Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કિડનીના દર્દથી પીડાતા ચારણીયા ગામના અર્જુન માટે આઇ.સી.ડી.એસ. વિભાગ ફરીશ્તા બનીને મદદે આવ્યો

શ્રેષ્ઠ ગાંડીવધારી અર્જુનને પણ મહાભારતનું યુધ્ધ જીતવું અઘરૂ બન્યું હોત, જો ભગવાન શ્રીકૃષ્ણ તેના સારથી ન બન્યા હોત. આવી જ રીતે રાજકોટ જિલ્લાનું આઈ.સી.ડી.એસ વિભાગે શ્રીકૃષ્ણ બનીને ચારણીયા ગામના ત્રણ વર્ષના અર્જુન માટે સારથીનું કામ કર્યું છે.

 આ વાત છે સંપૂર્ણ લોકડાઉનના બીજા ચરણની. લોકડાઉન જેવા વિકટ સમયમાં જયારે વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ્પ હતો તેવા સમયે આઈ.સી.ડી.એસ વિભાગ અને આંગણવાડી બહેનોના સમય સુચકતાપૂર્ણ નિર્ણયને કારણે કીડની સમસ્યાથી પીડીત ત્રણ વર્ષના અર્જુનને સમયસર સારવાર મળી અને આજે સંપૂર્ણ સ્વસ્થ થયો છે.

 ચારણીયા ગામમાં રહેતા રસીલાબેન અને ખીમજીભાઈ રાઠોડના પુત્ર અર્જુનને કિડની તકલીફ હોવાથી લોકડાઉનના સમયમાં આખા શરીરમાં સોજા આવી ગયા હતા. બાળકની તબિયત ન સુધરતા ઈલાજ માટે રાજકોટ લઈ જવું અનિવાર્ય હતું. જે માટે અર્જુનના માતા-પિતાએ વડીયા તાલુકાની ખાનગી હોસ્પિટલનો સંપર્ક કર્યો. પરંતુ ખાનગી હોસ્પિટલે એમ્બયુલન્સની સુવિધા વડીયા તાલુકા સુધી જ શકય બનશે તેમ જણાવતા અર્જુનની સારવાર માટે એક નવો જ પડકાર ઉભો થયો.

અર્જુનના માતા-પિતાની આ વેદનાની વાત ચારણીયા ગામના આંગણવાડી વર્કર બહેન ભાણીબેન પરમારને થતાં તેમણે સમગ્ર વાત અમરનગર સેજાના મુખ્ય સેવિકા ઉષાબેન પ્રજાપતિને કરી. બાળકના તંદુરસ્ત ભવિષ્ય માટે સતત કામ કરતી આંગણવાડી બહેનો આ સમયે કેમ પાછી પાની કરી શકે !

સંકટ સમયની સાંકળ બનીને મુખ્ય સેવિકા ઉષાબેન પ્રજાપતિ અર્જુનના માતા-પિતા જોડે ફોન પર વાત કરીને આશ્વાસન આપ્યું કે અર્જુનને સારવાર માટે રાજકોટ પહોંચાડવા આઈ.સી.ડી.એસ વિભાગ સઘન પુરતા પ્રયત્નો કરશે. સમગ્ર પરિસ્થિતને જાણીને ઉષાબેનએ જેતપુર તાલુકામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ કાર્યરત ડો. વિજયકુમાર સાકરીયા સાથે સંપર્ક કરીને અર્જુન વિષે વાત કરી. સંપૂર્ણ વાતા જાણીને ડો. સાકરીયાએ ઉષાબેન સાથે સંકલન કરીને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા અર્જુનને જેતપુર સુધી લાવવામાં આવ્યો. જયાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમે જેતપુર તાલુકાના સી.ડી.પી.ઓ શોભનાબેન લાડાણીએ અર્જુનની તપાસ કરાવી. તપાસ કર્યા બાદ ૧૦૮એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટ શહેરની બી. ટી. સવાણી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો. તાત્કાલિક સારવાર મળતાં અર્જુનનું સ્વાસ્થ્ય ચાર દિવસમાં સામાન્ય થયું. આ સમગ્ર કામગીરી આઈ.સી.ડી.એસ અધિકારી વત્સલાબેન દવે અને જેતપુર તાલુકાના સી.ડી.પી.ઓ શોભનાબેન લાડાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

બી.ટી.સવાણી હોસ્પિટલમાંથી સારવાર લઈને અર્જુન અને તેના માતા-પિતા ચારણીયા ગામ પરત ફર્યા હતા. દિકરા માટે ફરિશ્તા બનેલ આંગણવાડી વર્કર ભાણીબેન, મુખ્ય સેવિકા ઉષાબેન અને ડો. સાકરીયાનો માતા-પિતાએ અંતૅંકરણથી આભાર માન્યો હતો. હાલ અર્જુનની સ્થિતિ સારી છે. આવા આપદા સમયે માનવતા ભરી આ કામગીરી અન્યો માટે પણ પ્રેરણાદાયી બની રહેશે.

-: આલેખન :-

પ્રિયંકા પરમાર, માહિતી બ્યુરો, રાજકોટ

(3:32 pm IST)