Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કોઠારીયા રોડની સ્કૂલમાંથી ફીના ૧.૯૦ લાખની ચોરીઃ પોલીસે શકમંદને ઉઠાવ્યો

રાજકોટ તા. ૩૦: કોઠારીયા રોડ પર ગોકુલ પાર્કના ગેઇટ અંદર આવેલી માતુશ્રી વિદ્યા મંદિર નામની શાળામાંથી તસ્કરો ફીની રકમ રૂ. ૧,૯૦,૦૦૦ રોકડા તથા મોબાઇલ ફોન ચોરી જવામાં આવતાં આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચે આ ચોરીનો ભેદ ઉકેલવા શકમંદની ભાળ મેળવી આગળ તપાસ હાથ ધરી છે.

દેવપરા શેરી નં. ૨માં રહેતાં દિલીપભાઇ મનુભાઇ અગ્રાવત (બાવાજી) (ઉ.વ.૪૯)એ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી  છે કે દસ વર્ષથી તેઓ કોઠારીયા રોડ પર માતુશ્રી વિદ્યા મંદિર નામે સ્કૂલ ચલાવે છે. હાલમાં કોરોના વાયરસને કારણે સ્કૂલ બંધ રાખવામાં આવી છે. ૨૦/૩ના રોજ બપોરે બારેક વાગ્યે તેમણે સ્કૂલને તાળા માર્યા હતાં અને બંધ કરી હતી. ૨૧મીએ ભગવાનને ધૂપ દિવા કરવા ગયા ત્યારે અંદર જઇ જોતાં ઓફિસનું તાળુ તુટેલુ જોવા મળ્યું હતું અને દરવાજો પણ ખુલ્લો હતો. બીજી ઓફિસનો દરવાજો પણ ખુલ્લો દેખાયો હતો. ઓફિસની ચીજવસ્તુઓ રાખવા દિવાલમાં ફર્નિચરના ખાના બનાવ્યા હોઇ  તેમાં એક ખાનામાં શાળાના છાત્રોની ફીના રૂ. ૧,૯૦,૦૦૦ રાખ્યા હતાં તે જોવા મળ્યા નહોતાં. તેમજ પાંચ હજારનો મોબાઇલ ફોન કે જે શાળાના ઉપયોગ માટે હતો તે પણ ગાયબ હતો.

ઘરમેળે તપાસ કરી હતી. વળી લોકડાઉન હોઇ અને સ્ટાફમાં પણ અમુક પર શંકા હોઇ જેથી જે તે વખતે ફરિયાદ કરી નહોતી. હવે સ્ટાફની સંડોવણી નહિ હોવાનું સ્પષ્ટ થઇ જતાં અંતે ફરિયાદ કરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચને શકમંદ વિશે માહિતી મળતાં તપાસ થઇ રહી છે.

(2:41 pm IST)