Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કાલે ૩૧ મે ર૦ર૦ વર્લ્ડનો ટોબેકો ડે

ભારતમાં ર૧ ટકા લોકોના મૃત્યુ માટે તમાકુ જવાબદાર : દરરોજ ૩ હજાર લોકો મૃત્યુ પામે છે

રાજકોટ : ભારતમાં દર પાંચ મૃત્યુમાંથી એક મૃત્યુનું કારણ તમાકુ છે એટલે કે કુલ મૃત્યુના ર૧ ટકા લોકોના મૃત્યુ માટે તમાકુ જવાબદાર. ભારતમાં અત્યારે બે કરોડ તમાકુના વ્યસની છે અને દર વષે ૧૦ લાખ નવા બાળકો વ્યસન કરતા શીખે છે.

વોકહાર્ટ હોસ્પિટલના વરિષ્ઠ પલ્મોનોલોજીસ્ટ અને ફેફસાના રોગોના નિષ્ણાંત ડો. મિલન ભંડેરીએ 'વર્લ્ડ નો-ટોબેકો-ડે' વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આપણા શરીર માટે વ્યસન કેટલુ હાનિકારક છે અને તે સ્વાસ્થ્યને કેટલુ ગંભીર નુકશાન પહોંચાડે છે, એ-અંગેની જાણકારી આપવા દર વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૩૧મી મેના દિવસે 'વર્લ્ડ નો ટોબેકો ડે' ઉજવવામાં આવે છે.. આ દિવસે વ્યસનમાંથી હંમેશા માટે મુકિત મેળવવાનો સંકલ્પ કરવો જોઇએ. યુવાનોને તમાકુ અને નીકોટીનનો ઉપયોગ કરતા અટકાવવા અને તેને જાહેરાતોના આવેસમાં આવવાથી બચાવવા તથા જે લોકો તમાકુનો ઉપયોગ કરે છે તેમાં જાગૃતિ લાવવી અને તેઓને તમાકુના વ્યસનથી મુકિત અપાવવાનો ઉદેશ છે.

ડો. મિલન ભંડેરીએ માહિતી આપતા જણાવેલ હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને દર વર્ષના ૩૧ મે ને વર્લ્ડ નો ટોબેકો ડે' તરીકે જાહેર કરેલ છે. તાજેતરના દાયકામાં તમાકુના ઉદ્યોગકારો વિવિધ યુકિતઓ અપનાવીને યુવાનોને તમાકુ ઉત્પાદનોના વપરાશ વધારવા માટે આકર્ષી રહ્યા છે. દર વર્ષે વિશ્વમાં ૮૦ લાખથી પણ વધારે લોકો તમાકુના સેવનને લીધે ઉત્પન્ન થતાં રોગોનો ભોગ બની મૃત્યુ પામે છે. જેમાં શ્વાસના રોગો, ફેફસાનું કેન્સર, મો અને ગળાનું કેન્સર, અન્ન નળીનું કેન્સર વગેરે રોગો તમાકુના સેવનથી થાય છે.

ડો. મિલન ભંડેરીના જણાવ્યા મુજબ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું માનવું છે કે તમાકુના વિક્રેતાઓ વિવિધ યુકિતઓ અપનાવીને યુવાનોને આકર્ષે છે. જેમ કે યુવાનોને પસંદ પડે તેવી ફલેવર આકર્ષક ડીઝાઇન, નવા ઉત્પાદનો કે જેથી ઓછુ નુકશાન થવાનો દાવો, પ્રખ્યાત હસ્તીઓ વડે બ્રાન્ડ ઇન્વેસ્ટ તથા જાહેરાતો કરાવવી વગેરે 'વર્લ્ડ નો ટોબેકો ડે' ર૦ર૦ દ્વારા ડબલ્યુએચઓએ વૈશ્વિક લેવલે તમાકુના વિક્રેતાઓ વિરૂદ્ધ ઝુંબેશ ઉઠાવી છે. (૧) તમાકુ અને નીકોટીનન ઉત્પાદનો વિશે જણાવેલી ખોટી માન્યતાઓને ઉઘાડી પાડવી, ખાસ કરીને જે યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે. (ર) તમાકુના વિક્રેતા ઉદ્યોગકારોના હેતુ અને યુકિતથી યુવાનોને સાચા જ્ઞાન તરફ દોરવા અને જાગૃતિ કરવા. (૪) પ્રખ્યાત હસ્તી અને પ્રભાવકોનેસશકત કરી યુવાનોને ચાવવા તથા તમાકુના ઉત્પાદનો વિરૂદ્ધની ઝુંબેશ ઉઠાવવી.

ડો. મિલન ભંડેરીએ આપેલી માહિતી મુજબ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આશરે ૧૮.૪ ટકા યુવાનો ગુટકાનો ઉપયોગ કરે છે. યુવાનોમાં ગુટકા ખાવાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. જેમાં ૪૬.ર ટકા પુરૂષો અને ૧૧.૩ ટકા સ્ત્રીઓ તમાકુનું સેવન કરે છે, એટલે કે હવે મહિલાઓમાં તમાકુ ખાવાનું ચલણ વધતું જાય છે. ભારતમાં ટોટલ ર૧ ટકા યુવાનો તમાકુનું સેવન કરે છે. દર વર્ષે ગુજરાતમાં ટોટલ ૪પ૦૦૦ કેન્સરના કેસ નોંધાય છે તેમાંથી ફકત ૧૬૦૦૦ કેસ તો મોઢાના કેન્સરના જ હોય છે. મોઢાના કેન્સરમાં મોટાભાગના દર્દીઓ ર૦-૩પ વર્ષની ઉંમરના હોય એવું જોવા મળ્યું છે અને કેન્સરના દર દસ રોગીઓમાંથી નવ રોગીઓ તમાકુનું સેવન કરે છે. ડબલ્યુએચઓના સર્વે મુજબ ર કરોડ લોકો તમાકુ સેવન કરે છે. ભારતમાં દર પાંચ મૃત્યુમાંથી એક મૃત્યુનું કારણ તમાકુ છે, એટલે કે કુલ મૃત્યુના ર૧ ટકા લોકોના મૃત્યુ માટે તમાકુ જવાબદાર એવું એક સર્વેમાં જાણવા મળ્યું છે.

વ્યસનને લીધે થતી શારીરીક તકલીફો :

(૧) શુક્રાણું પ્રમાણ ઘટી જાય છે. (ર) પગમાં ગેંગરીન થાય છે. (૩) હૃદયને લગતા રોગો થાય છે. (૪) આંગળીઓ કાળી પડી જાય છે. (પ) કિડની પર અસર થઇ શકે (૬) દાંત કાળા પડી જાય છે. (૭) ટાલ પડી જાય છે (૮) દૃષ્ટિ નબળી પડી જાય છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને તમાકુ અને નીકોટીનના ઉત્પાદનને ના કહીએ અને વ્યસન મુકત અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ.

માર્ગદર્શન અને માહિતી

ડો. મિલન ભંડેરી

એમ.ડી.-પલ્મોનોલોજીસ્ટ

એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ

(3:35 pm IST)