Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કલસ્ટર કન્ટેઇનમેન્ટ કીટીપરામાં ૪૦ પોલીસ કર્મચારી બજાવશે ફરજઃચાર ફિકસ પોઇન્ટ-ધાબા પોઇન્ટ અને ડ્રોનથી નજર

ડીસીપી મનોહરસિંહ જાડેજાએ કીટીપરાની મુલાકાત લીધીઃ એસીપી દિયોરા અને પીઆઇ વણઝારા સહિતની ટીમ જોડાઇઃ કુલ ૪૫૩ આવાસમાં ૨૫૦૦થી વધુ લોકો કવોરન્ટાઇન કરાયા

રાજકોટ તા. ૩૦: કોરોનાએ હવે શહેરમાં જંગલેશ્વર સિવાયના વિસ્તારોમાં પણ પાંખ ફેલાવી લીધી છે. જ્યાં જ્યાં નવા કેસ જાહેર થયા છે ત્યાં આરોગ્ય તંત્રએ કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. અહિ લોકો નિયમોનું પાલન કરે તેની જવાબદારી જે તે વિસ્તારના પોલીસ મથકના સ્ટાફ દ્વારા નિભાવવામાં આવી રહી છે. જંકશન પ્લોટના કિટીપરા આવાસ યોજના કવાર્ટરમાં મહિલા બૂટલેગરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં દોડધામ મચી ગઇ હતી. આ વિસ્તારમાં ૪૫૩ જેટલા આવાસને કલસ્ટર કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા છે. કોરોનાને રોકવા અહિના ૨૫૦૦ લોકોને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તમામ લોકો નિયમોનું પાલન કરે તે માટે ખાસ સુચના આપવા અને આ વિસ્તારમાં ફરજ મુકાયેલા સ્ટાફને જરૂરી તકેદારી રાખવા તથા સુચનો આપવા ડીસીપી ઝોન-૨એ આજે કીટીપરાની મુલાકાત લીધી હતી.

ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા સાથે એસીપી પી. કે. દિયોરા, પીઆઇ વી. એસ. વણઝારા તથા પ્ર.નગરની ટીમો તેમજ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ પણ જોડાયો હતો. જાહેર કરાયેલા કન્ટેઇનમેન્ટ ઝોનમાં લોકો નિયમોનું પાલન કરે તે માટે ચાલીસ પોલીસ કર્મચારીઓ અહિ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે. જેમાં ચાર ફિકસ પોઇન્ટ  પરથી સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવશે. આ ઉપરાંત ડ્રોન કેમેરા અને ધાબા પાઇન્ટ પરથી પણ જરૂર પડ્યે નજર રખાશે. વિસ્તારની શેરીઓને પતરા મારીને બંધ કરી દેવામાં આવી છે. ડીસીપી શ્રી જાડેજાએ લોકોને અને ફરજ પરના પોલીસકર્મીઓને સાવચેત રહેવા સુચનો આપ્યા હતાં. તસ્વીરોમાં પોલીસ અધિકારીઓ અને ટીમ તથા આરોગ્યની ટીમ કામગીરી કરતી જોવા મળે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:40 pm IST)