Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

એટીએમમાં મદદના બહાને રોકડા ઉપાડી લેતો ગઠીયો દિપકસિંગ બીજીવાર પકડાયો

મુળ યુ.પી.નો શખ્સ અગાઉ પાંચ જેટલા ગુનામાંં પકડાયા બાદ ફરીથી એ-ડિવીઝન પોલીસે જ દબોચ્યો : હોસ્પિટલ ચોકમાં વૃધ્ધ જયેન્દ્રસિંહને છેતરી કાર્ડ બદલી ૨૨ હજાર અને બિહારી મુસ્લિમ પ્રોૈઢ કુદ્દુસભાઇને છેતરી ૪૦ હજાર ઉપાડી લીધા'તાઃ સીસીટીવી ફૂટેજ પરથી ઓળખાયો : વૃધ્ધો તથા એટીએમની પ્રક્રિયાથી અજાણ હોય તેવા લોકો પર વોચ રાખી 'કારીગીરી' કરતો ને મોજશોખમાં નાણા ખર્ચી નાંખતો

રાજકોટ તા. ૩૦: એટીએમમાં ખાસ કરીને વૃધ્ધોને શિકાર બનાવી તેમને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી નાંખી રોકડા ઉપાડી લઇ મોજશોખમાં ઉડાવી દેતો યુ.પી.નો ગઠીયો આવા ગુના આચરવા સબબ બીજી વખત એ-ડિવીઝન પોલીસના સકંજામાં આવ્યો છે. આવા બે ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ શખ્સની વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

રેલનગર લોર્ડ ક્રિષ્ના સોસાયટી-૨માં રહેતાં જયેન્દ્રસિંહ જામભા જાડેજા (ઉ.૬૫) ૨૭/૬ના સવારે સાડા દસેક વાગ્યે હોસ્પિટલ ચોક એસબીઆઇના એટીએમમાં નાણા ઉપાડવા આવ્યા ત્યારે એક દાઢી-મુછવાળો શખ્સ સાથે ઘુસી ગયો હતો અને લાવો તમને પૈસા ઉપાડી દઉ તેમ કહી તેમનું કાર્ડ પ્રોસેસ કરવાનું નાટક કરી 'તમારા કાર્ડમાં કંઇક ખામી છે, હવે હું મારા પૈસા ઉપાડી લઉ' તેમ જણાવી કાર્ડ બદલી જયેન્દ્રસિંહના ખાતામાંથી કટકે-કટકે રૂ. ૨૨ હજાર ઉપાડી લીધા હતાં અને નીકળી ગયો હતો. પૈસા ઉપડ્યાના મેસેજ મળતાં આ વૃધ્ધને ઠગાઇ થયાની ખબર પડી હતી.

આ જ દિવસે બપોરે ફરીથી આ ગઠીયો હોસ્પિટલ ચોકના એટીએમમાં શિકાર કરવા પહોંચી ગયો હતો અને મુળ બિહારના હાલ મીરા ઉદ્યોગનગરમાં રહેતાં કુદ્દુસભાઇ સલિમભાઇ શેખ (ઉ.૫૪)ને પણ એટીએમમાંથી પૈસા ઉપાડી દેવામાં મદદ કરવાને બહાને ઘુસી ગયો હતો અને તેમને છેતરીને એટીએમ કાર્ડ બદલી રૂ. ૪૦ હજાર ઉપાડી લીધા હતાં. આ બંને બનાવની જાણ એ-ડિવીઝનમાં થઇ હતી.

ડીસીપી ઝોન-૧ બલરામ મીના, એસીપી પૂર્વ બી. બી. રાઠોડ અને પી.આઇ. બી. પી. સોનારાએ આ ભેદ ઉકેલવા સુચના આપતાં એએસઆઇ શિવરાજસિંહ જાડેજા, હેડકોન્સ. ભરતસિંહ ગોહિલ, ભાવેશભાઇ વસવેલીયા, ઇન્દ્રસિંહ જાડેજા, હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા, કોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા, કો ન્સ. ક્રિપાલસિંહ ઝાલા, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, શૈલેષભાઇ ખીહડીયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ તપાસ શરૂ કરતાં એટીએમના ફૂટેજ ચેક કરતાં શકમંદ ગઠીયો દિપકસિંગ સંતોષસિંગ શેહગર (રજપૂત) (ઉ.૨૮-રહે. મોરબી રોડ, જકાત નાકા પાસે સંગીતા પાર્ક-૧- મુળ દિલોહા તા. કેઠોન જી. જાલોન-યુપી) નજરે ચડ્યો હતો.

આ શખ્સને અગાઉ પણ એ-ડિવીઝન પોલીસે આ જ પ્રકારના પાંચેક ગુનામાં પકડ્યો હોઇ ઝડપથી ઓળખી લીધો હતો અને સકંજામાં લઇ પુછતાછ કરતાં બંને ગુના કબુલી લીધા હતાં. લાદી કામ કરતો આ શખ્સ મોજશોખ પુરા કરવા માટે આવા ગોરખધંધા કરે છે. તેની પાસેથી રૂ. ૫૦ હજાર કબ્જે કરવામાં આવ્યા છે. પી.આઇ. બી. પી. સોનારાની રાહબરીમાં વધુ તપાસ થઇ રહી છે.

(12:56 pm IST)