Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

રૂ.આઠ લાખની કિંમતના પાંચ ચેકો પાછા ફરતા કોર્ટમાં થયેલ ફરિયાદ

રાજકોટ તા.૩૦: રાજકોટ શહેરના નિર્મલભાઇ દાદભાઇ ગરૈયા રીયલ એસ્ટેટના વ્યવસાયકરતા હોય અને આરોપી કિશોરભાઇ શાંતુભાઇ ખાચર રહે. 'શિવશકિત', જલારામ-૪, ઇન્દીરા સર્કલ પાસે, યુનિ.રોડ, રાજકોટ વાળા કે જે રાજકોટમાં રહી વેપાર કરતા હોય અને આરોપીએ ફરીયાદી પાસેથી મકાન ખરીદી કરી, ખરીદ કરેલ મકાનની બાકીની કાયદેસરની લેણી રકમ ચુકવવા અલગથી કરી આપેલ નોટરાઇઝ સમજુતી કરારની વિગતે આપેલ એક સરખી રકમના કુલ પાંચ ચેકસ રીટર્ન થતા અદાલતમાં પાંચ ફરીયાદ દાખલ કરતા અદાલતે આરોપી કિશોરભાઇ શાંતુભાઇ ખાચર સામે અદાલતમાં હાજર થવા પાંચેય ફોજદારી કેસમાં સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, આરોપી કિશોરભાઇ શાંતુભાઇ ખાચર સામે રાજકોટની અદાલતમાં એ મતલબની પાંચ ફરીયાદ નોંધાવેલ કે, ફરીયાદી તથા આરોપી વચ્ચે જુની મિત્રતાના સબંધના દાવે ફરીયાદી પાસેથી આરોપીએ મકાનની ખરીદી રકમ રૂ.૭૨,૦૦,૦૦૦/-માં કરેલ જે સોદા પેટે રકમ રૂ.૩૧,૯૦,૦૦૦/- આરોપીએ ચેકથી અને રકમ રૂ.૧૦,૦૦૦/- ટોકન પેટે એમ મળી કુલ રકમ રૂ.૩૨,૦૦,૦૦૦/- ફરીયાદીને ચુકવી આપેલ અને બાકી રહેતી રકમ રૂ.૪૦,૦૦,૦૦૦/- ચુકવવા માટે ફરીયાદી તથા આરોપીએ અલગથી નોટરાઇઝડ સમજુતી કરાર કરી, કરેલ સમજુતી કરારની વિગતે આરોપીએ ફરીયાદીનું કાયદેસરનું રકમ રૂ.૪૦,૦૦,૦૦૦/-નું લેણુ સ્વીકારી તે લેણું અદા કરવા રકમ રૂ.૮,૦૦,૦૦૦/-ના કુલ પાંચ ચેકસ ફરીયાદીનુ કાયદેસરનું વેચાણ કરેલ મકાનનુ લેણુ ચુકવવા આરોપીએ ફરીયાદી જોગ ચેકસ આપેલ હતા.

ફરીયાદીએ દસ્તાવેજી પુરાવા સાથે આરોપી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદો દાખલ કરી રજુઆત કરેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી પાસેથી ખરીદ કરેલ મકાનની બાકી રકમ સમજુતી કરાર મુજબ આપવામાં આવેલ ચેકસ આપી, તે ચેકસ પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ-૧૮૮૧ની કલમ-૧૩૮ હેઠળ ગંભીર પ્રકારનો ફોજદારી ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઇ આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં ફરીયાદી શ્રી નિર્મલભાઇ દાદભાઇ ગરૈયા વતી રાજકોટના વકિલ શ્રી બિમલ આર.જાની,, ક્રિપાલસિંહ એન.જાડેજા તથા સંજય એન.ઠુંમર રોકાયેલા હતા.(૧૭.૨)

 

(3:42 pm IST)