથા એકાદમીના સંયુકત નિયામક નિપુર્ણા તોરવણે અને લો યુનિવર્સિટીના આસી. પ્રોફેસર કલ્પેશ ગુપ્તા વિગેરે તજજ્ઞો સામેલ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પાસેથી તાલીમ દરમિયાન તેઓને શું ગમ્યું?  તેઓને સુચનો કરવા જેવું શું લાગ્યું? તેઓ પાસેથી પણ આવા સુચનો મેળવવામાં આવનાર હોવાનું નરસિંહમ્મા કોમારે વાતચીતના અંતે જણાવેલ.

(3:46 pm IST)